કૉર્નવૉલિસ માર્ક્વિસ ઑવ્

January, 2008

કૉર્નવૉલિસ, માર્ક્વિસ ઑવ્ (જ. 31 ડિસેમ્બર 1738, મે ફેર, લંડન; અ. 5 ઑક્ટોબર 1805, ગાઝિયાબાદ) : અંગ્રેજ સેનાપતિ અને ભારતના ગવર્નર-જનરલ. ઇટન અને ક્લેર કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. 1756માં લશ્કરમાં જોડાયા. લેફ્ટેનન્ટ કર્નલ તરીકે 1758થી 1762 દરમિયાન જર્મનીમાં રહી સપ્તવાર્ષિક યુદ્ધમાં ભાગ લીધો. 1775માં મેજર જનરલ બન્યા. 1776માં અમેરિકામાં (U.S.) સરસેનાપતિ વિલિયમ હાઉસના મદદનીશ થયા. લાગ આઇલૅન્ડના યુદ્ધમાં ભાગ લઈ ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયા કબજે કર્યાં.

1778માં સર હેન્રી ક્લિન્ટનથી બીજે ક્રમે રહી, સાઉથ કૅરોલિનામાં લશ્કરી કામગીરી સંભાળીને જનરલ હૉરેશિયો ગેટ્સને કેમ્ડન મુકામે હાર આપી. તેમ છતાં 19-10-1781ના રોજ અમેરિકનોના હાથે હાર થતાં યૉર્કટાઉન સોંપવા તેમને ફરજ પડી.

માર્ક્વિસ ઑવ્ કૉર્નવૉલિસ

1786માં તે ભારતના ગવર્નર-જનરલ અને લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિમાઈને આવ્યા. ત્રીજા મૈસૂર વિગ્રહમાં સેનાપતિપદે રહીને વિજય મેળવ્યો. તેમણે વહીવટ અને લશ્કરમાં સુધારા કર્યા. તેમણે બંગાળમાં ‘કાયમી જમાબંધી’ તરીકે ઓળખાતી જમીનમહેસૂલ પદ્ધતિ દાખલ કરી. તે મુજબ જમીનદાર સાથે કાયમી ધોરણે જમીનમહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આથી સમય જતાં ગણોતિયા પ્રથા અને અંગ્રેજોને વફાદાર જમીનદારોનો વર્ગ ઊભો થયો. સરકારને મહેસૂલની કાયમી આવક થતાં ફાયદો થયો. તેમણે સર જૉન શોરની તટસ્થ નીતિનો ત્યાગ કરી આક્રમક નીતિ અપનાવી. શ્રીરંગપટ્ટમના યુદ્ધમાં 1792માં ટીપુને પરાસ્ત કરી મૈસૂર કબજે કર્યું. 1793માં ઇંગ્લૅન્ડ ગયા બાદ 1798થી 1801 દરમિયાન આયર્લૅન્ડના વાઇસરૉય અને સરસેનાપતિ બન્યા. 1798માં આયર્લૅન્ડનો બળવો સખત હાથે દાબી દીધો અને હર્બર્ટના ફ્રેન્ચ લશ્કરને તાબે થવા ફરજ પાડી. 1802માં ફ્રાન્સમાં એલચી તરીકે નિમાયા અને ‘આર્મિયાની સંધિ’ના જનક બન્યા. માર્ક્વિસ ઑવ્ વેલેસ્લીની યુદ્ધનીતિથી અસંતુષ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમને 1805માં ફરી ભારતના ગવર્નર-જનરલ નીમ્યા. તે ઇંગ્લૅન્ડના વિગ પક્ષના ટેકેદાર હતા અને અમેરિકન સંસ્થાનવાસીઓ તરફ સહાનુભૂતિ ધરાવતા હતા. ગ્રેટ બ્રિટન કરતાં પણ વધુ ઉદાર ક્રિમિનલ કોડ દાખલ કરી પોતાના ઔદાર્યપૂર્ણ સ્વભાવનો પરિચય આપ્યો હતો.

જ. જ. જોશી