કૉર્નબર્ગ, આર્થર (જ. 3 માર્ચ 1918, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : જીવરસમાં થતા રાઇબોન્યૂક્લિઇક ઍસિડ (RNA) અને ડીઑક્સિ-રાઇબોન્યૂક્લિઇક ઍસિડ(DNA)ના સંશ્લેષણ અંગે કરેલ સંશોધન બદલ નોબેલ પારિતોષિકના સહભાગી વિજેતા જીવરસાયણવિજ્ઞાની. અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થમાં 1942થી 1953 દરમિયાન કૉર્નબર્ગે મધ્યવર્તી (intermediary) ચયાપચય અને ઉત્સેચકોના ક્ષેત્રે થતાં સંશોધનો પરત્વે માર્ગદર્શન આપ્યું. સાથે સાથે કોષમાં થતી પ્રક્રિયા કે જે સહઉત્સેચકો ફ્લેવિન એડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ (FAD) અને નિકોટિન ઍમાઇડ ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ(NAD)ની રચનામાં પરિણમે છે તેની શોધમાં મદદ કરી. 1953માં તે સેંટ લૂઈ મિસૂરીની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના પ્રાધ્યાપક અને નિયામક તરીકે નિમાયા. ત્યાં પણ સજીવોના શરીરમાં આવેલા ન્યૂક્લિયોટાઇડ ઘટકોમાંથી થતા ન્યૂક્લિઇક ઍસિડના સંશ્લેષણ વિશે સંશોધન ચાલુ રાખ્યું. E. coli બૅક્ટેરિયાના સંવર્ધન માધ્યમ(culture medium)માં કિરણોત્સર્ગી સમસ્થાનકો(radioactive isotopes)ને ઉમેરવાથી થતા ન્યૂક્લિઇક ઍસિડના સંશ્લેષણમાંથી અગત્યના ઉત્સેચકની શોધ કરી. આ ઉત્સેચકને તે શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં સફળ નીવડ્યા. આ ઉત્સેચક કૉર્નબર્ગ ઉત્સેચક તરીકે ઓળખાય છે.

આર્થર કૉર્નબર્ગ

બૅક્ટેરિયાના જીવરસમાં આવેલા જનીનિક ઘટકોના ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિ બદલ ઑકોવા નામના વિજ્ઞાની સાથે 1959નો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો. 1959માં કૉર્નબર્ગ કૅલિફૉર્નિયાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જીવરસાયણ વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. 1961માં તેમણે ‘એન્ઝાયમૅટિક સિન્થેસિસ ઑવ્ ડીએનએ’ પુસ્તક લખ્યું.

1974ના અરસામાં કૉર્નબર્ગે DNA-પૉલિમરેઝ-II અને III નામે ઓળખાતા બે વધુ ઉત્સેચકોની શોધ કરી. કૉર્નબર્ગે કરેલા પ્રયોગમાં X174 વાયરૉન વિષાણુઓને પસંદ કર્યા હતા. આ વિષાણુમાં આવેલ DNA જનીનદ્રવ્ય માત્ર 6000 ન્યૂક્લિયોટાઇડનું બનેલું છે. તે સૌથી નાનું જનીનદ્રવ્ય મનાય છે. આ DNAનો ટેમ્પ્લેટ તરીકે ઉપયોગ કરીને ઉપર દર્શાવેલ ઉત્સેચકોની મદદથી તેમણે આ DNAની અનુકૃતિ રજૂ કરી હતી.

વૃંદા ઠાકર