કૉરિયોલેનસ : શેક્સપિયરના ઉત્તરકાલીન સર્જનમાં ‘કૉરિયોલેનસ’ની ગણના સમર્થ નાટ્યકૃતિ તરીકેની છે. વૉલ્સાઈ સામેના યુદ્ધ દરમિયાન કૉરિયોલીના ઘેરા વખતે કેઇયસ મારસિયસે અપ્રતિમ વીરત્વ દાખવ્યું અને તેની અટક ‘કૉરિયોલેનસ’ પરંપરાગત રીતે સ્વીકૃતિ પામી. રોમના આ ગર્વિષ્ઠ ઉમરાવે અછતના કાળમાં કાયર એવા સામાન્ય નાગરિકોને અનાજ આપવાનો ઇન્કાર કર્યો, આથી લોક-અદાલતે પ્રજાને તેની વિરુદ્ધ ઉશ્કેરી, એટલું જ નહિ, પણ દેશદ્રોહનો આરોપ મૂકીને તેને દેશનિકાલ કર્યો. એન્ટિયમ આવી તેણે પોતાના શત્રુ ટુલસ ઑફિડિયસના દળમાં જોડાઈ રોમ વિરુદ્ધ પોતાની સેવાઓ આપવાની દરખાસ્ત મૂકી. રોમના નાગરિકોને ધિક્કારતા અને તેમના વડે ધિક્કારાતા આ યોદ્ધાએ વૉલ્શિયનો સાથે હાથ મિલાવ્યા અને આમ તેણે નૈતિક કાયદાનો ધ્વંસ કર્યો. કૉરિયોલેનસ વિનાનું રોમ અસહાય હતું. ઉમરાવો અને પ્રજાજનોએ જ્યારે સાંભળ્યું કે તેમણે જેને દેશનિકાલ કર્યો છે તે કદાચ રોમને સળગાવે ત્યારે ભયભીત થઈને તેમણે રોમના બચાવ અર્થે મહિલાઓનું પ્રતિનિધિમંડળ કૉરિયોલેનસની માતા વોલ્મનિયાની આગેવાની નીચે કૉરિયોલેનસ તરફ રવાના કર્યું. રોમના બચાવ અર્થે તેણે બીજો દ્રોહ કર્યો – તેને કરવો પડ્યો. તેણે વૉલ્શિયનો સાથેનો કરાર તોડી ફરી એક વાર નૈતિક કાયદાનો ધ્વંસ કર્યો અને આમ તેનાથી રોમ અને વોલ્સાઈ બંનેનો દ્રોહ થયો.
માતાની માગણીના સ્વીકાર અર્થે તેણે પોતાની જિંદગી અને રોમ – બેમાંથી એકની પસંદગી કરવાની હતી. માતાની ઇચ્છાનો સ્વીકાર એટલે મૃત્યુ, એમ જાણવા છતાં તે માતાની ઇચ્છાને વશ થયો. તેની હાર તેની જીત બની રહી. તેની આત્મજાગૃતિની આ ક્ષણે રોમને બચાવ્યું. કૉરિયોલેનસના જીવનની આ પરમોચ્ચ ક્ષણ તેના ત્યાગ અને શૌર્યની હતી. કૉરિયોલેનસનું ઘડતર વીર નાયક તરીકે થયું હતું અને વીરોચિત મૃત્યુની સંપ્રજ્ઞતા સાથે તેણે અંતિમ શ્વાસ લીધો. મૃત્યુ પૂર્વે તેણે શૌર્યભરી સિદ્ધિ પુન: પ્રાપ્ત કરી લીધી હતી. એનું એકાકીપણું ભવ્ય અને ગૌરવાન્વિત હતું. એના અંતિમ ચિત્કારમાં વિજયનો રણકાર હતો. મૃત કૉરિયોલેનસે તેના કટ્ટર શત્રુ ઑફિડિયસનું પણ હૃદયપરિવર્તન કર્યું.
કૉરિયોલેનસના મૃત્યુમાં કારુણ્ય અને વિધિવક્રતા બંને છે. વિધિવક્રતા એ અર્થમાં કે જેણે એની હત્યા કરી તે જ તેની વીરતા અને પ્રામાણિકતાનો પ્રશંસક બની રહ્યો. કૉરિયોલેનસનો આંતરિક સંઘર્ષ તેના બાહ્ય સંઘર્ષને મુકાબલે અધિક તીવ્ર છે. માતા અને પુત્ર વચ્ચેનો આ સંઘર્ષ વાસ્તવમાં કરુણ છે. આ સંઘર્ષમાં પુત્ર સામે ચાલીને પરાસ્ત થાય છે. પણ જે ક્ષણે માતા વિજયી નીવડે છે તે ક્ષણ અંગત કરુણતાની છે. કૉરિયોલેનસે કદી ભ્રષ્ટાચારી રોમને માફ કર્યું ન હતું અને આ કારણે તો તે રોમને ધિક્કારતો હતો પણ પોતે જેમને ચાહતો હતો તે સૌની સાથે સંકળાયેલ રોમનો પ્રશ્ર્ન જ્યારે આવી ઊભો ત્યારે પોતાને ભોગે પણ તે રોમની પડખે રહ્યો. રોમના દ્રોહી તરીકે નહિ પણ રોમના તારણહાર તરીકે તે મૃત્યુને વર્યો. શેક્સપિયરની આ અત્યંત સંકુલ નાટ્યકૃતિ ટી. એસ. એલિયટની ર્દષ્ટિએ અત્યંત કલાત્મક લેખાઈ છે.
આરમાઈતી દાવર