કૉરિયોલિસ બળ : પૃથ્વીના પશ્ચિમથી પૂર્વ દિશાના દૈનિક ધરી-ભ્રમણને લીધે પવન ઉપર લાગતું બળ. ફ્રેંચ ગણિતજ્ઞ કૉરિયોલિસે આ પ્રકારના બળ વિશે સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું આથી એને કૉરિયોલિસ બળ નામ આપવામાં આવ્યું છે. આ બળ પવનનો વેગ, પૃથ્વીની ધરી-ભ્રમણની ગતિ અને જે તે સ્થળના અક્ષાંશના સીધા પ્રમાણમાં હોય છે. વિષુવવૃત્ત ઉપર એ બળ શૂન્ય હોય છે અને અક્ષાંશ વધવાની સાથે ધીરે ધીરે વધીને બંને ધ્રુવ પર મહત્તમ થાય છે. આ બળ હંમેશાં પવનની દિશાથી લંબ દિશા તરફ હોય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં કૉરિયોલિસ બળ પવનની દિશાની જમણી બાજુએ લંબ દિશામાં લાગે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુએ લાગે છે. ભારતમાં થતા ચક્રવાત (cyclone) દરમિયાન વાતા પવનની લાક્ષણિક દિશા કૉરિયોલિસ બળ દ્વારા સમજી શકાય છે.

પરંતપ પાઠક

કૃષ્ણમૂર્તિ  કુલકર્ણી