કૉરલ સમુદ્ર : ઑસ્ટ્રેલિયાના ઈશાન ખૂણે ક્વિન્સલૅન્ડના કિનારા નજીકનો 10o-20o દ.અ. અને 145o-165o પૂ. રે. વચ્ચે આવેલો પ્રશાંત મહાસાગરનો ભાગ. તે સૉલોમન સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેનો કુલ (ઍટૉલ) વિસ્તાર 47,91,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે ન્યૂગિની અને સૉલોમન ટાપુઓ, પૂર્વ સરહદે સાન્તાક્રૂઝ ટાપુઓ અને વાન્વાટુ, દક્ષિણ સરહદે ન્યૂ કૅલિડોનિયા અને ચેસ્ટરફીલ્ડ ટાપુઓ અને પશ્ચિમે ક્વિન્સલૅન્ડનો કાંઠો છે. ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડના કિનારાને સમાંતર પરવાળાંના બાધક ખડકો (coral reef) 2000 કિમી. સુધી છે. અહીં પરવાળાંના ટાપુઓ અને કંકણાકાર પ્રવાલદ્વીપ આવેલા છે. ઑસ્ટ્રેલિયાની નજીકનો આ સમુદ્ર છીછરો છે, પણ મધ્યભાગનો મોટો વિસ્તાર 3000 મી.થી વધુ ઊંડો છે. સહુથી વધુ ઊંડાઈ ન્યૂ હેબ્રાઈડ નજીક 9175 મીટર જેટલી છે. ગ્રેટ બૅરિયર રીફ (Great Barrier Reef) નજીકનાં છીછરાં પાણીને કારણે વિજ્ઞાનીઓને પરવાળાં અને મત્સ્યજીવનનો અભ્યાસ કરવાની સુગમતા રહે છે. પરવાળાંના બાધક ખડકો હોવાથી આ પરવાળાંનો પૂરેપૂરો અભ્યાસ હજી સુધી થઈ શક્યો નથી. ગ્રેટ બૅરિયર રીફ વહાણવટા અને વેપાર માટે અવરોધરૂપ છે. અહીં માણસને મારી નાખે તેવી શાર્ક માછલીઓ વસે છે.
1942ના મે માસની 4થી 9 તારીખો દરમિયાન જાપાન અને અમેરિકા વગેરેના મિત્રદેશોનો કાફલો હવાઈ યુદ્ધમાં સંડોવાયો હતો અને નિર્ણયાત્મક પરિણામ આવ્યું ન હોવા છતાં જાપાનની ઑસ્ટ્રેલિયા તરફની આગેકૂચ અટકી ગઈ હતી. જાપાની નૌકા કાફલો હવાઈ હુમલાને કારણે તારાજ થતાં મિત્રદેશોનો સૉલોમન ટાપુઓ ઉપર ચડાઈ કરવાનો માર્ગ ખુલ્લો થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં વળતાં પાણીની શરૂઆત અહીંથી થઈ હતી.
શિવપ્રસાદ રાજગોર