કૉમ્પ્રેસર : વાયુના કદનો યાંત્રિક રીતે ઘટાડો કરી તેનું દબાણ વધારનાર સાધન. હવા તેમાં સામાન્યત: વપરાતો વાયુ છે. પણ કુદરતી વાયુ (natural-gas), ઑક્સિજન, નાઇટ્રોજન અને ઔદ્યોગિક વપરાશમાં આવતા અન્ય અગત્યના વાયુઓને પણ કૉમ્પ્રેસ કરવામાં આવે છે. ધનવિસ્થાપન (positive displacement) , કેન્દ્રત્યાગી (centrifugal) અને અક્ષીય (axial) એ ત્રણ સામાન્ય રીતે વપરાતાં કૉમ્પ્રેસર છે. ધનવિસ્થાપન કૉમ્પ્રેસર સામાન્યત: પશ્ચાગ્ર (reciprocating) પિસ્ટન પ્રકારનાં હોય છે. આ કૉમ્પ્રેસરમાં ચૂષણ (suction) ફટકા (stroke) દરમિયાન વાયુ કૉમ્પ્રેસરમાં લેવામાં આવે છે. આ વાયુનું કદ, પિસ્ટનને વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી, ઘટાડવામાં આવે છે અને તેથી વાયુ દબાય છે. આ વધારે દબાણવાળો વાયુ નિકાસ વાલ્વ (discharge valve) વડે તેના ઉપયોગની જગ્યાએ લઈ જવાય છે. પશ્ચાગ્ર પ્રકારનાં કૉમ્પ્રેસર જ એવાં કૉમ્પ્રેસર છે જે ઘણું ઊંચું દબાણ વાયુને આપી શકે છે. કેન્દ્રત્યાગી કૉમ્પ્રેસર વધુ ગતિથી ફરતા ઇમ્પેલરની મદદથી વાયુની ગતિજ (kinetic) શક્તિ વધારે છે અને ત્યારબાદ ડિફ્યૂઝરમાં તે ગતિશક્તિનું રૂપાંતર થવાથી, વાયુનું દબાણ વધે છે. મધ્યદબાણ ઉત્પન્ન કરવા અને વધારે કદના વાયુઓને દબાવવા માટે કેન્દ્રત્યાગી કૉમ્પ્રેસર વપરાય છે. અક્ષીય કૉમ્પ્રેસરમાં વાયુ, રોટરની ધરીને સમાંતર વહે છે. આ કૉમ્પ્રેસરમાં બ્લેડની ઘણી હારો (rows) આવેલી હોય છે. રોટરની આજુબાજુ સ્થિર કેસિંગ આવેલું હોય છે. આમાં પણ રોટર જેટલી જ બ્લેડો હોય છે. આ પ્રકારનાં કૉમ્પ્રેસર વિમાનના એન્જિનમાં અને ગૅસ ટર્બાઇનમાં વપરાય છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ