કૉમેન્સાલિઝમ (સહભોજિતા) : સજીવો વચ્ચેનો લાભદાયી સહજીવનનો સંબંધ. બે કે તેથી વધારે સજીવની જાતિઓ વચ્ચેનો એકબીજા સાથેનો પોષણ, આશ્રય, આધાર, પ્રચલન કે સ્થળાંતરણ માટેનો એવો સંબંધ કે જેથી એમાં સંકળાયેલ જાતિઓ પૈકી એકને લાભ થાય, પણ બીજાને નુકસાન પહોંચે નહિ તેવું સહજીવન : કોમેન્સલ પ્રકારના સહજીવનમાં માત્ર એક સજીવને લાભ મળે છે. દા.ત., રિમોરા માછલી. તે શાર્ક માછલી સાથે ચોંટીને ખોરાકનું શોષણ કરે છે. પ્રાણીઓનાં પાચનતંત્રમાં રહેલા સૂક્ષ્મ જીવોનો પણ કોમેન્સલ પ્રકાર છે.
સમુદ્રફૂલ અને હર્મિટ કરચલામાં કોમેન્સાલિઝમ પ્રકારનું સહજીવન જોવા મળે છે. હર્મિટ કરચલો શંખ જેવા પ્રાણીના કવચમાં વસે છે, જ્યારે કવચની બહારની બાજુએ સમુદ્રફૂલ સ્થાપિત થાય છે. આમ, સમુદ્રફૂલ આધાર પ્રાપ્ત કરી સમુદ્રમાં સ્થળાંતરણ કરી પોષણ મેળવે છે. સમુદ્રફૂલ તેના ડંખકોશો(nematocysts)ની મદદથી દુશ્મન પ્રાણીઓ સામે કરચલાને રક્ષણ આપે છે.
ગાય, ભેંસ જેવાં પ્રાણીઓ અને કાગડો તથા કાબર જેવાં પક્ષીઓ વચ્ચે પણ સહભોજિતા જોવા મળે છે. ગાય, ભેંસ જેવાં પ્રાણીઓનાં શરીર પરનાં ઇતરડી અને જૂવા જેવાં બાહ્ય પરોપજીવીઓનો કાબર અને કાગડા જેવાં પક્ષીઓ આહાર તરીકે ઉપયોગ કરે છે.
ઑર્કિડ જંગલોમાં વૃક્ષની શાખા પર થતી પરરોહી વનસ્પતિ છે. આરોહણને લીધે ઑર્કિડ વધારે પ્રકાશ મેળવી શકે છે, જ્યારે ઑર્કિડથી યજમાન વૃક્ષને કોઈ નુકસાન થતું નથી. આ પ્રકારના સહજીવનમાં બંને સહજીવીઓ એકબીજાના ગાઢ સંપર્કમાં હોતા નથી.
બળદેવભાઈ પટેલ