કૉમેદી ફ્રાન્સેઝ : યુરોપની નાટ્યમંડળીઓમાં સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ફ્રાન્સની નાટ્યમંડળી. 1673માં અવસાન પામનાર મોલિયેરની નાટ્યમંડળી તથા હૉતલ દ બર્ગોનની નાટ્યમંડળીનું એકત્રીકરણ કરવા રાજ્ય તરફથી જાહેરનામું બહાર પાડીને 1680માં આ મંડળી રચવામાં આવી હતી. શરૂઆતનાં સો વર્ષ દરમિયાન આ મંડળી 1688-89માં બંધાયેલ અને 1500 જેટલી બેઠકસંખ્યા ધરાવતા વિશાળ અર્ધગોળાકાર નાટ્યગૃહ(amphitheatre)માં પ્રયોગો ભજવતી રહી. રાજ્યક્રાન્તિ થઈ ત્યાં સુધી, લગભગ દરેક નવું નાટક આ નાટકમંડળી મારફત જ ભજવાય એવો તેનો એકાધિકાર (monopoly) હતો. આથી જ આ મંડળીના નાટ્યભજવણીના સંગ્રહ (repertoire)નો ઇતિહાસ વર્ષો સુધી ફ્રાન્સના નાટ્યલેખનનો ઇતિહાસ પણ લેખાતો રહ્યો. આ નાટ્યમંડળીનું માળખું સામૂહિક પ્રકારનું હતું અને પૂર્ણકાલિક સભ્ય તેમાં શૅર ધરાવતા હતા. નાટ્યપ્રયોગની ભજવણી અંગે સમૂહમાં નિર્ણય લેવાતો. પ્રારંભમાં મૂળ મોલિયેરની મંડળીના પ્રમુખ અભિનેતા લ ગ્રેન્જ વહીવટ સંભાળતા હતા. નાટ્યમંડળી માટે ખાસ ભજવવા માટે જ કૉમેડી નાટકો લખવાની મોલિયેરની પરંપરા કંપનીએ ચાલુ રાખી હતી.

ફ્રાન્સની પ્રજાની નાટ્યરુચિ ઘડવામાં અગ્ર હિસ્સો નોંધાવનાર આ નાટ્યમંડળીએ અનેક લીલીસૂકી જોઈ છે. વહીવટકર્તાને રાજ્યકર્તાઓ સાથે નિકટના સંબંધો બંધાયા હોવાથી ધાર્મિક ઉત્સવના દિવસોએ તથા સત્તાવાર શોકના દિવસોએ નાટ્યમંડળીએ નાટ્યપ્રયોગો બંધ રાખવા પડતા અને નુકસાન વેઠવું પડતું. લુઈ ચૌદમાના રાજ્યારોહણ પછી આ પરિસ્થિતિમાં સુધારો થયો. નાટ્યમંડળીએ પણ ટ્રૅજેડી તથા કૉમેડી માટે જુદા જુદા અભિનેતાઓ રાખીને વિશેષ સક્રિયતા દાખવી. રાજ્યક્રાન્તિ દરમિયાન તેનું નામ બદલીને ‘થિયેટર દ લા નૅશન’ (1789) રાખવામાં આવ્યું હતું. 1790માં ‘ચાર્લ્સ નાઈન્થ’ નામક ઐતિહાસિક-રાજકીય ટ્રૅજેડીની ભજવણી બાબત નાટ્યમંડળીમાં ગંભીર મતભેદ સર્જાતાં કેટલાક બળવાખોર અભિનેતાઓએ છૂટા પડીને ‘થિયેટર દ લા રિપબ્લિક’ નામની નવી નાટ્યમંડળી ઊભી કરી. એ પછી વળી વિશેષ કપરા દિવસો જોવાનો વારો આવ્યો. 1791માં રંગભૂમિના સ્વાતંત્ર્યને લગતા કાયદા વડે આ નાટ્યમંડળીનો આ પૂર્વેનો એકાધિકાર રદ કરવામાં આવ્યો. 1793માં ‘ધ ફ્રેન્ડ ઑવ્ ધ લૉ’ તથા ‘પમેલા’ જેવાં ઉદારમતવાદી નાટક ભજવવા બદલ નાટ્યમંડળીના કેટલાક સભ્યોની ધરપકડ કરવામાં આવી અને અમુકનો શિરચ્છેદ પણ કરાયો. પાછળથી એ જ ‘પમેલા’ના નાટ્યલેખક ફ્રાન્સના ગૃહ ખાતાના મંત્રી બન્યા અને તેમણે 1798માં છૂટી પડેલી બંને મંડળીઓને રાજ્ય સરકાર સંભાળી લે અને રાજ્યક્રાન્તિ દરમિયાન થયેલું ભારે દેવું સરકાર ભરપાઈ કરી દે એવું આયોજન ગોઠવ્યું. 1800માં કૉમેદી ફ્રાન્સેઝનું મકાન રાજ્યની મિલકત બન્યું અને 1802થી તેને 1,00,000 ફ્રાન્કની સબસિડી મળતી થઈ. 1803માં આ નાટ્યમંડળીનો સભ્ય સરકારની પરવાનગી વગર બીજી કોઈ પણ મંડળીમાં ભાગ ન લઈ શકે એવો પ્રતિબંધ મુકાયો. નેપોલિયનને રંગભૂમિપ્રવૃત્તિમાં ખૂબ જ રસ હતો. કૉમેદી ફ્રાન્સેઝમાં બેસીને નાટક જોવું એને તે રાષ્ટ્રીય પ્રતિષ્ઠા માનતા. તેમણે પોતે પણ આ રીતે 270 નાટ્યપ્રયોગો નિરાંતે નિહાળેલા. 1812ના મૉસ્કોના હુકમનામાથી અભિનેતાઓના વહીવટી પ્રભુત્વ પર કાપ મુકાયો અને રાજ્યના વહીવટકર્તાનું નિયંત્રણ લદાયું. 1816 પછી 1766 મુજબનું મૂળ માળખું રચવાનો પ્રયાસ થયો પણ તેથી રંગભૂમિને તો વેઠવાનું જ આવ્યું. ‘તારતફ’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો; પરિણામે મધ્યયુગની કંટાળાજનક ટ્રૅજેડી ભજવવા તરફ વળવું પડ્યું. 1825માં રાજ્ય તરફથી વહીવટકર્તા તરીકે બૅરન ટેલર જેવા સમભાવી સર્જક-નાટ્યલેખકની નિયુક્તિ થવાથી કૉમેદી ફ્રાન્સેઝમાં રોમૅન્ટિક ઝુંબેશનો નવો પ્રાણસંચાર થયો. તેમના નેતૃત્વ હેઠળ મંડળીની નાટ્યપ્રવૃત્તિ અને વહીવટ સુર્દઢ થયાં. પરંતુ મૂળે પ્રવાસપ્રિય પ્રકૃતિના આ સર્જક લાંબા પ્રવાસે જવાથી નાટ્યમંડળીમાં આંતરિક અંધાધૂંધી અને વિખવાદ વધ્યાં. 1833માં મંડળીએ સ્વ-વહીવટનો પોતાનો અધિકાર જતો કર્યો અને એક ડિરેક્ટરની નિયુક્તિ કરવામાં આવી, જસ્લિન નામના આ દિગ્દર્શકે મંડળીને ઉગારવામાં ર્દષ્ટિપૂર્વક જહેમત આદરી પણ 1837માં ગેરકાયદે ટિકિટ છાપવાના ષડ્યંત્રના મામલામાં તેમણે રાજીનામું આપવું પડ્યું. છેવટે 1849માં સરકારી ખાતાના વડા અધિકારીને વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1850માં લૂઈ નેપોલિયને હુકમનામું બહાર પાડીને એ વહીવટદારનાં હક અને ફરજ નક્કી કર્યાં. આ રીતે નિયુક્ત થયેલા દુ સે સ્વયં સાહિત્યક્ષેત્રના અગ્રણી હતા અને તેમણે નવી નાટ્યરચનાઓની રજૂઆતને મહત્વ આપ્યું. ત્યારબાદ એમ્પિસના કાર્યકાળ દરમિયાન પરંપરાગત નાટ્યપ્રયોગોની ભજવણીનું વલણ વધ્યું. સામ્રાજ્યના પતન પછી નાટ્યમંડળી ખાસ્સી આર્થિક મુશ્કેલીમાં આવી પડી. ઑપેરાના ભૂતપૂર્વ નિયામક તરીકે કામગીરી બજાવી ચૂકેલા એમિલ પેરિનના આગમન પછી આ નાટ્યમંડળીએ આર્થિક સધ્ધરતા હાંસલ કરી પણ 1900ની વિનાશક આગના પરિણામે રંગભૂમિ તથા સન્નિવેશની તમામ સામગ્રી પૂરેપૂરી નાશ પામી અને એક અદાકારનું મૃત્યુ થયું. એકાદ વર્ષ પછી નાટ્યમંડળીએ નવેસર તૈયાર કરાયેલી આ રંગભૂમિ પર પ્રવૃત્તિનો પુન:પ્રારંભ કર્યો અને ત્યારની પ્રચલિત પ્રથા અનુસાર હળવાશભરી કૉમેડી ભજવવાની નીતિ અપનાવી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રણમોરચે જઈને જવાનોના મનોરંજન માટે પણ નાટકો ભજવ્યાં. યુદ્ધ પછી કૉમેદી ફ્રાન્સેઝમાં નાટ્યનિર્માણનાં ધોરણો ઊંચાં લાવવાના પ્રયત્નો થયા છતાં તેની પ્રગતિ મંદ પડી. જર્મનોના ફ્રાન્સ પરના કબજા દરમિયાન આ નાટ્યમંડળીની પ્રતિષ્ઠા વધી; એમાં બૅરોલ્ટના ‘સાટિન સ્લિપર’ (1943) જેવા નિર્માણનો મુખ્ય ફાળો હતો. પણ 1946માં બૅરોલ્ટ તથા રૅનોદ નાટ્યમંડળીમાંથી જુદા થયા અને સ્વતંત્ર મંડળી સ્થાપી. ત્યારથી કૉમેદી ફ્રાન્સેઝ ફ્રાન્સની રંગભૂમિ પર મુખ્યત્વે સત્તરમી સદીની ભજવણીશૈલીની સંરક્ષક સંસ્થા બની રહી છે. અલબત્ત, અભિનય તથા નાટ્યનિર્માણની તેની શૈલીમાં પરિવર્તન અવશ્ય થતું રહ્યું છે; પરંતુ આવું પરિવર્તન સમયની સાથોસાથ નહિ પણ તેનો સમય વીતી ગયા પછી થયું છે. અત્યારે તેમાં પૂરા સમયના 40 અદાકાર-સભ્યો છે; 30 પગારદાર અદાકારો છે અને તે લોકો શૅરહોલ્ડર નથી. ટૅકનિકલ તથા વહીવટી કર્મચારીઓની સંખ્યા 350 થાય છે, પરિણામે ફ્રાન્સની અન્ય કોઈ પણ નાટ્યમંડળી કરતાં આ નાટ્યમંડળીને ખાસ્સી મોટી રકમની સબસિડી મળે છે. ઘણી વાર તેનું પુન: બાંધકામ થયું હોવા છતાં વિક્ટર લૂઈએ ઘોડાની નાળના આકારનો જે મૂળભૂત ઢાંચો ગોઠવ્યો હતો તેમાં કશો ફેરફાર થયો નથી. મૂળ લગભગ 2,000 પ્રેક્ષક સમાવી શકાય એવું આયોજન હતું જ્યારે અત્યારે તેમાં વધુમાં વધુ 892 બેઠકસંખ્યાની જોગવાઈ થઈ શકે છે. સ્ટેજ પર પણ અત્યાધુનિક યંત્રસામગ્રી અને સાધનો ગોઠવતી વખતે અસલ ડિઝાઇનમાં લેશ પણ ફેરફાર કરાયો નથી. 1968 પછી વિવિધ સુધારા દાખલ કરવામાં આવ્યા; એમાં મુખ્ય સુધારો સાંપ્રત સમસ્યાને લગતાં સમકાલીન નાટકો ભજવવાને લગતો હતો. 1981માં ઝ્યાં પિયરે વિન્સેન્ટની દિગ્દર્શક તરીકે નિયુક્તિ કરવામાં આવી. વિકેન્દ્રીકરણના વાતાવરણમાં આ જગ્યા પર બહારથી નિયુક્તિ પામનાર તે પ્રથમ વ્યક્તિ હતા. પણ પોતે ઇચ્છેલા સુધારા તે દાખલ કરી શક્યા નહિ અને કૉમેદી ફ્રાન્સેઝને રાષ્ટ્રીય રંગભૂમિ(national theatre)નો ઘાટ આપવાની તેમની મુરાદ અધૂરી રહેવાથી તે ત્રણ વર્ષ પછી નાટ્યમંડળીમાંથી છૂટા થયા.

મહેશ ચોકસી