કૉફેપોસા (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act – COFEPOSA) : હૂંડિયામણનું રક્ષણ કરવા, દાણચોરીની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો (1974).
આ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ અંગેના નિયમોના ભંગથી તથા દાણચોરીની પ્રવૃત્તિઓથી દેશના અર્થતંત્ર પર હાનિકારક અસર થાય છે. આ કાયદાના ભંગથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમોને અટકાયતમાં લેવાની કેન્દ્ર તથા રાજ્ય સરકારોને સત્તા આપવામાં આવી છે. રાજ્ય સરકાર કે તેના ખાસ નિર્દેશિત અધિકારીઓ આ કાયદાના અન્વયે અટકાયતના હુકમ કરે તેના દસ દિવસમાં તે અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવાનો હોય છે. ભારતના બંધારણની કલમ 22 અનુચ્છેદ 5ની જોગવાઈનું સાતત્ય જળવાય તે માટે અટકાયતમાં લેવાયેલા ઇસમને બનતી ત્વરાએ, સામાન્ય રીતે પાંચ દિવસમાં અને ખાસ લેખિત જણાવવામાં આવેલાં કારણોસર વધુમાં વધુ પંદર દિવસમાં તેની અટકાયતનાં કારણોની લેખિત જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અટકાયતના હુકમમાં દર્શાવવામાં આવેલાં કારણોમાંથી કોઈ એક અથવા વધુ કારણો અસ્પષ્ટ, અપ્રસ્તુત હોય કે અસંબદ્ધ હોય તોપણ તે હુકમ માત્ર આવાં કારણોસર ગેરકાયદેસર ગણાશે નહિ તેવી સ્પષ્ટતા કાયદામાં કરવામાં આવી છે. ઉપરાંત, અટકાયતમાં લેવામાં આવેલો ઇસમ અટકાયતનો હુકમ કરનાર સરકાર કે અધિકારીના પ્રાદેશિક કાર્યક્ષેત્રની બહાર છે અને/અથવા અટકાયતમાં લેવાયેલ ઇસમને જે સ્થળે અટકાયતમાં રાખવામાં આવેલો હોય તે સ્થળ સંબંધિત સરકાર કે અધિકારીની પ્રાદેશિક મર્યાદાની બહાર હોય તે કારણસર પણ અટકાયતનો હુકમ ગેરકાયદેસર ગણાશે નહિ તેવી જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. અટકાયતનો હુકમ જે ઇસમને લાગુ પડતો હોય તે ઇસમ નાસતો ફરતો હોય અથવા વેશપલટો કરી અથવા અન્ય રીતે ગુપ્ત સ્થળે રહેતો હોય તો તેવા કિસ્સામાં ભારતીય દંડ ધારાની કલમ 83, 84, અને 85 મુજબ કાર્યવાહી કરી શકાય છે. સરકારી ગેઝેટમાં સંબંધિત હુકમની નોટિસ આપીને સંબંધિત ઇસમને હુકમ કરનાર અધિકારી સમક્ષ નિયત સ્થળે અને સમયે હાજર થવાનો હુકમ કરી શકાય છે. આવા હુકમનો અનાદર કરનાર ઇસમને વધુમાં વધુ એક વર્ષ સુધીની સજા અને/અથવા દંડ કરી શકાય છે. આવો ગુનો પોલીસના અધિકારનો ગુનો (cognizable) ગણાય છે. આ કાયદા હેઠળ અટકાયતની મહત્તમ સમયમર્યાદા નિર્દેશિત કિસ્સાઓમાં એક વર્ષ અને બાકીના કિસ્સાઓમાં બે વર્ષની હોય છે. તે સમયમર્યાદા ઘટાડવાનો હુકમ કરવાની સત્તા સંબંધિત સરકારોને અથવા જે તે અધિકારીઓને આપવામાં આવી છે. અટકાયતનો હુકમ રદ કરવા માટેની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા ઇસમને સંતોષકારક કારણોસર અલ્પ સમય માટે બિનશરતી અથવા નક્કી શરતોને અધીન મુક્ત કરી શકાય છે. દેશમાં કટોકટી જાહેર થાય તો તેવા કિસ્સામાં આ કાયદાના અમલ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 22ની કલમ 4(a) અને 7(c)ની જોગવાઈઓનું સાતત્ય જાળવી રાખવા માટે આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર તથા દરેક રાજ્ય સરકારને સલાહકાર મંડળો રચવાની જરૂરી સત્તા આપવામાં આવી છે. આવાં સલાહકાર મંડળોએ અટકાયત માટેનાં કારણોની તપાસ કરીને અટકાયતના દિવસથી 11 અઠવાડિયાંમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો હોય છે.
આ કાયદાના અમલ દરમિયાન માલૂમ પડેલી કાયદાકીય તથા વહીવટી મુશ્કેલીઓના નિવારણ માટે 1975માં તેમાં સુધારો કરતો કાયદો પસાર કરવામાં આવ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે