કૉબર્ન ઍલ્વિન લૅન્ગડૉન

January, 2008

કૉબર્ન, ઍલ્વિન લૅન્ગડૉન  (જ. 11 જૂન 1882, બોસ્ટન, અમેરિકા;  અ. 23 નવેમ્બર 1966, રોસ-ઓન-સી (Rhos-on-Sea), વેઇલ્સ, બ્રિટન) : બ્રિટિશ ફોટોગ્રાફર. આઠ વરસની ઉંમરે કૅમેરા ભેટ મળતાં કૉબર્ને ફોટોગ્રાફીના પ્રયત્નો શરૂ કરેલા. 1899માં સત્તર વરસની ઉંમરે ફોટોગ્રાફર એડ્વર્ડ સ્ટાઇખન (steichen) સાથે તેમની મુલાકાત થઈ, જેને પ્રતાપે તેમણે ફોટોગ્રાફીને ગંભીરતાથી લીધી. એ જ વર્ષે ‘ન્યૂ સ્કૂલ ઑવ્ અમેરિકન પિક્ટોરિયલ ફોટોગ્રાફી’ના વાર્ષિક પ્રદર્શનમાં એમના ફોટોગ્રાફ પ્રદર્શિત થતાં એમનો ઉત્સાહ વધ્યો.

ઍલ્વિન લૅન્ગડૉન કૉબર્ન

1902માં ન્યૂયૉર્ક નગરમાં ફોટોગ્રાફર ગટર્રુડ કાસેબિયર (Gertrude Kasebier) સાથે કૉબર્ને ફોટોગ્રાફીનો સ્ટુડિયો શરૂ કર્યો. આ દરમિયાન તેઓ જાપાની ચિત્રકલાના એક ઉત્તમ ચિત્રકાર સેશુનાં એકરંગી (monochrome) શાહીથી આલેખેલાં ચિત્રોથી પ્રભાવિત થયા, જેને પરિણામે તેમની ફોટોગ્રાફીમાં ઓછામાં ઓછી રેખા-છાયા વડે અભિવ્યક્તિ કરવાની હથોટી આવી.

ઇંગ્લૅંડની જાણીતી જાહેર વ્યક્તિઓને ફોટોગ્રાફી વડે આલેખિત કરવાનું કામ મળતાં કૉબર્ન 1904માં લંડન ગયા. એ ફોટોગ્રાફીમાંથી જ્યૉર્જ મેરેડિથ, ઑગુસ્તે રોદાં અને હેન્રી જેઇમ્સના ફોટોગ્રાફ ઉત્તમ ગણાયા છે. જૉર્જ બર્નાડ શૉનો તેમણે 1906માં એક સંપૂર્ણ નગ્ન ફોટોગ્રાફ પણ ઝીલ્યો. એ ફોટોગ્રાફમાં શૉ રોદાંના પ્રખ્યાત શિલ્પ ‘ધ થિન્કર’ની અદામાં બેઠેલા દેખાય છે. કૉબર્ને પાડેલા આ પ્રકારના ફોટોગ્રાફ બે પુસ્તકરૂપે ગ્રંથસ્થ પણ થયા છે ‘મેન ઑવ્ માર્ક’ (1913) અને ‘મૉર મેન ઑવ્ માર્ક’ (1922).

1913માં ન્યૂયૉર્ક જઈ કૉબર્ને ‘ન્યૂયૉર્ક ફ્રૉમ ઇટ્સ પિનેકલ્સ’ શીર્ષક હેઠળ એક વૈયક્તિક પ્રદર્શનમાં ન્યૂયૉર્ક નગરનાં ગગનચુંબી મકાનોની અગાસીઓએથી અને હેલિકૉપ્ટરોમાંથી ખેંચેલા ન્યૂયૉર્ક નગરના ફોટોગ્રાફ રજૂ કર્યા.

આવા અરૂઢ પરિપ્રેક્ષ્યથી ઝડપેલાં ન્યૂયૉર્કનાં ર્દશ્યો જોઈ ન્યૂયૉર્કના નગરજનો રોમાંચિત થઈ ઊઠ્યા. આ પ્રદર્શનમાં પ્રદર્શિત ફોટોગ્રાફ ‘ધ ઑક્ટોપસ, ન્યૂયૉર્ક’ ખૂબ લોકપ્રિય થયો.

1917થી કૉબર્ને અમૂર્ત ફોટોગ્રાફી કરવી શરૂ કરી, જેને તેમણે ‘નૉન ઓબ્જેક્ટિવ વોર્ટોગ્રાફ્સ’ તરીકે ઓળખાવી. 1926થી 1946 સુધી તેમણે ફોટોગ્રાફી કરી નહિ. એ પછી તેમણે ફરીથી કામ શરૂ કર્યું; જેમાંથી બે ફોટોગ્રાફ ‘ટ્રી ઇન્ટિરિયર’ અને ‘રિફ્લેક્શન્સ’ ઉત્તમ ગણાયા.

અમિતાભ મડિયા