કૉફી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. વ્યાપારિક કૉફીના સ્રોત તરીકે 4 કે 5 જાતિઓ મહત્વની છે. Coffea arabica Linn (અરેબિયન કૉફી) સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતી જાતિ છે. C. Liberica Bull ex Hiern (લાઇબેરિયન કૉફી), C. or busta Linden (કૉંગો કૉફી) અને C. stenophylla G. Don (સાયેરા  લિયૉન કૉફી) મર્યાદિત પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. પંદરમા સૈકામાં અરબસ્તાનમાં કૉફીનું વાવેતર થયાનું જણાયેલ હોઈ તેને કેટલાક મૂળ વતન માને છે. કૉફી ઉગાડનારા મુખ્ય દેશો બ્રાઝિલ, ગ્વાટેમાલા, જમૈકા, જાવા, સુમાત્રા, ઈથિયોપિયા, કેન્યા, ભારત અને અરબસ્તાન છે. ભારતમાં સોળમા સૈકામાં કૉફી દાખલ થઈ હોવાનું મનાય છે. બ્રાઝિલ 60 % અને બાકીના દેશો 40 % તેનું ઉત્પાદન કરે છે.

આકૃતિ : (અ) કૉફીના વૃક્ષની શાખાઓ, (આ) કૉફીના દાણા

અરેબિયન કૉફી સદાહરિત ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 4.5 મી.થી 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. ભારતમાં થતા તેના વાવેતરમાં તેની છટણી કરીને 1.2 મી. થી 1.5 મી.ની ઊંચાઈ રાખવામાં આવે છે. તેના મુખ્ય પ્રકાંડ પર પાર્શ્વીય શાખાઓ એકબીજાથી સંમુખ કે ચક્રિલ (whorl) સ્વરૂપે ઉત્પન્ન થતી હોય છે. પર્ણો સાદાં, સંમુખ, પાતળાં, ચર્મિલ, ચકચકિત લીલા રંગનાં અને ઉપવર્ણીય (stipulate) હોય છે. પુષ્પો સફેદ અને સુગંધિત હોય છે અને પર્ણોની કક્ષમાંથી ગુચ્છમાં ઉદભવે છે. ફળો નાનાં, માંસલ અને અનષ્ઠિલ (berry) પ્રકારનાં હોય છે. તેઓ કાચાં હોય ત્યારે લીલાં, ત્યારપછી પીળાં અને પાકે ત્યારે સિંદૂરી લાલ રંગનાં બને છે. ફળનો માંસલ ગર બે અંડાકાર લીલાશ પડતાં ભૂખરાં બીજને આવરે છે. પ્રત્યેક બીજ કે દાણો પાતળા રૂપેરી પટલ વડે ઘેરાયેલ હોય છે અને બંને દાણા સામાન્ય છોતરા જેવા પટલ વડે આવરિત હોય છે. આ કૉફીની ગુણવત્તા શ્રેષ્ઠ હોવા છતાં તે કરમાવો (blight) અને અન્ય રોગો માટે સંવેદી જાતિ છે. તેથી તેને સ્થાને અવરોધક જાતિઓ કે સંકરોનું વિસ્થાપન કરવાના પ્રયાસો થયા છે.

અરેબિયન કૉફીની ઘણી જાતો શોધાઈ છે. અગત્યની ભારતીય જાતો આ પ્રમાણે છે :

(1) ચિક : ભારતની સૌથી પહેલી કૉફીની જાત છે. તે મૈસૂરમાં ચિકમગલુરમાંથી ઉત્પન્ન કરાઈ હોવાથી તેને ‘ચિક’ કહે છે. તે મોટા ગોળ દાણા ઉત્પન્ન કરે છે. તે મદ્યાર્ક બનાવવા માટે ઉપયોગી છે. તે વેધક સંવેદી (borer susceptible) છે.

(2) કૂર્ગ : ચિકમાંથી પસંદગી કરાયેલી જાત છે. તે વેધકરોધી (borer resistent) હોય છે. દાણા લીલા કે ભૂરા અને ચિક કરતાં વધારે લાંબા અને ચપટા હોય છે.

(3) કેન્ટ : હાલમાં ભારતમાં ઉગાડાતી સૌથી જાણીતી જાતિ છે. તે કૂર્ગમાં પસંદગી પામેલી જાત છે. તે પાનના કરમાવાના રોગની વધારે રોધક જાત છે. તેનાં બીજ ગોળ અને વધારે મોટાં તથા ભૂખરા રંગનાં હોય છે. તેની વૃદ્ધિ ઝડપી થાય છે અને બીજનું સારું ઉત્પાદન આપે છે.

મૅરેગોજાઇપ, બૉર્બોન, ઍમેરિલો (ગોલ્ડન ડ્રોપ), બ્લૂ માઉન્ટેઇન વગેરે ઓછા પ્રમાણમાં વવાતી જાતો છે. મેરેગોજાઇપ અને ઍમેરિલો બ્રાઝિલની કૉફી છે. મેરેગોજાઇપ મજબૂત સ્વરૂપ અને વધારે મોટા દાણા ધરાવે છે; પરંતુ ઉત્પાદન ઓછું હોય છે. ઍમેરિલો મોટાં નારંગી-લાલ ફળો ધરાવે છે. બ્લૂ માઉન્ટેઇન જમૈકામાંથી મળેલી જાત છે. તેના દાણા ભૂરા, ભારે અને ગુણોમાં અન્ય કરતાં ચડિયાતા હોય છે. તેની કિંમત ઊંચી હોય છે. આ ઉપરાંત આંતરજાતીય (interspecific) કે આંતર ઉપ-જાતીય (inter varietal) સંકરણથી મોટી સંખ્યામાં સંકર જાતો ઉત્પન્ન કરવામાં આવી છે.

આબોહવા : કૉફીને ઉષ્ણકટિબંધની સમધાત આબોહવા અને સારા નિતારવાળી ફળદ્રૂપ અને ભરભરી મૃદા (pH આંક 6.0 થી 6.5) વધારે માફક આવે છે. તેને 12o સે. થી 25o સે. સુધીનું તાપમાન અનુકૂળ હોય છે. તેને ઝાકળ માફક આવતી નથી. તે જ રીતે તેને બહુ તડકો પણ અનુકૂળ આવતો નથી; તેથી પર્વતના ઢોળાવ ઉપર કે જ્યાં સામાન્ય તડકો-છાંયો રહેતો હોય ત્યાં કૉફીનું વાવેતર કરવામાં આવે છે. પૂરતો છાંયો ન હોય તો વચ્ચે છાંયાવાળા વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. તેને ઓછામાં ઓછો 75 સેમી.થી 125 સેમી./ વાર્ષિક વરસાદ જરૂરી હોય છે છતાં લગભગ 190 સેમી.થી 325 સેમી. સુધીના એકસરખું વિતરણ પામેલા વાર્ષિક વરસાદમાં પણ તે થઈ શકે છે. વધારે લાંબા સમયની શુષ્કતા તેને માટે વિનાશકારી હોય છે. કૉફીનું વાવેતર મોટેભાગે બીજ વાવીને થાય છે.

વાવણી : ખાસ તૈયાર કરેલી બીજની ક્યારીઓમાં તેના રોપા ઉછેરવામાં આવે છે. ખેતરમાં વાવતાં પહેલાં તેઓનું ધરુવાડિયામાં રોપણ કરવામાં આવે છે. વાવેતરની સૌથી સારી જગાએ (જ્યાં થોડોક ઢોળાવ હોય અને પાણીના માર્ગ પાસે) બીજની ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે. બીજ લગભગ 7.5 સેમી.ના અંતરે મૃદામાં લગભગ 1.0 સેમી. ઊંડાઈએ ક્યારીમાં ઉગાડાય છે અને હળવેથી માટી વડે ઢાંકવામાં આવે છે; પછી તેના પર મૉસ કે ઘાસનું આવરણ બનાવી દરરોજ પાણી આપવામાં આવે છે. અંકુરણ ઊંચાઈ અને આબોહવાને આધારે
4-8 અઠવાડિયાંમાં થાય છે. પૂરતા પ્રમાણમાં અંકુરણ થાય ત્યારે મૉસ અને ઘાસનું આવરણ કાઢી લેવામાં આવે છે. તરુણ રોપાઓને છાંયો આપવામાં આવે છે.

રોપા જ્યારે 7.5 સેમી. જેટલા ઊંચા બને ત્યારે તેમને તૈયાર કરેલા ધરુવાડિયામાં રોપવામાં આવે છે. કેટલીક વાર રોપાઓને વાંસની ટોપલીઓ(22.5 સેમી. ઊંડી અને 7.5 સેમી. – 10 સેમી. વ્યાસવાળી)માં ઉછેરવામાં આવે છે. ટોપલીઓમાં રોપવાથી રોપાઓને મૃદાને ખલેલ પહોંચાડ્યા સિવાય દૂર લઈ શકાય છે.

સામાન્ય રીતે બીજ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ઉગાડવામાં આવે છે. ધરુવાડિયામાં 8-12 અઠવાડિયાં સુધીમાં તે રોપવામાં આવે છે અને અંતે 18 માસ પછી જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં ખેતરમાં વાવવામાં આવે છે. કૉફી 45 સેમી.60 – સેમી. ઊંડા, 30 સેમી. – 45 સેમી. વ્યાસવાળા ખાડાઓમાં હરોળમાં હલકી મૃદામાં 1.5 મી.ના અંતરે, મધ્યમ મૃદામાં 1.8 મી.ના અંતરે અને ફળદ્રૂપ મૃદામાં 2.10 મી. – 3.0 મી.ના અંતરે ઉગાડવામાં આવે છે.

છાંયો : દક્ષિણ ભારતમાં કૉફી સામાન્યત: છાંયા હેઠળ ઉગાડવામાં આવે છે. બીજા દેશોમાં છાંયો આપવામાં આવતો નથી. આ ઉદ્યોગનાં શરૂઆતનાં વર્ષોમાં કૉફી ખુલ્લામાં વાવવામાં આવતી  હતી અને તેનું ઉત્પાદન પણ વધારે મળતું હતું. છાંયામાં કૉફીને ઉગાડવાથી પ્રતિ હેક્ટર ઉત્પાદન ઓછું મળવા છતાં છોડને તાપમાનના મોટા ફેરફારો, અતિવૃષ્ટિ, પાનનો રોગ અને થડના વેધકના આક્રમણ સામે રક્ષણ મળે છે. વળી છાંયાને કારણે ઘાસ-પાત છાદન (mulching) થતાં ભેજનું સંરક્ષણ થાય છે; પથ્થરો કે ખડકથી થતું નુકસાન અટકે છે; અપતૃણની વૃદ્ધિ અને ભૂક્ષરણ અવરોધાય છે. કૉફીના છોડોને ફેલાયેલો પ્રકાશ મળે છે. છાંયા માટે શિંબી કુળનાં વૃક્ષની પસંદગી કરવામાં આવે છે, કેમ કે તેઓ મૃદામાં નાઇટ્રોજન ઉમેરે છે.

છાંયો બધે સરખો હોવો જરૂરી હોવા છતાં ગાઢ ન હોવો જોઈએ. નાનાં પર્ણોવાળાં, સદાહરિત, શિંબી, ઊંડાં મૂળ ધરાવતાં વાતરોધી મજબૂત કાષ્ઠવાળાં વૃક્ષોની પસંદગી કરવામાં આવે છે, જેમાં (1) Grevillea robusta (સિલ્વર ઓક), (2) Erythrina Lithosperma (દાદપ), (3) Artocarpus integera) (ફણસ), (4) Ficus Spp. (5) Terminalia belerica (બહેડો), (6) Albizzi Lebbek (શિરીષ) અને (7) A. stipulata(સિરન)નો સમાવેશ થાય છે.

છાયા-વૃક્ષો કૉફીની રોપણી સાથે કે તે પહેલાં વાવવામાં આવે છે. ખુલ્લામાં તેઓ એક વર્ષ પહેલાં હરોળમાં 3.6 મી. × 3.6 ના અંતરે ઉગાડાય છે; પરંતુ કૉફીના રોપા મોટા થતાં તેમનું વિરલન (thinning) કરી નાખી 10.8 મી. × 10.8 મી. કે 12.0 મી. × 12.0 મી.ના અંતરે રાખવામાં આવે છે.

આવરણપાક (cover-crops) : છાયા-વૃક્ષો ઉપરાંત (rotolaria Spp., Tephrosia candida (ધોળો સરપંખો) અને Indigofera spp. જેવા આવરણ-પાક કૉફીના રોપાઓની વચ્ચે હરોળમાં જમીનને આવરવા અને અપતૃણોની વૃદ્ધિ ઘટાડવા વાવવામાં આવે છે. તેઓ છાયાવૃક્ષો મોટાં થાય ત્યાં સુધી છાયા આપે છે. તેઓ લીલું ખાતર પણ આપે છે.

વાવ્યા પછી, ખાતર આપવું, શીર્ષોચ્છેદન (topping), છટણી (pruning), નીંદણ (weeding), ગોડ (hoeing), પ્રતિસ્થાપન (sub stitution) અને જલનિકાસ(drainage)ની ક્રિયાઓ પણ મહત્વની છે. જ્યાં મૂળ રોપાઓ રોગ કે જીવાતના કારણે નાશ પામ્યા હોય અથવા છોડની આર્થિક અગત્ય ન રહી હોય ત્યાં પ્રતિસ્થાપન કરવામાં આવે છે. રોપા ઝાડવું બની અપતૃણની વૃદ્ધિ અટકાવે નહિ ત્યાં સુધી નીંદણ ખાસ જરૂરી હોય છે. હાથ વડે નીંદણ શ્રેષ્ઠ ગણાય છે. ગોડને કારણે મૃદા વાયુમિશ્રિત બને છે. તેથી મૂળતંત્ર લાંબું અને ઊંડું બને છે. દર ત્રણથી ચાર વર્ષે ઓછામાં ઓછું એક વાર હળવી ગોડ કરવામાં આવે છે.

કૉફીની કૃષિમાં જલનિકાસ એક અગત્યની જરૂરિયાત છે અને જ્યાં કૉફીની વેદિકા (terraced) કૃષિ છે ત્યાં વધારાના પાણીનો નિકાલ કરવા નીકો કરવામાં આવે છે. ઘણા બગીચાઓમાં કૉફીની બે હરોળો વચ્ચે 30 સેમી. – 45 સેમી. ઊંડી અને 45 સેમી. પહોળી ખાઈઓ ખોદવામાં આવે છે; જે પાણી અને પાનના ખાતર વગેરેથી ક્રમશ: ભરાય છે. દર 4-5 વર્ષે જૂની ખાઈઓનું વિસ્થાપન નવી ખાઈઓ ખોદીને કરવામાં આવે છે. ખાઈઓ ભૂક્ષરણ અટકાવે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં મૃદાને સારી રીતે વાયુમિશ્રિત રાખે છે.

ખાતર : કૉફીના દાણાઓમાં નાઇટ્રોજન 2.3 %, P2O5 0.4 % અને K2O 2.0 % હોય છે. પ્રતિ હેક્ટરે 610 કિગ્રા. જેટલું ઉત્પાદન મેળવવા પાનના ખાતર ઉપરાંત 22 કિગ્રા. નાઇટ્રોજન, 33 કિગ્રા. ફૉસ્ફૉરિક ઍસિડ અને 44-66 કિગ્રા. પોટાશ આપવાં જરૂરી છે. વધારે ઉત્પાદન આપતા વિસ્તારોમાં મગફળીનો ખોળ 160 કિગ્રા., એમોનિયમ સલ્ફેટ 44 કિગ્રા., સુપર ફૉસ્ફેટ 84 કિગ્રા. અને પોટૅશિયમ સલ્ફેટ અને ક્લોરાઇડનું સરખું મિશ્રણ 132 કિગ્રા. આપવામાં આવે છે. જો મૃદા ઍસિડિક હોય તો દર પાંચ વર્ષે પ્રતિ હેક્ટરે 2.47 ટન ચૂનો આપવાની ભલામણ કરાઈ છે.

શીર્ષોચ્છેદન અને છટણી : ટોચ પર રહેલી અગ્રકલિકાને ચૂંટી કાઢી નાખવાની ક્રિયાને શીર્ષોચ્છેદન કહે છે. આ ક્રિયાથી વનસ્પતિની ઊંચાઈમાં થતી વૃદ્ધિ અટકે છે અને પાર્શ્વીય શાખાઓ વૃદ્ધિ માટે પ્રેરાય છે. તે અંત:ભૂસ્તારી(slacker)ના સર્જનને પ્રેરે છે, જે લંબ દિશામાં વૃદ્ધિ સાધે છે. તેમની વ્યવસ્થિત છટણી કરવાથી શાખાઓ લંબાઈ અને ઘેરાવામાં વૃદ્ધિ પામે છે. પુષ્પો અને ફળો અગાઉના વર્ષની શાખાઓ ઉપર મોટેભાગે ઉત્પન્ન થતાં હોવાથી દરેક છટણી આવી શાખાઓની વૃદ્ધિમાં મદદ કરે છે. આ શાખાઓ ઉપર મોટી સંખ્યામાં આંતરગાંઠો હોય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે.

શીર્ષોચ્છેદન કૉફીના છોડની પ્રથમ અવસ્થામાં, જ્યારે ઊંચાઈ 1.5 મી.ની પ્રાપ્ત થાય ત્યારે અથવા પહેલી વખતે છોડ 60 સેમી.થી 90 સેમી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે તે પછી અને ફરીથી તે 1.35 મી.થી 1.5 મી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે કરવામાં આવે છે.

ફળ બેસી ગયાં હોય તેવી કે રોગિષ્ઠ કે મૃત શાખાઓ કે ઉપરાછાપરી ગોઠવાયેલી આડી અને ત્રાંસી શાખાઓની કૉફીનો છોડ 8-10 વર્ષનો થાય ત્યારે નિયમિત છટણી કરવામાં આવે છે. કૉફીના છોડની ઊંચાઈ 45 સેમી.થી 100 સેમી.ની રહે તે રીતે છટણી કરવામાં આવે છે, જેથી વીણી સારી રીતે કરી શકાય.

રોગો અને જીવાત : અરેબિયન કૉફીને પાનનો કરમાવો કે ગેરુનો ગંભીર રોગ Hemileia vastratrix નામની ફૂગ દ્વારા થાય છે. તે પાન ઉપર પીળાં-નારંગી ટપકાં ઉત્પન્ન કરે છે; રોગગ્રસ્ત પાન ખરી પડે છે; ઝાડવાં નબળાં પડે છે અને વૃદ્ધિ અટકી જાય છે. બોર્ડોના મિશ્રણના છંટકાવ દ્વારા રોગનિયંત્રણ થાય છે. તેનો વર્ષમાં બે વાર – એક એપ્રિલમાં અને બીજો સપ્ટેમ્બર માસમાં છંટકાવ કરવામાં આવે છે. કૉફીની 5.288 જાત આ ફૂગની રોધી જાત છે.

કદવો સડો Corticum koleroga દ્વારા અને પશ્ચક્ષય Colletotrichum coffeanum દ્વારા થાય છે. આ બંને અને અન્ય ફૂગ દ્વારા થતા રોગોનું નિયંત્રણ બોર્ડો-મિશ્રણના છંટકાવ દ્વારા થાય છે.

કૉફીને લાગુ પડતી મુખ્ય જીવાત થડ-વેધક (Xylotrechus quadripes) છે. તે મુખ્ય થડને ખાઈ જઈ ઝાડવાને નુકસાન પહોંચાડે છે અને અંતે તેનો નાશ કરે છે. આવાં ઝાડવાંને કે તેના ભાગોને ખેંચી કાઢી બાળી નાખવા, તે એકમાત્ર ઉપાય રહે છે. અન્ય ઉપાયોમાં અંડનાશકો (ovicides) અને ઇયળ-નાશકો (larvicides)નો છંટકાવ અને ઈંડાંનો નાશ ઑક્ટોબરમાં થડને ઘસવાની ક્રિયાનો સમાવેશ થાય છે.

અન્ય જીવાતોમાં લીલો માંકડ (Coccus visidis) અને બદામી માંકડ (C. hemisphaericum) બંને પર્ણો ખાઈ જાય છે અને ઝાડવાંની વૃદ્ધિ અટકાવે છે. કરંજ(Pongamia pinnata syn. P. glabra)ના તેલના સાબુના દ્રાવણનો છંટકાવ આ જીવાતોનું અસરકારક નિયંત્રણ કરે છે.

કેટલાક વિસ્તારોમાં સૂત્રકૃમિનો ઉપદ્રવ હોય છે. આવા કિસ્સાઓમાં અરેબિયન કૉફીને બદલે કૉંગો કૉફી વાવવામાં આવે છે.

ઉપર્યુક્ત રોગો અને જીવાતો ઉપરાંત કૉફીના વૃક્ષના મૂળ ઉપર આવૃતબીજધારી વનસ્પતિ, Balano phora fungosa syn. B. indica પરોપજીવી તરીકે થાય છે. તે વૃક્ષની જીવનશક્તિ (vitality) અને ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તેને પુષ્પો બેસે તે પહેલાં તેનાં કંદ (tuber) ખોદી કાઢવામાં આવે છે.

લણણી અને ઉત્પાદન : કૉફી પર 3-5 વર્ષમાં ફળ બેસવાની શરૂઆત થાય છે અને 30-50 વર્ષ સુધી ફળ આપે છે. 10-30 વર્ષનો સમય ઉત્પાદન માટે સૌથી સારો ગણાય છે. વરસાદ પૃષ્પનિર્માણ અને બીજના બેસારા પર અસર કરે છે. ઓછા વરસાદથી ઘણી પુષ્પીય કલિકાઓ ખૂલતી નથી અને વરસાદ ચાલુ રહે તો બીજ બેસતાં નથી. સફળ પુષ્પનિર્માણ માટે 50 % જેટલો વરસાદ આવશ્યક હોય છે.

ફળ બેસવાની અને પાકવાની ક્રિયા પુષ્પનિર્માણ પછી 8-9 માસ લે છે અને ઑક્ટોબર-નવેમ્બરમાં તે વીણી (picking) માટે તૈયાર થાય છે. વીણીની સંખ્યા ઋતુ, ઊંચાઈ અને આબોહવા પ્રમાણે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી હોય છે. મૈસૂર અને કૂર્ગમાં એક વાર પુષ્પ નિર્માણ થાય છે અને ફેબ્રુઆરી સુધીમાં ત્રણથી ચાર વારમાં વીણી પૂરી કરાય છે. નીલગિરિની ઊંચાઈએ કેટલીક વાર પુષ્પનિર્માણ થાય છે અને મે અથવા જૂન સુધીમાં વીણી વધારે વાર કરવામાં આવે છે.

વીણી એક પસંદગીમય ક્રિયા છે અને તે પાકાં ફળ પૂરતું જ મર્યાદિત હોય છે. કાચાં ફળો ખામીવાળા દાણા ઉત્પન્ન કરે છે અને વધારે પાકાં ફળોમાં ગર બનવો મુશ્કેલ હોય છે. પહેલી વીણી દરમિયાન દરેક ઝાડવા પરનાં પાકાં ફળોનું કાળજીપૂર્વક અવલોકન કરી તેમને વીણી લેવામાં આવે છે, ત્યારપછી મોટાભાગનાં ફળ પાકી જાય છે ત્યારે તેઓની વ્યવસ્થિત રીતે વીણી કરવામાં આવે છે. હવે બાકી રહેતાં કાચાં ફળો પાકે ત્યારે ત્રીજી વીણીમાં એકત્રિત કરવામાં આવે છે. છેલ્લી વીણીમાં બાકી રહેતાં કાચાં અને પાકાં ફળો અને જમીન પર ખરી પડેલાં ફળોને એકઠાં કરી લેવાય છે.

ઉત્પાદન : ઉત્પાદનનો આધાર કૉફીની જાત, આબોહવા, મૃદા, ઉંમર અને અન્ય પરિબળો ઉપર રહેલો છે. પ્રત્યેક ઝાડવાદીઠ લગભગ 225 ગ્રા.થી 450 ગ્રા. અને 112 કિગ્રા.થી 1350 કિગ્રા./હે. સંસાધિત કરેલી કૉફીનું ઉત્પાદન થાય છે. અરેબિયન કૉફીનું લગભગ 225 કિગ્રા.થી 335 કિગ્રા./હે. સરેરાશ ઉત્પાદન થાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેનું વધારેમાં વધારે ઉત્પાદન 2250 કિગ્રા./હે થાય છે. કૉંગો કૉફીનું સરેરાશ ઉત્પાદન 450 કિગ્રા.થી 560 કિગ્રા./હે. થાય છે.

વ્યાપારિક કૉફીની બનાવટ : વ્યાપારિક કૉફી રૂપેરી છાલ, ચર્મપત્ર (parchment), રસાળ ગર અને બાહ્ય બીજાવરણને દૂર કરવાથી પ્રાપ્ત થાય છે. અંતિમ ઊપજની ગુણવત્તાનો આધાર આ આવરણો દૂર કરવાની પદ્ધતિ ઉપર રહેલો છે. બે પદ્ધતિઓ પ્રચલિત છે : (1) શુષ્ક (dry) અને (2) આર્દ્ર (wet). પ્રથમ પદ્ધતિમાં ફળોને સૂર્યના તાપમાં 2-3 અઠવાડિયાં સૂકવવામાં આવે છે અને લાકડાની કે પથ્થરના દસ્તાની મદદથી કચરવામાં આવે છે. પછી ફોતરાં દૂર કરવા ઊપણવામાં આવે છે. હવે દાણાઓને કોથળીઓ ભરી સંસાધન (curing) માટે મોકલવામાં આવે છે. સંસાધિત ઊપજને ‘ચેરી’ કે ‘નેટિવ કૉફી’ કહે છે.

આર્દ્ર પદ્ધતિમાં ફળો હજુ ભીનાં હોય તે સ્થિતિમાં લૂગદીકરણ (pulping), આથવણ (fermenting), ધાવન (washing) અને શુષ્કન(drying)ની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દ્વારા આવરણો દૂર કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલી ઊપજને ‘પ્લાન્ટેશન’ કે ‘પાર્ચમેંટ’ કૉફી કહે છે. પાર્ચમેંટ કૉફીમાં એકસરખાં પાકેલાં ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.

ભેજવાળા વાતાવરણમાં કૉફીને વિશિષ્ટ ચિકિત્સા આપતાં કૉફીનો રંગ સફેદ બને છે અને વિશિષ્ટ સુગંધી આપે છે. આ ચિકિત્સાને કૉફીનું ‘મૉનસૂનિંગ’ કહે છે. આ પદ્ધતિ ફ્રાન્સ, નૉર્વે અને સ્વિટ્ઝર્લૅંડ જેવા યુરોપના દેશોમાં અપનાવવામાં આવી છે.

ભૌતિક ગુણધર્મો : કૉફીના સૂકા દાણા અંડાકાર, 0.5 સેમી.થી 1.0 સેમી. લાંબા, એક બાજુએથી બહિર્ગોળ અને બીજી બાજુએથી ચપટા હોય છે. તે રંગે ઘેરા વાદળીથી માંડી પીળા હોય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 1.0 થી 1.3 હોય છે. દાણાનું વિશિષ્ટ ગુરુત્વ જેમ વધારે તેમ દાણા વધારે સારી ગુણવત્તાવાળા ગણાય છે.

કાચી કૉફીની સુગંધ મંદ અને વિશિષ્ટ હોય છે અને સ્વાદ સહેજ મીઠો હોય છે. તેનો પીણા તરીકે ઉપયોગ કરવા માટે દાણાને ભૂંજી, દળી અને તેનું નિસવન (brew) કરવામાં આવે છે. તેનો જલીય નિષ્કર્ષ દૂધ ખાંડ સાથે કે દૂધ અને ખાંડ વિના લેવામાં આવે છે.

ભૂંજવાની ક્રિયામાં દાણા કદમાં મૂળ કરતાં લગભગ બે ગણા વધે છે અને તેમનો સ્વાદ કડવો બને છે; મોટાભાગની ખાંડ ચાસણીમાં ફેરવાય છે, કૅફેટેનિક ઍસિડનું પ્રમાણ અડધું થાય છે અને કૉફીની વિશિષ્ટ સુગંધ ઉત્પન્ન થાય છે. અલ્પ જથ્થામાં ફરફ્યુરાલ્ડિહાઇડ બને છે. ક્લોરોજેનિક ઍસિડનું કૅફિક અને ક્વિનિક ઍસિડમાં વિખંડન થાય છે અને કૅફીનનું પ્રમાણ સ્હેજ ઘટે છે. ભૂંજેલી કૉફીની સુગંધનો આધાર ભૂંજવાની પદ્ધતિ અને તેના સમય ઉપર રહેલો છે.

રાસાયણિક બંધારણ : અરેબિયન કૉફીના દાણાનું સરેરાશ બંધારણ આ પ્રમાણે છે : કાચા દાણા : પાણી 8.98 %, પ્રોટીન 9.87 %, કૅફીન 1.08 %, લિપિડ 12.60 %, શર્કરા 9.55 %, ડૅકિસ્ટ્રીન 0.87 %, કૅફેટેનિક ઍસિડ 8.46 % અને ભસ્મ 3.74 %; ભૂંજેલા દાણા : પાણી 0.63 %, પ્રોટીન 11.23 %, કૅફીન 0.82 %, લિપિડ 13.59, શર્કરા 0.43 %, ડૅક્સ્ટ્રિન 1.24 %, કૅફેટેનિક ઍસિડ 4.74 % અને ભસ્મ 4.56 %.

કૅફિન કૉફીનું મહત્વનું ઘટક છે અને તે કૉફીના પીણાની ઉત્તેજક અસર માટે જવાબદાર છે. દાણામાં તે મુખ્યત્વે પોટૅશિયમ કૅફીન ક્લોરોજિનેટના સ્વરૂપે હોય છે. કૉફીમાં ટ્રાઇગૉનેલિન અને કોલિન હોય છે.

કાચા દાણામાં શર્કરાઓ મોટેભાગે ગ્લાયકોસાઇડ તરીકે જોવા મળે છે. દાણામાં સુક્રોઝ, ડૅક્સ્ટ્રિન, સૅલ્યુલોઝમાં પેન્ટોસન અને હેમિસૅલ્યુલોઝ હોય છે.

કૉફીના દાણાનું તેલ અને મીણ : કાચી કૉફીમાં લગભગ 10 % જેટલું તેલ હોય છે. પેટ્રોલિયમ ઈથર દ્વારા મીણનું નિષ્કર્ષણ કરી શકાય છે. નિષ્કર્ષના 10 % જેટલું મીણ હોય છે.

બાષ્પશીલ (volatile) તેલ : ભૂંજેલી કૉફીના બાષ્પશીલ તેલના ઘટકોમાં ઍસિટાહાઇડ, ફ્યુરેન, ફર્ફ્યુરાલ્ડિહાઇડ, ફર્ફ્યુરાઇલ આલ્કોહૉલ, પાયરિડિન, હાઇડ્રોજન સલ્ફાઇડ, ડાઇએસિટાઇલ, મિથાઇલ મર્કેપ્ટેન, ફર્ફ્યુરાઇલ મર્કેપ્ટેન, ડાઇમિથાઇલ સલ્ફાઇડ, ઍસિટાઇલ પ્રોપિયોનાઇલ, એસેટિક ઍસિડ, ગ્વાયેકોલ, વિનાઇલ ગ્વાયેકોલ, પાયરેઝિન, n-મિથાઇલ પાયરોલ અને મિથાઇલ કાર્બિનોલનો સમાવેશ થાય છે. આ બધા પદાર્થો ભૂંજ્યા વિનાના દાણાઓમાં પહેલાંથી હોતા નથી. કેટલાક પદાર્થો ભૂંજવાની ક્રિયાથી વધારે જટિલ પૂર્વગોના વિઘટનથી ઉત્પન્ન થાય છે.

ક્લોરોજેનિક ઍસિડના વિઘટનથી ઉદભવતી ફિનૉલીય ઊપજો અને ફિનૉલ અને આલ્ડિહાઇડની સંઘનન (condensation) – ઊપજો કૉફીની સુગંધી માટે અંશત: જવાબદાર છે. ઉપરાંત ભૂંજેલા દાણામાં રહેલ મર્કેપ્ટેનને લીધે પણ કૉફીની સુગંધી હોય છે.

ઉપયોગ : કૉફીનો મુખ્ય ઉપયોગ પીણા તરીકે થાય છે. તેની કેન્દ્રસ્થ ચેતાતંત્ર અને રુધિરાભિસરણતંત્ર પર ઉત્તેજક અસર હોય છે. તે મૂત્રલ (diuretic) હોય છે. તે દર્દીઓને અને સ્વાસ્થ્ય પુન:પ્રાપ્તિ (convalescence) કરી રહેલ વ્યક્તિઓને ઔષધીય પીણા તરીકે આપવામાં આવે છે. તે પાચકરસોના વહન અને આંત્રીય પરિસંકોચન(peristalsis)ને ઉત્તેજી પાચનક્રિયામાં મદદ કરે છે. કૉફીના વધારે પડતા ઉપયોગને કારણે પાચનક્રિયામાં થતી કોઈ પણ ખલેલ કૅફોટૉક્સિનને લીધે હોવાનું મનાય છે. તે ભૂંજવાની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું બાષ્પશીલ વિષ છે.

કૉફીનાં પર્ણો અને કવચોનો ઉપયોગ પણ કૉફીનું પીણું બનાવવામાં થાય છે. તેમાં દાણા કરતાં કૅફીન ઓછું હોય છે. યુરોપમાં ભૂંજવાની ક્રિયા દરમિયાન દાણાઓ સાથે કવચોનો નિષ્કર્ષ પણ ઉમેરવામાં આવે છે.

અપમિશ્રકો (adulterants) અને પ્રતિસ્થાપકો (substitutes) : કૉફીમાં મુખ્યત્વે ચિકોરી(Cichorium intybus)નાં મૂળ ઉમેરવામાં આવે છે. કેટલાક લોકો આવી મિશ્ર કૉફી પસંદ કરે છે. ‘માલ્ઝ કૉફી’ કૉફીની સાથે માલ્ટમિશ્રિત (malted) જવ અને ઘઉં વડે બનાવાય છે.

કૉફીના સામાન્ય અપમિશ્રકો પુંવાડિયો (Cassia tora), આમલી (Tamarindus indica), વટાણા અને વાલનાં બીજ અને બાળેલી સાકર છે. ભૂંજતી વખતે કે ચૂર્ણન કરતાં દાણાઓ સાથે કેટલીક વાર છોતરું કે કવચ મિશ્ર કરવામાં આવે છે.

કૉફીના સામાન્ય પ્રતિસ્થાપકો શિંબી કુળની વનસ્પતિઓનાં બીજ છે, જેમાં મુખ્યત્વે પુંવાડિયો કાસુંદરો (C. occidentalis), સોયાબીન (Glycine max) અને આબુવો(Canavalia ensiformis)નો સમાવેશ થાય છે.

કૉફીનો ગર ગાય-ભેંસના ખાણમાં વાપરવામાં આવે છે. શરૂઆતમાં તે અરોચક (unpalatable) હોય છે; પરંતુ ગાયભેંસ એક વાર ટેવાઈ ગયા પછી તેઓ સારી રીતે ખાય છે. કૉફીના ખાણનું કુલ પ્રોટીન દ્રવ્ય મકાઈના ખાણની સાથે તુલના કરી શકાય તેટલું હોય છે અને કૅલ્શિયમ અને ફૉસ્ફરસ તેના કરતાં વધારે હોય છે.

ચેરીના કવચની ભસ્મમાં પોટાશ વિપુલ પ્રમાણમાં હોય છે અને પોટાશનું મહત્વનું ખાતર બનાવે છે. સારણી-1માં ગર, ભસ્મ અને કવચ તેમજ અન્ય લીલાં દ્રવ્યના મિશ્ર ખાતરનાં N, P અને Kનાં મૂલ્ય દર્શાવવામાં આવ્યાં છે.


કૅફેલાઇટ
: કૉફીના દાણા નવા પ્રકારના પ્લાસ્ટિક, કૅફેલાઇટના ઉત્પાદનમાં વપરાય છે. તે બહિર્વેધન (extrusion) અને દાબ-ઢાળકામ (pressure-moulding)માં ઉપયોગમાં લઈ શકાય છે. કૅફેલાઇટ ઊપજો જલરોધી (water-resistant), દ્રાવકરોધી (solvent-resistant) અને જ્વાલારોધક (flame-resistant) હોય છે. તેનું દ્રવ્ય ઢાળકામનાં અન્ય દ્રવ્યો સાથે ખૂબ સંગત હોય છે.

આયુર્વેદ અનુસાર કૉફી હળવી, લૂખી, મધુર, કડવી, તૂરી, ઉષ્ણવીર્ય, હૃદયને ગુણકારી અને મૂત્રલ હોય છે. તે કફ-વાતશામક, પિત્તવર્ધક, વિષઘ્ન, ક્ષુધાવર્ધક, ગ્રાહી, મગજ-ઉત્તેજક અને હૃદય-ઉત્તેજક હોય છે અને રુધિરવાહિનીઓને પહોળી કરે છે. તે તાવ, ખાંસી, મૂત્રકષ્ટ, પથરી, મંદાગ્નિ, ઝાડા, મરડો, માનસિક શિથિલતા, શિર:શૂળ, લવરી, વાઈ, સંધિવા, આમવાત, નિદ્રા, તંદ્રા, જલોદર, સોજા, શારીરિક જડતા અને અફીણ, આલ્કોહૉલ, વછનાગ વગેરેનાં વિષનો નાશ કરે છે. વાતરક્ત (gout), મલેરિયા, હર્નિયા, અલ્પ-રક્તદાબ અને હૃદય, ફેફસાં અને મૂત્રપિંડના સોજામાં લાભદાયી છે. તે થાક દૂર કરે છે. તે વધુ માત્રામાં પીવાથી નિદ્રાનાશ, બેચેની, કાનમાં ઝણઝણાટી, લવરી, હૃદયનાં સ્પંદનોમાં વધારો, ચક્કર, ઊલટી વગેરે કરે છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

બળદેવભાઈ પટેલ