કૉન્ડા, કેનેથ (જ. 28 એપ્રિલ 1924, લુબવા, ઉત્તર ઝામ્બિયા; અ. 17 જૂન 2021, લુસાકા, ઝામ્બિયા) : ઝામ્બિયાના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા અને તેના પ્રથમ પ્રમુખ. ઝામ્બિયાની સૌથી મોટી જાતિ બૅમ્બામાં જન્મ. માતા અને પિતા બંને શિક્ષકો. કેનેથ તેમનું આઠમું સંતાન હતા. શાળાકીય શિક્ષણ પ્રથમ લુબવામાં અને પછી લુસાકામાં લઈને થોડો સમય તે શિક્ષક રહ્યા અને ત્યારબાદ તાંબાની ખાણમાં કામ કર્યું.
1950-52ના અરસામાં તે ઝામ્બિયાના ઉત્તરના પ્રાન્તમાં સામ્રાજ્યવાદ-વિરોધી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ(ANC)ના મુખ્ય વ્યવસ્થાપક અને મહામંત્રી બન્યા. 1958માં તેમણે ઝામ્બિયા આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ(ZANC)ની સ્થાપના કરી અને વિધેયાત્મક અહિંસક કાર્યક્રમ તથા અસહકારની લડત ચલાવી. 1959માં જેલનિવાસ ભોગવ્યા પછી 1960માં તેમનો છુટકારો થયો. જેલમાં જવાથી તે રાષ્ટ્રીય કક્ષાના નેતા બની ગયા. ત્યારબાદ ઝામ્બિયાની સ્વાતંત્ર્યલડત ચલાવવા માટે તેમણે સંયુક્ત રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પક્ષ(યુનાઇટેડ નૅશનલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટી)ની સ્થાપના કરી અને તેના વડા તરીકે ચૂંટાયા. આ પક્ષમાં 3 લાખ જેટલા સભ્યો જોડાયા. સ્વાતંત્ર્યની લડત વધુ ઉગ્ર બની અને કૉન્ડાનું નેતૃત્વ પ્રભાવશાળી બન્યું.
આ પછી કૉન્ડાને લંડન પરિષદમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું. પરિષદ પૂરી થતાં બ્રિટનની સરકારે સંસ્થાનવાદની બેડીઓ દૂર કરવાનું જાહેર કર્યું. કૉન્ડાનું એક મહત્ત્વનું પગલું તે 77,000 જેટલા ગોરા અને 11,000 જેટલા એશિયાઈ લોકોના મનમાં કાળા લોકો માટે જે પૂર્વગ્રહ અને ભય હતો તે દૂર કરવાનું હતું. ઑક્ટોબર 1962માં ચૂંટણીઓ યોજાઈ ત્યારે કૉન્ડાના પક્ષે 37માંથી 15 બેઠકો કબજે કરી. 1964માં ઝામ્બિયા સ્વતંત્ર બનતાં તે તેના પ્રથમ પ્રમુખ બન્યા. શરૂઆતમાં તેમણે બહુપક્ષીય સંસદીય સરકારની તરફદારી કરી; પરંતુ જાતિવાદને અંકુશમાં લેવાનો પ્રશ્ન વિકટ બનતાં 1973માં તેમણે એકપક્ષીય શાસન સ્થાપ્યું અને 1976માં રાજકીય અનિશ્ચિતતા વધતાં કટોકટીની સત્તા મેળવી 80% જેટલા મતો સાથે ચૂંટાઈ આવ્યા. આ પછી 1978 અને ત્યારપછી 1983માં તે ફરી ચૂંટાઈ આવ્યા. 1990માં તેમની વિરુદ્ધ એક અસંતુષ્ટ લશ્કરી અધિકારીએ વિદ્રોહ કર્યો પણ તેને આમજનતાનો ટેકો ન હોવાથી તે નિષ્ફળ જતાં કૉન્ડાની સત્તા વધુ દૃઢ બની.
તેમની શરૂઆતની રાજકીય કારકિર્દીમાં તે મહાત્મા ગાંધીને પોતાના ગુરુ માનતા હતા અને વિધાયક અહિંસાના માર્ગ દ્વારા સ્વાતંત્ર્ય હાંસલ કરવા ઇચ્છતા હતા. પણ સ્થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં પાછળથી તેમને અહિંસાના માર્ગનો ત્યાગ કરવો પડ્યો હતો. તેમની રાજકીય વિચારસરણીના કેન્દ્રમાં માનવતાવાદ રહ્યો હતો. તેમના માનસને પ્રભાવિત કરતી મુખ્ય અસરોમાં આફ્રિકાનો રાષ્ટ્રવાદ, બ્રિટનનો મજૂરવાદી અભિગમ, પશ્ચિમની સામાજિક લોકશાહીનો સિદ્ધાંત તથા પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ રહ્યાં હતા. સામ્રાજ્યવાદ તથા નૂતન સંસ્થાનવાદની સામે તે સતત સંઘર્ષ કરતા રહ્યા. દુનિયાના લોકો સામેના મુખ્ય ભયમાં તે યહૂદીવાદ, જાતિવાદ, રંગદ્વેષ, માનવહકની અવહેલના, શોષણ તથા ભ્રષ્ટાચારને ગણતા. આ વિવિધ ભયની સામે તે સર્વઆફ્રિકાવાદ(Pan-Africanism)ના હિમાયતી રહ્યા. પ્રાદેશિક સંગઠનો ઊભાં કરી, તેમની ભૂમિકા ઉપર રાજકીય એકીકરણ સાધવાનો માર્ગ તે પ્રથમ અપનાવવા ઇચ્છતા હતા . તેમની રાજકીય ફિલસૂફીનું અંતિમ ધ્યેય માનવકલ્યાણ અને માનવહિત હતુ. આ હેતુને લક્ષમાં રાખીને જ તે અણુશસ્ત્રોની નાબૂદી અને આફ્રિકાને અણુશસ્ત્રવિહીન ખંડ બનાવવા ઉત્સુક હતા.
આર્થિક ક્ષેત્રે ઝામ્બિયા પગભર થાય એ આશયથી તેમણે 1972માં તાંબાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરેલું. ઝામ્બિયાની આર્થિક કટોકટીનાં મૂળ તાંબાના નીચા જતા ભાવો અને આયાત થતા માલના ઊંચા જતા ભાવોમાં રહેલાં. ઝામ્બિયાના અર્થકારણમાં તાંબું 95% વિદેશી ચલણ મેળવી આપે છે. કૉન્ડાના અથાગ પ્રયત્ન છતાં ઝામ્બિયાનું દેવું 7 અબજ ડૉલર જેટલું થઈ ગયું હતુ.
આફ્રિકાના ગણ્યાગાંઠ્યા અગ્રગણ્ય નેતાઓમાં અને ખાસ કરીને બિનજોડાણવાદી નીતિના પ્રખર પુરસ્કર્તાઓમાં કૉન્ડાનો સમાવેશ થતો હતો. લુસાકા માત્ર ઝામ્બિયાના જ નહિ પરંતુ સમગ્ર આફ્રિકાના અને કંઈક અંશે દુનિયાના રાજકારણમાં સ્થાન પામ્યું. 1970ની બિનજોડાણ-આંદોલન(Non-alignment Movement – NAM)ની આંતરરાષ્ટ્રીય પરિષદ લુસાકામાં મળી હતી. કૉન્ડા બિનજોડાણવાદના વિશ્વવ્યાપી આંદોલનના પ્રમુખસ્થાને રહ્યા હતા.
1990માં તેમની વિરુદ્ધ નિષ્ફળ લશ્કરી બળવો થયો. 1991માં એકપક્ષીય શાસનને સ્થાને બહુપક્ષીય સંસદીય ચૂંટણીઓ માટે તેઓ સંમત થયા, ચૂંટણીઓ યોજાઈ; પરંતુ બહુમતીના અભાવે 1991માં તેમને પ્રમુખપદ ગુમાવવું પડ્યું. ફ્રેડરિક ચિલુબા નવા પ્રમુખ બન્યા. તેઓ ઝામ્બિયામાં બહુપક્ષીય લોકશાહીની સ્થાપના માટે ચાલતા આંદોલનના નેતા હતા.
1991માં ત્યાંની ધારાસભા નૅશનલ એસેમ્બલીએ નવું બંધારણ સ્વીકાર્યું. તેમાં પ્રમુખ થનાર નાગરિકનાં માતાપિતા બંને ઝામ્બિયામાં જન્મેલાં હોય તે અનિવાર્ય આવશ્યકતા હતી. આ જોગવાઈથી પૂર્વ-પ્રમુખ કૉન્ડા ફરીથી ક્યારેય આ હોદ્દા પર આવી શકે નહિ તેવો પ્રબંધ કરવામાં આવ્યો. 1997માં નિષ્ફળ લશ્કરી બળવાને અંતે તેમને જેલમાં પૂરવામાં આવ્યા, 1998માં મુક્ત કરાયા, તે પછી તેમણે યુનાઇટેડ નૅશનલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું. ફ્રેડરિક ચિલુબા પછી 2002માં લેવી મવાનવાસા (Levy Mwanawasa) નવા પ્રમુખ બન્યા.
દેવવ્રત પાઠક
રક્ષા મ. વ્યાસ