કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય મહાસભા (Indian National Congress) ઓગણીસમી સદીમાં ભારતમાં પાંગરતા જતા રાષ્ટ્રવાદનું સંસ્થાકીય સ્વરૂપ હતું. એ સદીમાં અંગ્રેજી શાસન નીચે દેશભરમાં રાજકીય તથા વહીવટી એકતા આવી હતી. અંગ્રેજી કેળવણીને કારણે લોકોને સ્વતંત્રતા, લોકશાહી, રાષ્ટ્રવાદ જેવી નવી ભાવનાઓનો પરિચય થવા લાગ્યો હતો અને લેખકો, ચિંતકો, સંતો તથા પત્રકારો દ્વારા ભારતનાં પ્રાચીન ગૌરવ અને સંસ્કૃતિનાં શ્રેષ્ઠ પાસાં પ્રકાશમાં આવી રહ્યાં હતાં; તેવે સમયે સામ્રાજ્યવાદી માનસ ધરાવતા વાઇસરૉયોની પ્રત્યાઘાતી નીતિઓને કારણે લોકોમાં અંગ્રેજી શાસન પ્રત્યે તિરસ્કારની ભાવના વેગ પકડી રહી હતી. હિંદી લોકોને ન્યાય આપવા માટે ઇલ્બર્ટ બિલ રજૂ કર્યું, પરંતુ તે ખરડાની સામે હિંદમાં રહેલા મૂઠીભર ઍંગ્લો-ઇન્ડિયનોએ પોતાનાં હિતો સાચવી રાખવા માટે વ્યવસ્થિત આંદોલન કર્યું અને તેમાં તેઓ સફળ થયા. આથી હિંદના રાષ્ટ્રીય નેતાઓને રાજકારણમાં સંગઠિત વિરોધનું મહત્વ સમજાયું અને તેમાંથી કૉંગ્રેસના જન્મ માટેની ભૂમિકા રચાઈ.
જોકે હિંદના નેતાઓને એકાદ રાષ્ટ્રવ્યાપી સંસ્થાની જરૂરિયાત તો સમજાઈ જ હતી. 1876માં સુરેન્દ્રનાથ બૅનરજીએ કૉલકાતામાં ‘ઇન્ડિયન ઍસોસિયેશન’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમની પ્રેરણાથી 1883માં કૉલકાતામાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામની એક પરિષદ ભરાઈ. તેમાં મુંબઈ, ચેન્નાઈ અને સંયુક્ત પ્રાંતના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે આ પરષિદનું બીજું અધિવેશન 1885ના ડિસેમ્બરમાં ફરી ભરવાનું નક્કી કર્યું.
તે જ અરસામાં સર ઍલન ઑક્ટેવિયન હ્યૂમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીને હિંદમાં આવી જ એક રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો. તેમને લાગ્યું કે હિંદમાં બ્રિટિશ શાસન પ્રત્યે લોકોમાં અસંતોષ છે અને જો તે અસંતોષને વ્યવસ્થિત અને બંધારણીય માર્ગે વ્યક્ત થવાની તક મળે તો તેમાં બ્રિટિશ સામ્રાજ્યનું તથા રાષ્ટ્રનું હિત છે તેવી તેમની માન્યતા હતી. તેમની આ માન્યતાને ઘણા અંગ્રેજોનો તથા ખુદ તે સમયના વાઇસરૉય લૉર્ડ ડફરિનનો પણ ટેકો હતો. આવી સંસ્થાથી હિંદના વિકસતા જતા રાષ્ટ્રવાદને અને હિંદી પ્રજાની લાગણીઓ વધારે સારી રીતે જાણી શકશે તેમ તેઓ માનતા હતા.
તે સમયના હિંદના અગ્રગણ્ય નેતાઓને પણ સર હ્યૂમનો આ વિચાર ઠીક લાગ્યો. તેમણે 1884માં ‘ઇન્ડિયન નૅશનલ યુનિયન’ નામની એક સંસ્થા સ્થાપી. 1885ના ડિસેમ્બરમાં તેનું અધિવેશન પુણેમાં બોલાવવાનું નક્કી કર્યું; પરંતુ તે પછી પુણેમાં કૉલેરા ફાટી નીકળવાથી તેનું અધિવેશન મુંબઈમાં ગોવાલિયા ટૅન્ક પાસેની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં રાખવામાં આવ્યું, જ્યાં 1885ના ડિસેમ્બરની 28 તારીખે આ સંસ્થાને ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’(Indian National Congress)નું નામ આપી તેની વિધિસર સ્થાપના કરવામાં આવી.
‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’(જેના અંગ્રેજી નામ ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ના છેલ્લા શબ્દ ‘કૉંગ્રેસ’ પરથી તે જ ટૂંકા નામે તે લોકોમાં પ્રસિદ્ધ થઈ)ના આ પ્રથમ અધિવેશનમાં દેશભરમાંથી કુલ 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેના પ્રમુખપદે કોલકાતાના તે સમયના પ્રખ્યાત ઍડ્વોકેટ વ્યોમેશચંદ્ર બૅનરજી હતા. મુંબઈના નેતાઓ અને પુણેના નેતાઓ તથા અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા. દેશમાં ધર્મભેદ, વંશભેદ, પ્રાંતભેદ જેવા વાડાઓથી દૂર રહી એકરાષ્ટ્રીયત્વના સૂત્ર પર આધારિત સાચા અર્થમાં ભારતીય પક્ષનું નિર્માણ કરવાનું ધ્યેય આ અધિવેશનમાં સ્વીકારવામાં આવ્યું. તેનું બીજું અધિવેશન 1886માં કોલકાતા ખાતે અને ત્રીજું અધિવેશન 1887માં ચેન્નાઈમાં મળ્યું.
વિકાસ : શરૂઆતનાં વર્ષોમાં કૉંગ્રેસે અંગ્રેજ શાસકો પ્રત્યે અતિ નમ્ર વલણ અપનાવ્યું હતું. કૉંગ્રેસની વિવિધ માગણીઓ માટે બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા 1888માં લંડન મુકામે પણ એક શાખા ખોલવામાં આવી. તેના પ્રચારથી આકર્ષાઈને સર ચાર્લ્સ બ્રૅડલો નામના બ્રિટિશ પાર્લમેન્ટના એક સભ્ય 1889માં કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવા માટે હિંદમાં આવ્યા. તેમણે 1890માં બ્રિટિશ પાર્લમેન્ટમાં હિંદમાં ધારાસભાઓના સુધારા સૂચવતો ખરડો મૂક્યો; પરંતુ તેની સામે બ્રિટિશ સરકારે પણ પોતાના તરફથી સુધારાનો ખરડો પાર્લમેન્ટમાં રજૂ કર્યો જે 1892માં પસાર થતાં ‘હિંદી ધારાસભાના કાયદા’ તરીકે પ્રસિદ્ધ થયો. તે રીતે 1892નો કાયદો એ રાજકીય ક્ષેત્રે કૉંગ્રેસની પ્રથમ મહત્વની સિદ્ધિ ગણી શકાય.
જોકે કૉંગ્રેસની માગણીઓ અને અપેક્ષાના પ્રમાણમાં 1892ના સુધારા ઘણા અપૂરતા હતા. તેમ છતાં આ સુધારાને કારણે સુરેન્દ્રનાથ બૅનરજી, પંડિત મદનમોહન માલવિયા, ગોપાળ કૃષ્ણ ગોખલે, સર ફિરોજશા મહેતા વગેરે રાષ્ટ્રવાદી નેતાઓને નવી ધારાસભાઓમાં પ્રવેશ કરવાની તક મળી. તેમને બ્રિટિશ શાસનમાં વિશ્વાસ બેઠો અને ક્રમશ: સુધારાઓની માંગનું મવાળ રાજકારણ ઉદભવ્યું. તેમણે ધારાસભાઓમાં ભારતની પ્રજાની માગણીઓ અને તેમનાં દુ:ખદર્દોને અસરકારક રીતે વાચા આપી. તેમણે પોતાની પ્રવૃત્તિઓથી હિંદના લોકોને રાજકારણમાં રસ લેતા કર્યા તથા દુનિયાને બતાવી આપ્યું કે જો તક આપવામાં આવે તો ભારતના લોકો પણ સારી રીતે શાસન ચલાવી શકે તથા સંસદીય પદ્ધતિની લોકશાહીને અસરકારક રીતે અમલમાં મૂકી શકે તેમ છે.
સૂરત મુકામે કૉંગ્રેસના ભાગલા (1907) : કૉંગ્રેસની સ્થાપનાના બીજા દસકા દરમિયાન (1895-1905) ભારતીય રાજકારણમાં કૉંગ્રેસના વિકાસને અસર કરે તેવા કેટલાક મહત્વના બનાવો બન્યા. તેમાંનો સૌથી મહત્વનો બનાવ એટલે ભારતીય રાજકારણમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદભવ. કૉંગ્રેસના સુધારાઓની માગણી કરતા ઠરાવો તરફ બ્રિટિશ સરકારની ઉદાસીનતાએ કૉંગ્રેસના યુવાન વર્ગમાં ભારે અસંતોષ જન્માવ્યો. તેઓ સરકાર પ્રત્યેની વફાદારીની વાતોથી અકળાઈ ગયા; વાતો કે ઠરાવોને બદલે કાર્ય કરવાથી સરકારની આંખો વહેલી ઊઘડશે તેમ તેઓ માનવા લાગ્યા. આ નવી ઉદ્દામવાદી વિચારસરણીના નેતા હતા લોકમાન્ય બાળ ગંગાધર ટિળક. તેમને ફિરોજશા મહેતા અને ગોખલે જેવા નેતાઓની બંધારણીય માર્ગે ચળવળ ચલાવવાની વિનીત (મવાળ) નીતિ પસંદ ન હતી. તે સરકારને ઉગ્ર કાર્ય દ્વારા સીધો પડકાર આપવા માગતા હતા તથા જનસમૂહમાં રાષ્ટ્રવ્યાપી સંગઠન સાધી સરકારને વિરાટની તાકાતથી હંફાવવા માગતા હતા. આ રીતે તેમનો કાર્યક્રમ ઉગ્ર હતો તેથી તેઓ અને તેમના ટેકેદાર ‘મવાળવાદી’ની વિરુદ્ધ ‘જહાલવાદી’ (ઉગ્રમતવાદી) ગણાયા. ટિળક મહારાજે લોકજાગૃતિ અને સંગઠન લાવવા માટે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી-ઉત્સવ અને ગણપતિ-ઉત્સવ જેવા લોક-ઉત્સવો શરૂ કર્યા. તેમણે ‘કેસરી’ નામનું પત્ર શરૂ કરી તેમાં સરકારની જુલમી નીતિની આકરી ટીકા કરવા માંડી. તે લખાણો અને તેને કારણે ટિળકને થયેલી આકરી સજા, 1897નો મહારાષ્ટ્રનો ભયંકર દુષ્કાળ, બીજે જ વર્ષે મુંબઈ ઇલાકામાં ફાટી નીકળેલો પ્લેગ વગેરે કારણોને લઈને કૉંગ્રેસ લોકજાગૃતિના જુવાળનું નિમિત્ત બની. આ દરમિયાન પંજાબમાં લાલા લાજપતરાય અને બંગાળમાં બિપિનચંદ્ર પાલ તથા અરવિંદ ઘોષની નેતાગીરી નીચે હજારો યુવાનોએ ઉદ્દામ રાજકારણનો રાહ લીધો. તેવામાં 1905માં સામ્રાજ્યવાદી મનોદશા ધરાવતા વાઇસરૉય લૉર્ડ કર્ઝને વહીવટી કાર્યક્ષમતાને બહાને હિંદુ-મુસ્લિમ એકતામાં ભંગાણ પાડવાના મલિન આશયથી બંગાળના ભાગલા પાડ્યા. તેથી બંધારણવાદીઓ (મવાળ) પણ બ્રિટિશ શાસનને શંકા અને નફરતની નજરથી જોવા લાગ્યા; જ્યારે બંગાળ સહિત દેશના જુદા જુદા ભાગોમાં ઉશ્કેરાયેલા નવયુવાનોએ તો ‘બૉમ્બની આરાધના’ અપનાવીને સશસ્ત્ર ક્રાન્તિનો જ રાહ લીધો.
આવા ઉશ્કેરાટભર્યા વાતાવરણમાં ખુદ કૉંગ્રેસના નેતાઓમાં પણ મતભેદો ઊભા થયા. સુરેન્દ્રનાથ બૅનરજી, દાદાભાઈ નવરોજી, ફિરોજશા મહેતા, ગોપાળ કૃષ્ણ ગોખલે વગેરે જૂની પેઢીના નેતાઓ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીના પાયા ઉપર ‘સાંસ્થાનિક સ્વરાજ્ય’ મેળવવા માગતા હતા, ત્યારે ટિળક-જૂથના ‘જહાલો’ સંપૂર્ણ સ્વરાજ્ય માગતા હતા. 1906માં કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ દાદાભાઈના સમાધાનકારી વલણને કારણે બંને જૂથો વચ્ચે ઘર્ષણ થતું અટકી ગયું. 1907માં કૉંગ્રેસનું અધિવેશન પહેલાં નાગપુર મુકામે મળવાનું હતું, પરંતુ ત્યાં ટિળક મહારાજની અસર વધારે હોઈને જહાલો કૉંગ્રેસનો કબજો લેશે તેવા ભયથી મવાળ નેતાઓએ અધિવેશનનું સ્થળ નાગપુરથી સૂરત મુકામે ખસેડાવ્યું. પરંતુ ત્યાં પણ અધિવેશનના પ્રથમ દિવસે જ ધાંધલને કારણે સભા તૂટી પડી. બીજે દિવસે બંને જૂથોની અલગ અલગ સભાઓ મળી. તેમાં એકબીજાને સખત શબ્દોમાં ઉતારી પાડી સૌ છૂટા પડ્યા. બીજે વર્ષે કૉંગ્રેસના બંધારણમાં સુધારો કરી ટિળક અને જહાલ જૂથને કૉંગ્રેસમાંથી હાંકી કાઢવાનું સરળ બનાવવામાં આવ્યું. ટિળક અને તેમના સાથીઓએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો. આ રીતના કૉંગ્રેસના ભાગલા એ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય-ચળવળ માટે ખરેખર મોટી આપત્તિ હતી.
લખનૌ કરાર (1916) : આ સમય દરમિયાન અંગ્રેજો પોતાની ‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ની નીતિ અનુસાર હિંદી પ્રજાના એક મહત્વના વિભાગ સમા મુસ્લિમોમાં અલગતાવાદનું ઝેર રેડતા જતા હતા. તેમની જ અસરથી સર સૈયદ અહમદ જેવા સુધારક મુસ્લિમ નેતા જે હિંદી પ્રજાનાં દુ:ખદર્દો બ્રિટિશ શાસનના કાને પહોંચાડી શકે તેવી રાષ્ટ્રવ્યાપી સંસ્થાના હિમાયતી હોવા છતાં, કૉંગ્રેસમાં જોડાવાથી દૂર રહ્યા હતા; એટલું જ નહિ, પણ તેમણે મુસ્લિમોને પણ કૉંગ્રેસથી દૂર રહેવાની સલાહ આપી હતી. કૉંગ્રેસ એ ‘હિન્દુઓની સંસ્થા’ છે અને જો તેના હાથમાં શાસન આવે તો મુસ્લિમો હિંદુ બહુમતીના વર્ચસ્ નીચે કચડાઈ જાય એવી અંગ્રેજોએ ઊભી કરેલી ભયગ્રંથિમાંથી 1906માં મુસ્લિમ લીગનો જન્મ થયો. મુસ્લિમ લીગે બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારીની ભાવના દર્શાવી. કેન્દ્ર તથા પ્રાંતોની ધારાસભાઓમાં મુસ્લિમો માટે અલગ મતદારમંડળની માગણી કરી. આ માગણીને બ્રિટિશ સરકારે 1909ના ‘મોર્લે-મિન્ટો સુધારા’ના નામથી જાહેર થયેલા કાયદા દ્વારા સંતોષી. આમ ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં ખતરનાક કોમી પરિબળનો પ્રવેશ થયો.
1915માં મિસિસ એની બેસન્ટે પોતાની ‘હોમરૂલ ચળવળ’ દ્વારા કૉંગ્રેસનાં બંને જૂથો વચ્ચે એકતા સ્થાપવાના પ્રયત્નો કર્યા. વળી ફિરોજશા મહેતા અને ગોખલેનું અવસાન થતાં મવાળ જૂથ નબળું પડ્યું. પરિણામે 1916માં કૉંગ્રેસનાં મવાળ તથા જહાલ જૂથો વચ્ચે એકતા સ્થપાઈ. આ જ અરસામાં રાષ્ટ્રીય રાજકારણમાં હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા. મૌલાના મહંમદઅલી, શૌકતઅલી, મહંમદઅલી ઝીણા વગેરે યુવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓની અસરને કારણે મુસ્લિમ લીગે કૉંગ્રેસ પ્રત્યેનું પોતાનું વલણ બદલ્યું. 1915માં કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગે એકીસાથે મુંબઈમાં જ પોતાનાં અધિવેશનો ભર્યાં, ત્યાં બંનેના નેતાઓએ એકબીજાની સભામાં રાષ્ટ્રીય ભાવનાથી સભર ભાષણો કર્યાં. તેને પરિણામે 1916માં લખનૌ મુકામે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી થઈ. જે ‘લખનૌ કરાર’ તરીકે જાણીતી થઈ. આ ‘લખનૌ કરાર’થી મુસ્લિમ લીગે રાષ્ટ્રીય આઝાદીની લડતમાં કૉંગ્રેસને સહકાર આપવાનું સ્વીકાર્યું જ્યારે સામે પક્ષે કૉંગ્રેસે અલગ અને કોમી મતદારમંડળના મુસ્લિમ લીગના દાવાનો સ્વીકાર કર્યો. જોકે આ બાબત કૉંગ્રેસના રાષ્ટ્રીય એકતાના સિદ્ધાંતની વિરુદ્ધ હતી, તેમ છતાં પોતાના મુસ્લિમ દેશબાંધવોને મનાવી લેવા માટે તથા તેમનામાં કૉંગ્રેસના હેતુઓ વિશે વિશ્વાસ પ્રેરવા માટે, કૉંગ્રેસી નેતાઓએ આ સિદ્ધાંતમાં બાંધછોડ કરી હતી. આ રીતે હિંદના રાષ્ટ્રીય રાજકારણમાં કૉંગ્રેસ-લીગ એકતા પહેલી વખત (અને છેલ્લી વખત) સિદ્ધ થઈ; પરંતુ અંગ્રેજોની કૂટનીતિએ આ એકતાને લાંબો સમય ટકવા દીધી નહિ અને તેમણે વધુ કોમી ઝેર ફેલાવતો ‘મૉન્ટફર્ડ સુધારા’ તરીકે જાણીતો થયેલો 1919નો પાર્લમેન્ટનો કાયદો પસાર કર્યો. આ કાયદામાં મધ્યસ્થ અને પ્રાંતીય ધારાસભાઓમાં કોમી મતદારમંડળો ચાલુ રાખવામાં આવ્યાં; એટલું જ નહિ, પણ અન્ય કોમો માટે પણ નવાં ઊભાં થયાં. વળી, આ સુધારામાં કેન્દ્રીય સરકારનું માળખું યથાવત્ રાખી, પ્રાંતોમાં ‘અંશત: જવાબદાર શાસનતંત્ર’ સ્થાપવાનો વિચિત્ર પ્રયોગ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના નેતાઓએ આ સુધારાનો અસ્વીકાર કર્યો; તેમ છતાં બ્રિટિશ સરકારે 1921થી પ્રાંતોમાં આ સુધારાનો અમલ શરૂ કરાવ્યો. પરંતુ તે પહેલાં તો કૉંગ્રેસમાં તથા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઐતિહાસિક ગાંધીયુગની શરૂઆત થઈ ચૂકી હતી.
ગાંધીજીના નેતૃત્વનો યુગ : નાગપુર કૉંગ્રેસ : 1920ના ઑગસ્ટની પહેલીએ લોકમાન્ય ટિળકનું અવસાન થયું તે સાથે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઉગ્રવાદનો તબક્કો પૂરો થઈ, ગાંધીજીના નેતૃત્વ નીચે અસહકાર તથા સત્યાગ્રહનો યુગ શરૂ થયો. શરૂઆતમાં તો ગાંધીજીને બ્રિટિશ શાસકોની નિષ્ઠામાં વિશ્વાસ હતો; પરંતુ બ્રિટિશ સરકારના એક પછી એક જુલમી પગલાથી સરકાર પ્રત્યેની તેમની નિષ્ઠા ડગમગી ગઈ. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે ‘હિંદ સંરક્ષણ ધારો’ અમલમાં હતો; પરંતુ યુદ્ધ પૂરું થયા પછી પણ ‘રૉલેટ ઍક્ટ’ના નામે રાષ્ટ્રવાદી આંદોલનને કચડી નાખવા માટે તે ચાલુ રાખવામાં આવ્યો, આથી દેશભરમાં આ ‘કાળા કાયદા’ સામે જબરો વિરોધ ઊભો થયો. આ વિરોધના એક ભાગ રૂપે પંજાબમાં અમૃતસરમાં તેરમી એપ્રિલે જલિયાંવાલા બાગ મુકામે ભરાયેલી સભા ઉપર જનરલ ડાયરે મશીનગનથી ગોળીબાર કરી હત્યાકાંડ સર્જ્યો. બ્રિટિશ શાસને આ હત્યાકાંડનો બચાવ કર્યો ત્યારે બ્રિટિશરોની ન્યાયબુદ્ધિમાંથી ગાંધીજીની શ્રદ્ધા ઊઠી ગઈ. તેમના અંતરમાં ખળભળાટ મચી ગયો અને તેમાંથી ‘અસહકારના આંદોલન’નો જન્મ થયો.
1920ના સપ્ટેમ્બરમાં બ્રિટિશ સરકારની આવી અન્યાયી અને જુલમી નીતિ સામે કૉંગ્રેસના કૉલકાતા અધિવેશનમાં ગાંધીજીએ અસહકારનો ઠરાવ મૂક્યો. જોકે કૉંગ્રેસની ટોચની હરોળના ઘણાખરા નેતાઓ આવા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની સફળતા વિશે શંકા ધરાવતા હતા, તેમ છતાં ગાંધીજીનો આ ઠરાવ પસાર તો થયો જ. ત્યાર પછી ડિસેમ્બરમાં નાગપુર ખાતેના કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ભારે બહુમતીથી આ ઠરાવ પસાર થયો. ત્યારથી કૉંગ્રેસ ઉપર ગાંધીજીનું વર્ચસ્ સ્થપાઈ ગયું. નાગપુર કૉંગ્રેસથી કૉંગ્રેસના ધ્યેયમાં પણ ક્રાન્તિકારી ફેરફાર થયો. અત્યાર સુધી ‘બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને’ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાનું તેનું ધ્યેય હતું. હવે ‘જરૂર પડે તો બ્રિટિશ સામ્રાજ્યની બહાર જઈને પણ’ સ્વરાજ્ય મેળવવાનું ધ્યેય સ્વીકારવામાં આવ્યું. તે ઉપરાંત ‘કોઈ પણ શાંતિમય અને યોગ્ય માર્ગે’ આ ધ્યેય હાંસલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. મુસ્લિમ નેતા મહમદઅલી ઝીણાએ આનો વિરોધ કરીને કૉંગ્રેસમાંથી છૂટા પડવાનું પસંદ કર્યું. આ રીતે નાગપુર કૉંગ્રેસ ભારતના રાષ્ટ્રીય ઇતિહાસમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે.
અસહકારનું આંદોલન : દેશની જનતાએ ગાંધીજીના અસહકારના કાર્યક્રમને ઉત્સાહભેર વધાવી લીધો. આ ચળવળનાં નકારાત્મક અને રચનાત્મક એમ બે પાસાં હતાં. તેના નકારાત્મક પાસામાં સરકારી શાળા, કૉલેજ, કોર્ટ, કચેરી અને ધારાસભાઓ તથા ચૂંટણીનો બહિષ્કાર, સરકારી હોદ્દાનો ત્યાગ, મ્યુનિસિપાલિટી અને જિલ્લા- બોર્ડના સભ્યપદેથી રાજીનામું, વિદેશી માલનો બહિષ્કાર વગેરેનો સમાવેશ થતો હતો. તેના રચનાત્મક પાસામાં સ્વદેશી માલનો ઉપયોગ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય કેળવણી આપતી રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના વગેરેનો સમાવેશ થતો હતો. આ બંને પ્રકારના કાર્યક્રમો ખૂબ જ સફળ થયા; પરંતુ લોકો હજુ સત્યાગ્રહ અને અહિંસાનું તત્વજ્ઞાન બરાબર પચાવી શક્યા ન હતા. 1922ના ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચૌરીચૌરા ગામમાં વીફરેલા લોકોએ 21 પોલીસોને ચોકીમાં પૂરી, જીવતા સળગાવી દીધા. તેથી ગાંધીજીએ તુરત જ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. હવે સરકારે ગાંધીજીની ધરપકડ કરી તેમને છ વરસની કેદની સજા કરી. તે પછી રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઓટ આવી; પરંતુ અસહકારની ચળવળે ગાંધીજીની નેતાગીરી નીચે કૉંગ્રેસને રાષ્ટ્રવ્યાપી સંસ્થા બનાવી દીધી અને ગામડે ગામડે કૉંગ્રેસનો (ખાસ કરીને રચનાત્મક) કાર્યક્રમ પહોંચતો કર્યો. આને કારણે કૉંગ્રેસ સાચા અર્થમાં આમજનતાની સંસ્થા બની ગઈ.
કૉંગ્રેસના નેજા નીચેનાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય–આંદોલનો : ગાંધીજીના વ્યક્તિત્વ તથા કાર્યક્રમથી ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, આચાર્ય કૃપાલાની, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ વગેરે યુવાન નેતાઓ કૉંગ્રેસ પ્રત્યે આકર્ષાયા અને તેના અગ્રગણ્ય કાર્યકર્તાઓ બન્યા. ગાંધીજીના જ માર્ગદર્શન અને નેતૃત્વ નીચે કૉંગ્રેસે સાઇમન કમિશનનો બહિષ્કાર (1928), નેહરુ અહેવાલનો સ્વીકાર (1929), 26મી જાન્યુઆરી (1930)ની ‘પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિ’ માટેની દેશવ્યાપી પ્રતિજ્ઞા તથા દાંડીકૂચ અને સવિનય કાનૂનભંગની ચળવળ (1930-32) વગેરે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય-આંદોલનના સીમાસ્તંભરૂપ કાર્યક્રમો સિદ્ધ કર્યા. બ્રિટિશ સરકારે 1930માં લંડનમાં બોલાવેલી પ્રથમ ગોળમેજી પરિષદ કૉંગ્રેસના બહિષ્કારને કારણે નિષ્ફળ ગઈ; તેથી તે સમયના વાઇસરૉય લૉર્ડ ઇર્વિને ગાંધીજી સાથે વાટાઘાટો કરી જેને પરિણામે સરકારે સત્યાગ્રહીઓને બિનશરતે છોડી મૂક્યા, જ્યારે કૉંગ્રેસે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનું સ્વીકાર્યું (ગાંધી-ઇર્વિન કરાર, 1931). તે મુજબ 1931માં લંડનમાં મળેલી બીજી ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસે એકલા ગાંધીજીને જ પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા; પરંતુ આ પરિષદમાં કોમી પ્રશ્ને મડાગાંઠ ઊભી થતાં ગાંધીજી ભારોભાર નિરાશા સાથે પાછા ફર્યા. તેમણે હિંદને કિનારે પગ મૂક્યો કે તુરત જ તેમની ધરપકડ કરવામાં આવી અને ફરી વખત દેશભરમાં સત્યાગ્રહની લડત શરૂ થઈ.
દરમિયાન બ્રિટિશ સરકારે 1935ના કાયદા દ્વારા પ્રાંતોને મર્યાદિત સ્વરૂપની ‘સ્વાયત્તતા’ આપી. તે અનુસાર 1936-37માં પ્રાંતોમાં ધારાસભાઓની ચૂંટણીઓ થઈ જેમાં મુંબઈ, ચેન્નાઈ, સંયુક્ત પ્રાંત (યુ. પી.), બિહાર, ઓરિસા અને મધ્યપ્રદેશની ધારાસભાઓમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી. આ પ્રાંતોના ગવર્નરો કૉંગ્રેસી પ્રધાનમંડળોનાં રોજબરોજનાં કાર્યોમાં દખલગીરી નહિ કરે તેવી વાઇસરૉય તરફથી બાંયધરી મળતાં 1937ના જુલાઈમાં ત્યાં કૉંગ્રેસે પ્રધાનમંડળો રચ્યાં. બાકીના પ્રાંતોમાં (બંગાળ, આસામ, વાયવ્ય સરહદ, સિંધ અને પંજાબ) કૉંગ્રેસ મુસ્લિમ લીગના સહકારથી મિશ્ર પ્રધાનમંડળો રચી શકત; પરંતુ લીગ તરફથી તેને સહકાર ન મળતાં ત્યાં ગવર્નરોની પસંદગીના સભ્યો પ્રધાન બન્યા.
કૉંગ્રેસી પ્રધાનમંડળોએ 1937થી 1939 દરમિયાન પ્રાંતોમાં સંસદીય લોકશાહીનો સુંદર અમલ કરી બતાવ્યો. તેમણે દરેક જગ્યાએ પ્રાથમિક કેળવણી, નશાબંધી, જમીન-સુધારણા, ગ્રામવિકાસ, ખેડૂતોની ઋણ-મુક્તિ, પછાત વર્ગની ઉન્નતિ વગેરે બાબતોમાં નોંધપાત્ર સુધારા કર્યા. તેમની સત્યનિષ્ઠા, સેવાભાવના અને કર્તવ્યપરાયણતાની ખુદ અંગ્રેજ ગવર્નરોને પણ પ્રશંસા કરવી પડી; પરંતુ 1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશ સરકારે હિંદના લોકોની ઇચ્છા જાણ્યા વગર જ તેને પોતાની સાથે યુદ્ધમાં સામેલ કરી દીધું અને કૉંગ્રેસની વિનંતી છતાં યુદ્ધના હેતુઓ વિશે સ્પષ્ટતા ન જ કરી ત્યારે છએ પ્રાંતોનાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં.
1940ના ઑગસ્ટમાં બ્રિટિશ સરકારે યુદ્ધ પૂરું થયા પછી હિંદનું નવું બંધારણ ઘડવા માટે બંધારણસભાની રચના કરવાની તથા યુદ્ધ સમય દરમિયાન ગવર્નર-જનરલની કાઉન્સિલમાં વધારે હિંદી સભ્યો લેવાની દરખાસ્ત કરી (ઑગસ્ટ ઑફર); પરંતુ આ દરખાસ્તમાં હિંદને સ્વશાસન ક્યારે આપવામાં આવશે તેની સ્પષ્ટતા ન હતી, તેથી કૉંગ્રેસે આ દરખાસ્ત ફગાવી દીધી અને ગાંધીજીની આગેવાની નીચે ઑક્ટોબરમાં ‘વ્યક્તિગત સત્યાગ્રહ’ની ચળવળ શરૂ થઈ. બીજી બાજુ મુસ્લિમ લીગે પણ ‘ઑગસ્ટ ઑફર’ ફગાવી દઈને પાકિસ્તાન માટેની માગણી કરી. 1942માં બ્રિટિશ સરકારે ફરી વખત ક્રિપ્સ દરખાસ્ત મૂકી જેમાં હિંદને વહેલામાં વહેલી તકે સ્વશાસન આપવાનું, નવા બંધારણ માટે બંધારણસભા રચવાનું, દેશી રાજ્યો અને પ્રાંતોનો હિંદ સંઘ રચવાનું તથા વચગાળાની યોજના તરીકે વાઇસરૉયની કાઉન્સિલમાં વધારે હિન્દી સભ્યો લેવાનું અને સંરક્ષણ સિવાયનાં બધાં જ ખાતાં તેમને સોંપી દેવાનું વચન આપવામાં આવ્યું હતું; પરંતુ ગાંધીજીએ સંરક્ષણ ખાતું પણ હિંદી સભ્યને સોંપવું જોઈએ તેવો આગ્રહ કર્યો, જે માન્ય ન રખાતાં કૉંગ્રેસે ક્રિપ્સ દરખાસ્તો ફગાવી દીધી. તે પછી 8મી ઑગસ્ટે કૉંગ્રેસની મહાસમિતિના મુંબઈ મુકામે મળેલા અધિવેશનમાં ગાંધીજીનો ઐતિહાસિક ‘હિંદ છોડો’ ઠરાવ પસાર થયો અને 9 ઑગસ્ટથી ‘હિંદ છોડો’ આંદોલન શરૂ થયું. આ આંદોલન અત્યંત સફળ રહ્યું.
હિંદ છોડો આંદોલન : બીજું વિશ્વયુદ્ધ (1939-45) શરૂ થતાં ભારતની કેન્દ્રીય ધારાસભા અને પ્રાંતોનાં પ્રધાનમંડળોને વિશ્વાસમાં લીધા વિના વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ ભારતને યુદ્ધમાં સંડોવ્યું. તેના વિરોધમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામું આપ્યું. સરકારી અમલદારોના આપખુદ શાસન નીચે માપબંધી, કાળાં બજાર, કાળાં નાણાંનો સંચય તથા અન્ય દૂષણોનો જન્મ થયો. બ્રિટિશ સરકારે ભારતની સાંસ્થાનિક સ્વરાજની માગણી ઠુકરાવી. આથી 1940ના ઑગસ્ટમાં કૉંગ્રેસ કારોબારીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવા ઠરાવ કર્યો, પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. જાપાન આ યુદ્ધમાં જોડાતાં સ્ટૅફર્ડ ક્રિપ્સને વિષ્ટિ માટે મોકલ્યા, પણ ક્રિપ્સ પ્રસ્તાવમાં દેશી રાજ્યોની પ્રજાની અવગણના તથા મુસ્લિમ લીગની માગણી માન્ય કરેલી જોતાં કૉંગ્રેસે આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો અને 8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં ગોવાલિયા ટૅન્ક (નવું નામ ઑગસ્ટ ક્રાંતિ મેદાન) પર મળેલી કૉંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ આંદોલન શરૂ કરતો ઠરાવ કર્યો. શાળા-કૉલેજોએ છથી આઠ માસ તથા અમદાવાદની મિલોએ સાડા ત્રણ માસ સુધી હડતાળ રાખી. સમગ્ર સરકારી તંત્ર થંભાવવા પ્રયત્નો કરાયા. અમદાવાદમાં તથા અન્યત્ર બૉમ્બ બનાવી ભાંગફોડ કરાઈ. લડતને વેગ આપવા છૂપી પત્રિકાઓનું પ્રકાશન પણ કરાયું હતું. આ લડતની અમદાવાદ, ખેડા, ભરૂચ અને સૂરતમાં વિશેષ અસર હતી. લડતનો દોર યુવકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ હાથમાં લીધો હતો. હિંસાના બનાવથી ગાંધીજીએ વ્યથિત થઈ 21 દિવસના ઉપવાસ કર્યા હતા. છેવટે ગાંધીજીને મલેરિયા થતાં 1944માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારત બહારના ભારતીયોએ તથા સૈનિકોએ આઝાદ હિંદ ફોજ રચી ભારતમાં વિદેશી શાસનનો સામનો કર્યો હતો. આ બધાંને પરિણામે ભારત છોડવું પડશે એવી બ્રિટિશ સત્તાને ખાતરી થઈ ગઈ હતી.
બીજી બાજુ કૉંગ્રેસમાંથી 1939માં છૂટા પડેલા સુભાષચંદ્ર બોઝે હિંદની બહાર જઈને જાપાનના સહકારથી રચાયેલી આઝાદ હિંદ ફોજ(1942)નું નેતૃત્વ સ્વીકાર્યું. તેમના નેતૃત્વ નીચે 1943માં આઝાદ હિંદ ફોજે મ્યાનમારમાં થઈને ભારતની સીમા ઉપર ધસારો કર્યો; આને કારણે હચમચી ઊઠેલી બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ફરી એક પ્રયત્ન કર્યો. વાઇસરૉય લૉર્ડ વેવેલે 1945માં વચગાળાની સરકારમાં હિંદી લોકોને પ્રધાન તરીકે લેવાની તૈયારી દર્શાવી; પરંતુ તેમાંના મુસ્લિમ સભ્યો અંગે કૉંગ્રેસને ઝીણા સાથે મતભેદ પડતાં આ યોજના પડતી મૂકવામાં આવી. વિશ્વયુદ્ધ પૂરું થયું (ઑગસ્ટ, 1945). 1946ના ફેબ્રુઆરીમાં મુંબઈમાં નૌકાદળના નાવિકોએ બળવો કર્યો. કૉંગ્રેસે નાવિકોને બળવો પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી; (કૉંગ્રેસ કદી પણ પોતાની લડતમાં લશ્કરનો સાથ લેવાનું વિચારતી ન હતી.) પરંતુ બ્રિટિશ સરકારને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ. દરમિયાનમાં ઇંગ્લૅન્ડમાં નવી ચૂંટણીઓ થઈ. તેમાં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની હાર થઈ અને મજૂરપક્ષ સત્તા ઉપર આવ્યો. મજૂર-વડાપ્રધાન ક્લેમેન્ટ ઍટલીએ હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાના ઉદ્દેશ સાથે પોતાના પ્રધાનમંડળના ત્રણ આગેવાન સભ્યોના બનેલા એક પ્રતિનિધિમંડળ(જે ‘કૅબિનેટ-મિશન’ કહેવાયું)ને ભારત મોકલ્યું. આ કૅબિનેટ-મિશને ભારતીય નેતાઓ સમક્ષ જે યોજના મૂકી તેમાં અખંડ હિંદ, હિંદુ બહુમતી અને મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોનાં જૂથોની રચના, નવું બંધારણ ઘડવા માટે બંધારણસભા તથા બંધારણના અમલનાં 10 વર્ષ પછી કોઈ પણ પ્રાંત કે જૂથને સંઘમાંથી નીકળી જવાની છૂટ વગેરે મહત્વની બાબતોનો સમાવેશ થતો હતો. વળી હિંદના જે રાજકીય પક્ષો આ યોજના સ્વીકારે તેમને કેન્દ્રમાં વચગાળાની સરકારમાં પ્રધાન તરીકે લેવાની દરખાસ્ત પણ આ યોજનામાં હતી.
આ દરખાસ્તને કારણે આ યોજનાની અન્ય જોગવાઈઓ પસંદ ન હોવા છતાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજના સ્વીકારી. તે પછી તુરત જ આ યોજના પ્રમાણે બંધારણસભાની ચૂંટણી કરવામાં આવી. તેમાં કૉંગ્રેસને જંગી બહુમતી મળી. તેથી રોષે ભરાઈને મુસ્લિમ લીગે 1946ની 16 ઑગસ્ટે પાકિસ્તાન માટે ‘સીધાં પગલાં દિન’ ઊજવવાનો આદેશ આપ્યો. આને કારણે દેશભરમાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો ફાટી નીકળ્યાં. દરમિયાનમાં કૅબિનેટ-મિશન યોજના પ્રમાણે કૉંગ્રેસે 1946ની 21 સપ્ટેમ્બરે પંડિત જવાહરલાલ નેહરુની નેતાગીરી નીચે વચગાળાના પ્રધાનમંડળની રચના કરી. મુસ્લિમ લીગે પણ શરૂઆતના બહિષ્કાર પછી આ વચગાળાના પ્રધાનમંડળમાં જોડાવાનું પસંદ કર્યું; પરંતુ તેના પ્રધાનોએ પ્રધાનમંડળમાં સહકારને બદલે સંઘર્ષનું વાતાવરણ ઊભું કર્યું. મુસ્લિમ લીગે બંધારણસભાનો બહિષ્કાર કર્યો હતો, તેથી તેની ગેરહાજરીમાં 1946ની 9 ડિસેમ્બરે બંધારણસભાની પ્રથમ બેઠક મળી, જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદને બંધારણસભાના પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા. તે પછી બંધારણસભાએ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય શરૂ કર્યું.
1947ની 20 ફેબ્રુઆરીએ બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ વહેલામાં વહેલી તકે હિંદને સ્વતંત્રતા આપવાનું જાહેર કરી, તે કાર્ય ઝડપી બનાવવા માટે લૉર્ડ માઉન્ટબૅટનને વાઇસરૉય તરીકે હિંદ મોકલ્યા; પરંતુ હિંદને સ્વતંત્રતા મળવાની જાહેરાતથી મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા ફરી વખત ‘સીધાં પગલાં’નો આદેશ આપ્યો, જેને પરિણામે દેશભરમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. આવા સંજોગોમાં હિંદની એકતા અને અખંડિતતા જાળવવાનું મુશ્કેલ લાગતાં વાઇસરૉય લૉર્ડ માઉન્ટબૅટને 1947ની 3 જૂને હિંદના ભારત અને પાકિસ્તાન એવા બે સ્વતંત્ર ભાગ પાડતી યોજના જાહેર કરી. આ માઉન્ટબૅટન યોજનાથી દેશભરમાં નિરાશા અને આઘાત વ્યાપી ગયાં; તેમ છતાં કૉંગ્રેસે અમુક વ્યવહારુ કારણોસર દેશના ભાગલા સ્વીકારી લીધા. તે પછી બ્રિટિશ પાર્લમેન્ટે 1947ના જુલાઈમાં ‘હિંદ સ્વાતંત્ર્યધારો’ પસાર કર્યો. તે મુજબ 15 ઑગસ્ટ, 1947ના દિવસે વિભાજિત હિંદ સ્વતંત્ર થયું. તે જ દિવસથી દેશી રાજ્યો ઉપરથી પણ બ્રિટિશ તાજની હકૂમતનો અંત આવ્યો અને તેમને હિંદી સંઘ કે પાકિસ્તાન સાથે જોડાવાની અથવા તો સ્વતંત્ર રહેવાની છૂટ મળી.
સ્વાતંત્ર્ય–પ્રાપ્તિ પછીની કૉંગ્રેસ : આઝાદીની સમગ્ર લડત દરમિયાન અને ખાસ કરીને ગાંધીજીના આગમન પછી, કૉંગ્રેસના રાજકીય તેમજ રચનાત્મક સેવાકાર્ય (અસ્પૃશ્યતાનિવારણ, ખાદી અને સ્વદેશીનો ઉપયોગ, નિરક્ષરતાનિવારણ, નશાબંધી, કોમી એકતા, મહિલાકલ્યાણ, ગ્રામોદ્ધાર વગેરે) – એમ બંને પાસાં સાથોસાથ વિકાસ પામ્યાં હતાં; એટલું જ નહિ, પરંતુ આ બંને પાસાં એકબીજામાં એવાં ભળી ગયાં હતાં કે એક વિના બીજાની કલ્પના પણ થઈ શકતી ન હતી. જોકે લોકમાનસમાં તો લોકજીવનને સીધી રીતે સ્પર્શતું એવું રચનાત્મક કાર્યનું પાસું જ વધુ સ્વીકૃતિ પામ્યું હતું (તે સમયે તો આઝાદીની લડતને પણ રાજકીય ર્દષ્ટિ કરતાં રાષ્ટ્રધર્મની ભાવનાથી વધારે જોવામાં આવતી હતી.) કૉંગ્રેસના આ રચનાત્મક પાસાને કારણે જ તે દેશભરનાં હજારો ગામડાં અને લાખો લોકોના હૃદય સુધી પહોંચી શકી હતી. કૉંગ્રેસી એટલે ‘ગાંધી બાપુનો માણસ’, કૉંગ્રેસી એટલે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવા, સાદાઈ અને દેશપ્રેમનું મૂર્તિમંત પ્રતીક એવી જનમાનસમાં કાગ્રેસના અગ્રગણ્ય નેતાથી માંડીને નાનામાં નાના કાર્યકરની ઓળખ ઊભી થઈ હતી.
પરંતુ આઝાદી પછી આ પરિસ્થિતિમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું. ગાંધીજીએ તો આઝાદી આવી તે પહેલાં જ 1947ની 3 ઑગસ્ટે ‘હરિજનબંધુ’માં એક આર્ષદ્રષ્ટાની હેસિયતથી કૉંગ્રેસના ભાવિ સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિશે ઇશારો કર્યો હતો કે કૉંગ્રેસે જો દેશમાં એક શક્તિશાળી અને અસરકારક બળ તરીકે જીવવું હોય તો તેણે રચનાત્મક કાર્યને વરેલા એક સંઘ તરીકે પરિવર્તિત થઈ જવું જોઈએ; પરંતુ તે સમયના દેશના સંજોગોએ આ બાબત લગભગ અશક્ય બનાવી દીધી. વાસ્તવમાં, આ સંજોગોમાં કૉંગ્રેસ ઉપર જે રાજકીય જવાબદારીઓ આવી પડી હતી તેણે તેને સંપૂર્ણપણે રાજકીય પક્ષ જ બનાવી દીધો. આઝાદી પછીના દેશના આ રાજકીય તેમજ સામાજિક સંજોગો તથા કૉંગ્રેસના નેતાઓની ધ્યેયનિષ્ઠા અને ઉત્તમ પ્રકારની દેશભક્તિને કારણે, આઝાદી પછીના લગભગ દોઢ દાયકા સુધી ભારતીય રાજકારણમાં કૉંગ્રેસ પક્ષનું જ પ્રભુત્વ રહ્યું. કૉંગ્રેસનું રાષ્ટ્રવાદી સંસ્થાન તરીકેનું કલેવર નાનું અને નાનું બનતું ગયું. 1950ની 26 જાન્યુઆરીએ સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી થયેલી 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં તથા તે પછીની 1957 અને 1962ની ચૂંટણીઓમાં એમ સતત પ્રથમ ત્રણ ચૂંટણીઓમાં, કેન્દ્રમાં તથા મોટા ભાગનાં રાજ્યોમાં કૉંગ્રેસનો જ્વલંત વિજય થયો અને લગભગ સમગ્ર દેશમાં તેનું એકચક્રી શાસન રહ્યું તેમ કહી શકાય. એથી ભારતમાં એક-પક્ષ-પ્રભાવી પ્રથા વિકસી. પંડિત જવાહરલાલ નેહરુએ 1946(વચગાળાની સરકાર)થી 1964માં તેમના અવસાન સુધી સતત 18 વર્ષ સુધી કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે કેન્દ્ર સરકારના વડાપ્રધાનપદે ચૂંટાઈ આવીને સંસદીય લોકશાહીવાળા દેશોમાં વિક્રમ સર્જ્યો.
નેહરુ-યુગ દરમિયાન કેન્દ્રની કૉંગ્રેસી સરકારે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોની સમસ્યા હલ કરી. ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં જોડાણ અને વિલીનીકરણ સંપૂર્ણ બન્યું તથા જૂનાગઢ, હૈદરાબાદ, ગોવા અને કાશ્મીરના પ્રશ્નો ઉકેલાયા. તે ઉપરાંત ભાષાવાર રાજ્ય-પુનર્રચના, આયોજન દ્વારા આર્થિક વિકાસ, લોકશાહી સમાજવાદની સ્થાપના, અસ્પૃશ્યતાનિવારણ, જમીનદારી-નાબૂદી, દારૂબંધી વગેરેને આ સમય દરમિયાનની કૉંગ્રેસી સરકારોની સિદ્ધિઓમાં ગણાવી શકાય. વળી આ જ સમયમાં વિશ્વમાં ભારતને એક સ્થિર તથા વિશ્વની સૌથી મોટી લોકશાહીવાળા અને શાંતિપ્રિય દેશ તરીકેની પ્રતિષ્ઠા મળી તથા તે વિશ્વમાં બિન-જોડાણવાદી આંદોલનનું નેતા બન્યું. આ રીતે સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના સંક્રાન્તિકાળ દરમિયાન ભારતને કપરા સંજોગોમાં પણ રાજકીય સ્થિરતા અર્પી, બાળ-લોકશાહીના પાયા ર્દઢ કરવાનું શ્રેય કૉંગ્રેસ પક્ષના તે સમયના નેતાઓને ફાળે જાય છે.
આ અરસામાં કૉંગ્રેસ-પક્ષમાં ભિન્ન ભિન્ન વિચારસરણીઓ અને ધ્યેયોમાં માનનારા લોકો વચ્ચે મતભેદો શરૂ થઈ ચૂક્યા હતા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન તેમની ભૂમિકાને લીધે સામ્યવાદીઓને તો છેક 1945માં જ કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તે ઉપરાંત છેક 1934થી જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, આચાર્ય નરેન્દ્ર દેવ વગેરે સમાજવાદી વિચારસરણી ધરાવતા પ્રગતિશીલ યુવાનોએ કૉંગ્રેસના જ એક પેટાવિભાગ તરીકે સમાજવાદી જૂથની સ્થાપના કરી હતી. હવે 1948ના ફેબ્રુઆરીમાં તેમણે કૉંગ્રેસમાંથી વિધિસર છૂટા પડીને સમાજવાદી પક્ષની સ્થાપના કરી. આ જ અરસામાં આચાર્ય કૃપાલાની જેવા પીઢ કૉંગ્રેસી નેતાએ મતભેદો અને વ્યક્તિગત મનદુ:ખને કારણે કૉંગ્રેસ છોડી. તેમણે 1951માં ‘કિસાન મજદૂર પ્રજા પક્ષ’ની સ્થાપના કરી. 1952માં આ પક્ષનું સમાજવાદી પક્ષ સાથે જોડાણ થતાં તેમાંથી ‘પ્રજા સમાજવાદી પક્ષ’ અસ્તિત્વમાં આવ્યો; પરંતુ ટૂંક સમયમાં જ તેમાંથી રામમનોહર લોહિયાની આગેવાની નીચે નવો ‘સંયુક્ત સમાજવાદી પક્ષ’ સ્થપાયો. મધુ લિમયે, કર્પૂરી ઠાકુર, રાજનારાયણ વગેરે આ પક્ષના નેતાઓ હતા. બીજી બાજુ કૉંગ્રેસે 1955માં અવાડી ખાતે મળેલા અધિવેશનમાં સમાજવાદી ઢબની સમાજરચનાના ક્રાન્તિકારી ધ્યેય સહિતનો કાર્યક્રમ સ્વીકાર્યો અને તેના અમલ માટે ખેતીક્ષેત્રે જમીનમાલિકીની ટોચમર્યાદા બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે તેનાથી નારાજ થઈને ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી), પ્રો. રંગા, મીનુ મસાણી, કનૈયાલાલ મુનશી વગેરે આગેવાન નેતાઓએ કૉંગ્રેસમાંથી છૂટા પડીને 1959માં ‘સ્વતંત્ર પક્ષ’(જે જમણેરી કે રૂઢિચુસ્ત પક્ષ તરીકે ઓળખાવા લાગ્યો)ની સ્થાપના કરી. આમ કૉંગ્રેસ પક્ષ દેશના વર્તમાન સમયના ઘણા રાજકીય પક્ષોનો જનક બન્યો તેમ કહી શકાય.
પંડિત જવાહરલાલ નેહરુ અને કૉંગ્રેસની પ્રતિભાને 1962માં ભારત ઉપરના ચીની આક્રમણે જબરો ફટકો માર્યો. 1964ના મે માસમાં નેહરુનું અવસાન થતાં કૉંગ્રેસના નેહરુ યુગનો અંત આવ્યો.
કૉંગ્રેસ–પક્ષ માટે આંતરિક કટોકટીનો સમય : નેહરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી કૉંગ્રેસના અને દેશના સુકાની બન્યા. 1965માં પાકિસ્તાને કરેલા આક્રમણ સમયે ભારતની સેનાએ પ્રાપ્ત કરેલી સફળતામાં શાસ્ત્રીજીની ધીરજ અને હિંમતનો ઘણો મોટો ફાળો હતો. આ યુદ્ધમાં સફળતા પછી તુરત જ 1966ના જાન્યુઆરીમાં રશિયાના તાશ્કંદ મુકામે ભારત-પાકિસ્તાન શાંતિ-મંત્રણાઓ માટે ગયેલા પ્રધાનમંત્રી શાસ્ત્રીજીનું અચાનક અવસાન થયું. આ પછી પક્ષના નેતાઓના દબાઈ ગયેલા મતભેદો સપાટી ઉપર આવ્યા અને પક્ષમાં નેતૃત્વ (તથા સત્તા) માટેની તીવ્ર હરીફાઈ અને ખટપટો શરૂ થઈ. પક્ષનો અને સરકારનો દોર હાથમાં રાખવાના આશયથી પક્ષમાં ‘સિન્ડિકેટ’ તરીકે ઓળખાતું મોરારજી દેસાઈ, કામરાજ, સદોબા પાટીલ, નિજલિંગપ્પા અને અતુલ્ય ઘોષ જેવા પીઢ નેતાઓનું એક જૂથ ઊભું થયું. તેણે પક્ષના નેતા તરીકે મોરારજી દેસાઈને આગળ કર્યા, પરંતુ આખરે સર્વસંમતિ(consensus)થી શ્રીમતી ઇન્દિરા ગાંધીને કાગ્રેસના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં.
કૉંગ્રેસના આ આંતરકલહ, જૂથબંધી અને સત્તાની ખેંચતાણને કારણે 1967માં થયેલી લોકસભાની ચોથી ચૂંટણીમાં કૉંગ્રેસ-પક્ષ સારો દેખાવ કરી શક્યો નહિ. તેને લોકસભામાં પાતળી બહુમતી (518 બેઠકોમાંથી 283) મળી તથા કેરળ, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ અને ઓરિસામાં તે રાજ્ય-સરકારો રચી શક્યો નહિ. આ ચૂંટણી પછી વડાપ્રધાનપદ માટે ફરી વખત સંઘર્ષ થયો. શ્રીમતી ઇન્દિરા ગાંધી સામે મોરારજી દેસાઈએ ફરી વખત પક્ષના નેતૃત્વ માટે દાવો કર્યો. આખરે તેમને નાયબ વડાપ્રધાનનો હોદ્દો આપીને તોડ કાઢવામાં આવ્યો. કૉંગ્રેસ-પક્ષની કટોકટી તે સમય પૂરતી ટળી ગઈ; પરંતુ તે પછી પક્ષની સંસ્થાકીય અને સંસદીય પાંખો વચ્ચે મતભેદો વધતા ગયા. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી ઘણી બાબતમાં સંસ્થાના ટોચના નેતાઓની ઉપેક્ષા કરવા લાગ્યાં. પરિણામે પક્ષના પીઢ નેતાઓ અને વડાપ્રધાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો; પરંતુ આ સંઘર્ષમાં વડાપ્રધાનને પક્ષમાં અને સંસદમાં પણ પક્ષના યુવાન વર્ગનો ટેકો મળી રહ્યો. એક યા બીજા કારણસર પ્રધાનમંડળના જગજીવનરામ, ફખરુદ્દીન અલી અહમદ, યશવંતરાવ ચવાણ વગેરે મહત્વના સભ્યો પણ વડાપ્રધાનના પ્રબળ સમર્થક બન્યા. આખરે 1969ના જુલાઈમાં બૅંગલોર મુકામે મળેલી કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં બકોના રાષ્ટ્રીયકરણના પ્રશ્ને કૉંગ્રેસ-પક્ષના આંતરિક મતભેદો ખુલ્લી રીતે બહાર આવ્યા. તે જ રીતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સિન્ડિકેટના નામે ઓળખાતા નેતાઓએ નીલમ સંજીવ રેીને પસંદ કર્યા; પરંતુ તેમની સામે ઉપરાષ્ટ્રપતિ વરાહગિરિ વ્યંકટગિરિ વડાપ્રધાન અને તેમના જૂથના પરોક્ષ ટેકાથી રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી ગયા.
તે પછી વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ પાસેથી નાણાખાતું લઈ લીધું. તેને પરિણામે કૉંગ્રેસ-પક્ષની કારોબારીએ 1969ના નવેમ્બરમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીને કૉંગ્રેસ-પક્ષમાંથી બરતરફ કર્યાં ! પરંતુ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસદીય પક્ષમાં પોતાની બહુમતી પુરવાર કરી. તે પછી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ નીચે સમાંતર કૉંગ્રેસ અસ્તિત્વમાં આવી. તે પછીથી ઇન્દિરા કૉંગ્રેસ એટલે કૉંગ્રેસ-આઇ તરીકે ઓળખાવા લાગી. આમ કૉંગ્રેસમાં ભાગલા પડ્યા અને 1907ની સૂરત કૉંગ્રેસના ઇતિહાસનું જાણે કે પુનરાવર્તન થયું. ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસ ‘શાસક કૉંગ્રેસ’ તરીકે અને જૂની કૉંગ્રેસ ‘સંસ્થા કૉંગ્રેસ’ તરીકે ઓળખાવા લાગી.
કૉંગ્રેસ-પક્ષના આ ભંગાણની અસર સંસદનાં બંને ગૃહોમાં, રાજ્યની વિધાનસભાઓમાં, જિલ્લાકક્ષાએ તથા ગ્રામકક્ષાએ પણ પડી. બધી જ જગ્યાએ કૉંગ્રેસના બે ભાગલા પડ્યા. કૉંગ્રેસ સત્તાલક્ષી બની. તેનું રાષ્ટ્રહિતલક્ષી કલેવર લગભગ અર્દશ્ય બન્યું. લોકસભામાં પોતાની કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં અપક્ષો અને કેટલાક વિરોધી પક્ષોનો ટેકો મેળવીને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સત્તા ઉપર ટકી રહ્યાં. તેમણે ભારતની 14 મોટી બકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આ પછી ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારો નાબૂદ કરવા માટેનો ખરડો રજૂ કર્યો, જે લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયો, પરંતુ રાજ્યસભામાં બહુમતીમાં 1 મત ખૂટતાં તે પસાર ન થઈ શક્યો. પરિણામે રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા રાજવીઓનાં સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારો નાબૂદ કરવામાં આવ્યાં; પરંતુ સર્વોચ્ચ અદાલતે આ વટહુકમને ગેરબંધારણીય ઠરાવી રદ કર્યો. આ પછી સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ઇન્દિરા ગાંધીએ 1970ના ડિસેમ્બરમાં લોકસભાનું વિસર્જન કરાવ્યું. આ રીતે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જ મુદત પૂરી થતા પહેલાં લોકસભાનું વિસર્જન થયું.
પુન: એક પક્ષના પ્રભુત્વનો યુગ – ઇન્દિરાયુગ : 1971ના માર્ચમાં લોકસભાની પાંચમી મધ્યસત્રી ચૂંટણીઓ થઈ. તેમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળા શાસક કૉંગ્રેસ-પક્ષે લોકસભામાં બહુમતી (516માંથી 350 બેઠકો) પ્રાપ્ત કરી; જ્યારે નિજલિંગપ્પાના નેતૃત્વવાળી સંસ્થા-કૉંગ્રેસ, સ્વતંત્ર-પક્ષ અને જનસંઘના સંયુક્ત મોરચાનો રકાસ થયો. શાસક કૉંગ્રેસના આ ભવ્ય વિજય પછી બંધારણીય સુધારા દ્વારા ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં અને વિશિષ્ટ અધિકારો નાબૂદ કરવામાં આવ્યાં. પૂર્વ બંગાળમાં પાકિસ્તાની સરમુખત્યારશાહીએ આચરેલા દમનથી ભારતને આંગણે આશરે 95 લાખ જેટલા બંગલા-શરણાર્થીઓ આવ્યા, જેમણે દેશ સમક્ષ મોટી સમસ્યા ઉપસ્થિત કરી. વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ યુરોપ-અમેરિકાનો પ્રવાસ કરી આ બંગલા-શરણાર્થીઓની સમસ્યા વિદેશોને સમજાવવાની કોશિશ કરી, દરમિયાનમાં 8 ઑગસ્ટ, 1971ના દિવસે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક વીસ-વર્ષીય મૈત્રી કરાર થયા જે ઇન્દિરા ગાંધીની સરકારની મહત્વની સિદ્ધિ હતી. (આ કરારને 1991ની 8 ઑગસ્ટે બીજાં વીસ વર્ષ લંબાવવામાં આવ્યો છે.) છેલ્લે 1971ના ડિસેમ્બરમાં પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કરતાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જેમાં ભારતનો વિજય થયો અને બાંગ્લા દેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ બધાં કારણોથી ભારત અને ઇન્દિરા ગાંધીનાં પ્રભાવ અને પ્રતિષ્ઠામાં ઘણો વધારો થયો. આનો લાભ તેમને 1972ના માર્ચ મહિનામાં યોજાયેલી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં મળ્યો. આ ચૂંટણીઓમાં બધી જ જગ્યાએ તેમનો શાસક કૉંગ્રેસ-પક્ષ ભારે બહુમતીથી વિજય પામ્યો. તે રીતે કેન્દ્રની સાથે રાજ્યોમાં પણ શાસક કૉંગ્રેસ-પક્ષનું પ્રભુત્વ સ્થપાઈ ગયું. ભારતમાં ફરી વખત એક પક્ષના પ્રભુત્વનો યુગ આવ્યો અને તે રીતે ઇતિહાસનું પુનરાવર્તન થયું.
પરંતુ 1975માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણીને અલ્લાહાબાદ હાઈકોર્ટે રદબાતલ ઠરાવતાં, તેમણે દેશભરમાં આંતરિક કટોકટી જાહેર કરી (26 જૂન, 1975). કટોકટીની આ પરિસ્થિતિ લગભગ પોણા બે વર્ષ (માર્ચ, 1977) સુધી રહી, જે દરમિયાન જનતાના નાગરિક અધિકારોનો અમલ મોકૂફ રખાયો હતો. જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ સહિત અનેક વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બધાંને કારણે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા ઓસરી ગઈ. આખરે લોકમતના ભારે દબાણ નીચે તેમને 1977ના માર્ચ મહિનામાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજવી પડી; પરંતુ લોકસભાની આ છઠ્ઠી ચૂંટણી ઇન્દિરા ગાંધી અને તેમના શાસક કૉંગ્રેસ પક્ષની વિરુદ્ધ ગઈ; તેમનો પોતાનો તથા શાસક કૉંગ્રેસના શંકર દયાળ શર્મા, સરદાર સ્વર્ણસિંગ, કે. ડી. માલવિયા, મનુભાઈ શાહ, વિદ્યાચરણ શુક્લ જેવા ઘણા અગ્રગણ્ય નેતાઓનો પરાજય થયો. વિરોધપક્ષોના બનેલા જનતાપક્ષના વરાયેલા નેતા મોરારજી દેસાઈએ ભારતમાં સૌપ્રથમ વખત ‘બિનકૉંગ્રેસી’ સરકારની રચના કરી. તે પછી રાજ્યોમાં પણ ચૂંટણીઓ કરાવવામાં આવી, જેમાં જનતાપક્ષને 10માંથી 7 રાજ્યોમાં બહુમતી પ્રાપ્ત થઈ; શાસક કૉંગ્રેસનો બધાં રાજ્યોમાં રકાસ થયો; પરંતુ જનતાપક્ષનો પ્રયોગ લાંબો ચાલ્યો નહિ. જુદા જુદા વિરોધપક્ષોમાંથી આવેલા નેતાઓના પરસ્પરના મતભેદો અને અંગત રાગદ્વેષને કારણે 1979ના જુલાઈમાં જનતા-સરકારનું પતન થયું. જનતાપક્ષના નેતા મોરારજી પછી સત્તા ઉપર આવેલા ચરણસિંગની સરકાર પણ લાંબું ન ટકી અને રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું (ઑગસ્ટ, 1979).
તે પછી 1980ના જાન્યુઆરીમાં લોકસભાની સાતમી ચૂંટણીઓમાં ‘કૉંગ્રેસ-આઇ’નો ભવ્ય વિજય થયો; પરંતુ આ સમયે કૉંગ્રેસનું જૂનું કલેવર છેદાઈ ચૂક્યું હતું. તે માત્ર સત્તાલક્ષી રાજકીય પક્ષ બની રહ્યો. (તેને લોકસભામાં 524માંથી 351 બેઠકો મળી હતી) અને ઇન્દિરા ગાંધી પુન: સત્તાસ્થાને આવ્યાં. તે પછી બીજે જ મહિને નવ રાજ્યોની બિન-કૉંગ્રેસી સરકારોને બરતરફ કરવામાં આવી. ત્યાં 1980ના મે મહિનામાં ચૂંટણીઓ કરવામાં આવી. જેમાં તમિલનાડુ સિવાયનાં આઠ રાજ્યોમાં કૉંગ્રેસ(આઇ)ને ભારે બહુમતી મળી. 1983ના માર્ચમાં ભારતને આંગણે નવી દિલ્હીમાં વિશ્વનાં બિનજોડાણવાદી રાષ્ટ્રોની સાતમી પરિષદ મળી; તેના પ્રમુખપદે ઇન્દિરા ગાંધીની વરણી થઈ. તેને કારણે દેશવિદેશમાં તેમની પ્રતિષ્ઠામાં જબરો વધારો થયો.
રાજીવ–યુગ : 1984ની 31 ઑક્ટોબરે શ્રીમતી ઇન્દિરા ગાંધીની તેમના નિવાસસ્થાને તેમના અંગરક્ષકો દ્વારા હત્યા થઈ. તે જ દિવસે તેમના જ્યેષ્ઠ પુત્ર અને રાજકીય નીતિરીતિથી ઓછા અજાણ એવા રાજીવ ગાંધીની કૉંગ્રેસ(આઇ)-પક્ષના તથા કૉંગ્રેસ(આઇ)-સંસદીય પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી. રાજીવ ગાંધીએ વડાપ્રધાન બન્યા પછી તુરત જ 1984ના ડિસેમ્બરમાં લોકસભાની આઠમી ચૂંટણીઓ કરાવી.
1984ના ડિસેમ્બરની આ ચૂંટણીઓમાં લોકસભામાં કૉંગ્રેસ-(આઇ)ની તરફેણમાં આવેલી વિક્રમ બહુમતી(508માંથી 401 બેઠકો)એ બતાવ્યું કે રાષ્ટ્રને રાજીવ ગાંધીની યુવાન નેતાગીરીમાં અભૂતપૂર્વ વિશ્વાસ હતો. આ ચૂંટણીઓ પછી 1985ના માર્ચમાં 11 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત વિસ્તારોમાં પણ વિધાનસભાઓની ચૂંટણીઓ કરાવવામાં આવી; જેમાં પણ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને સિક્કિમને બાદ કરતાં બાકીનાં રાજ્યોમાં કૉંગ્રેસ(આઇ)ને બહુમતી મળી. જૂની સંસ્થા-કૉંગ્રેસનું તો હવે નામમાત્રનું પણ અસ્તિત્વ રહ્યું નહિ; લોકો કૉંગ્રેસ(આઇ)ને જ ‘કૉંગ્રેસ’ તરીકે ઓળખવા લાગ્યા. આ કૉંગ્રેસ(આઇ)ના નેતાઓ પોતાની કૉંગ્રેસને ગાંધીજી અને નેહરુની કૉંગ્રેસની વારસદાર તરીકે ઓળખાવવા લાગ્યા. વાસ્તવમાં તે નવી કૉંગ્રેસ હતી, જે માત્ર ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી ઇરાદા ધરાવતી હતી. દરમિયાનમાં રાજીવ ગાંધીની અમુક નીતિવિષયક ભૂલોને કારણે તથા ખાસ તો ‘બોફોર્સ’ તોપના સોદાના ભ્રષ્ટાચારમાં તેમના મિત્રો સંડોવાયા હોવાના આક્ષેપોથી તેમની લોકપ્રિયતામાં ઘણી ઓટ આવી. વી. પી. સિંગ, ચંદ્રશેખર જેવા પીઢ નેતાઓએ કૉંગ્રેસ(આઇ)-માંથી છૂટા પડીને જનતાદળ નામના નવા રાજકીય પક્ષની રચના કરી, જેમાં કૉંગ્રેસ(આઇ)માંથી ઘણા અસંતુષ્ટો આવીને ભળ્યા. આ બધાને પરિણામે 1989ના નવેમ્બરમાં થયેલી લોકસભાની નવમી ચૂંટણીઓમાં રાજીવ ગાંધી તો ચૂંટાયા; પરંતુ તેમના કૉંગ્રેસ(આઇ)પક્ષે લોકસભામાં બહુમતી ગુમાવી. તેમ છતાં કૉંગ્રેસે (આઇ) 523માંથી 192 બેઠકો સાથે લોકસભામાં સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન તો પ્રાપ્ત કર્યું જ; પરંતુ રાજીવ ગાંધીએ સરકાર રચવાની અનિચ્છા દર્શાવતાં જનતાદળ અને અન્ય વિરોધ પક્ષોના બનેલા રાષ્ટ્રીય મોરચાના નેતા વિશ્વનાથ પ્રતાપસિંહે ડાબેરી પક્ષના તથા ભારતીય જનતાપક્ષના બાહ્ય ટેકાથી સરકારની રચના કરી. તે સાથે 1990ના ફેબ્રુઆરીમાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પણ જનતાદળનો ઘણાંખરાં રાજ્યોમાં વિજય થયો.
પરંતુ 1990ના નવેમ્બરમાં ભારતીય જનતાપક્ષે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતાં, વી. પી. સિંહ સરકારનું પતન થયું. તેમની જગ્યાએ જનતાદળના જ નેતા ચંદ્રશેખરે જનતાદળના 30 જેટલા સભ્યો સાથે જનતાદળ સમાજવાદી પક્ષની સ્થાપના કરી, કૉંગ્રેસ(આઇ)ના ટેકાથી સરકારની રચના કરી; પરંતુ 1991ના એપ્રિલમાં ચંદ્રશેખરે નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ(આઇ)ના દબાણને વશ થવાને બદલે રાજીનામું આપવાનું પસંદ કર્યું. આથી 1991માં ફરી વખત લોકસભાની દસમી ચૂંટણીઓ કરવામાં આવી. આ ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પછી 21 મેના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી સભામાં થયેલા બૉમ્બધડાકામાં કૉંગ્રેસ(આઇ)ના પ્રમુખ રાજીવ ગાંધીનું અવસાન થયું. તેમની જગ્યાએ તાત્કાલિક પી. વી. નરસિંહરાવને કૉંગ્રેસ(આઇ)ના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. રાજીવ ગાંધીના અચાનક અને આઘાતજનક અવસાનથી દેશના ડહોળાયેલા વાતાવરણને કારણે ચૂંટણી પંચે આ ચૂંટણીના મતદાનના બાકીના બે તબક્કાની ચૂંટણી ત્રણ અઠવાડિયાં સુધી મોકૂફ રાખી. તે પછી જુલાઈમાં આ મતદાન પૂરું થયું; પરંતુ આ ચૂંટણીઓમાં પણ લોકસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી. કૉંગ્રેસ(આઇ)-પક્ષ 511માંથી 234 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ફરી વખત બહાર આવ્યો. તેના સંસદીય પક્ષના નેતા તરીકે કૉંગ્રેસ (આઇ)ના પ્રમુખ પી. વી. નરસિંહરાવને જ પસંદ કરવામાં આવ્યા. પી. વી. નરસિંહરાવે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં કૉંગ્રેસ (આઇ) સરકારની રચના કરી. તેમને ઝારખંડ મુક્તિ મોરચાના ટેકાથી લોકસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત પણ કર્યો હતો.
1969માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ મૂળ કૉંગ્રેસમાંથી અલગ પડીને કૉંગ્રેસ(આઇ)-પક્ષની રચના કરી તે પછી 1972માં કૉંગ્રેસ(આઇ)ના પ્રમુખ તરીકે તેમની વિધિસર ચૂંટણી થઈ હતી; પરંતુ તે પછી 1991માં પી. વી. નરસિંહરાવની તેના પ્રમુખપદે પસંદગી થઈ ત્યાં સુધી ક્યારેય આ પક્ષના પ્રમુખની કે કારોબારીના સભ્યો અને હોદ્દેદારોની વિધિસર ચૂંટણી થઈ નથી. પક્ષે 1991ના ડિસેમ્બરમાં તેના તિરુપતિ અધિવેશનમાં 19 વર્ષે પહેલી વખત સંસ્થાકીય ચૂંટણીઓ કરી અને તેમાં પ્રમુખ તરીકે વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ ચૂંટાઈ આવ્યા. પક્ષમાં એક મત એવો પણ છે કે પક્ષના અગાઉના ઠરાવ મુજબ એક વ્યક્તિએ એકથી વધુ હોદ્દાઓ ધરાવવા ન જોઈએ. કૉંગ્રેસ(આઇ)ની પેટા કે સહયોગી સંસ્થાઓમાં કૉંગ્રેસ-સેવાદળ, મહિલા-કૉંગ્રેસ અને યુવા-કૉંગ્રેસને મુખ્ય ગણાવી શકાય. આ સંસ્થાઓ પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં ગણનાપાત્ર કાર્ય કરી રહી છે. મૂળ કૉંગ્રેસની જેમ કૉંગ્રેસ (આઇ) પક્ષનાં ધ્યેયોમાં પણ (1) દેશની એકતા અને અખંડિતતાની રક્ષા, (2) ગરીબી અને બેકારીની નાબૂદી, (3) સામાજિક તથા આર્થિક ન્યાયની સ્થાપના, (4) જ્ઞાતિવાદ અને કોમવાદનો વિરોધ તથા બિનસાંપ્રદાયિકતાની રક્ષા, (5) અસ્પૃશ્યતાનિવારણ, નિરક્ષરતા-નિવારણ અને અંત્યોદ્ધાર, તથા (6) આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિનજોડાણવાદ, બિનઆક્રમણ, શાંતિમય સહઅસ્તિત્વ, વિશ્વશાંતિ, વિશ્વમૈત્રી અને વિશ્વસહકારની નીતિનું અનુસરણ વગેરે આદર્શોનો સમાવેશ થાય છે. તેમ છતાં આ ધ્યેયો અને કાર્યક્રમોમાંથી મૂળ કૉંગ્રેસના રચનાત્મક કાર્યક્રમની ભાવના લગભગ અશ્ય થઈ ગઈ છે અને કૉંગ્રેસ(આઇ)ની ઓળખ એક રાજકીય પક્ષ તરીકેની જ રહી છે. કૉંગ્રેસના ધ્વજ (ત્રિરંગો અને વચ્ચે રેંટિયો) અને કૉંગ્રેસના વેદમંત્ર જેવું ગીત ‘વંદે માતરમ્’ તો હજુ પણ રહ્યાં છે, પરંતુ જેને માટે આઝાદીના સંગ્રામકાળમાં અનેક નામી-અનામી કાર્યકરોએ હસતે મુખે શહીદી વહોરી લીધી હતી તે ભાવનાત્મકતા ગુમાવી છે અને કૉંગ્રેસની ઓળખ હવે તેના ચૂંટણી-પ્રતીક(પહેલાં બે બળદની જોડી અને તે પછી ઇન્દિરા કૉંગ્રેસના ગાય અને વાછરડું અને છેલ્લે હાથનો પંજો)થી તથા ‘ગરીબી હઠાવ’, ‘કામ કરતી સરકાર’ કે ‘સ્થિર સરકાર’ જેવાં સૂત્રોથી થાય છે.
કૉંગ્રેસ : પી. વી. નરસિંહરાવ સરકારના નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે દેશના અર્થતંત્રને વૈશ્વિક સ્પર્ધાની દિશામાં લઈ જવા માટે સમાજવાદી ઢબની સમાજરચનાની લાઇસન્સ-પરમીટ રાજ્યની નીતિનો અંત આણ્યો અને પ્રચંડ આર્થિક વિકાસ માટે મુક્ત અર્થતંત્રની નીતિઓ દ્વારા દેશના અર્થતંત્રના દરવાજા ખોલતાં મુક્ત આર્થિક વિકાસનો માર્ગ મોકળો થયો. જોકે 1996ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ-પક્ષે બહુમતી ગુમાવી અને પક્ષપ્રમુખ તરીકે પી. વી. નરસિંહરાવે રાજીનામું આપ્યું. 1996માં સીતારામ કેસરી પક્ષના પ્રમુખ વરાયા. તે પછીના ત્રણેક વર્ષ કૉંગ્રેસ-પક્ષ એક હતાશ અને વેરવિખેર પક્ષ રહ્યો. પક્ષની અંદર નેતાઓ પક્ષ છોડવાની ધમકી સાથે મમત અને અહમ્ લડાવતા રહ્યા અને પક્ષ વિરવિખેર થઈ જાય તેવાં ચિહ્નો વરતાયાં.
1998માં સોનિયા ગાંધીને આ પક્ષના પ્રમુખ બનવા આમંત્રિત કરાયાં. તેઓ પક્ષપ્રમુખ બનતાં પક્ષ વેરવિખેર થવાનું જોખમ ઘટ્યું. ‘કૉંગ્રેસ કા હાથ, ગરીબ કે સાથ’ સૂત્ર સાથે 2002 અને 2003માં આ પક્ષ રાજ્યોની ચૂંટણીઓમાં વિજેતા બની સરકારો રચવા શક્તિશાળી બન્યો.
જુલાઈ, 2003માં સિમલા ખાતે વિચારમંથન-શિબિર યોજાયેલી, જેમાં ‘કૉંગ્રેસ કા હાથ, આમઆદમી કે સાથ’ના સંકલ્પ સાથે આ પક્ષે મે, 2004ની સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લીધો. ચૂંટણીને અંતે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) હેઠળ અન્ય પક્ષોના ટેકાથી કૉંગ્રેસ-પક્ષે કેન્દ્રમાં સરકારની રચના કરી. શ્રીમતી સોનિયા ગાંધી વડાપ્રધાનપદની ઑફરનો ઇનકાર કરી સંસદીય પક્ષનાં વડાં બન્યાં. પૂર્વ નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ 22 મે, 2004ના વડાપ્રધાન બન્યા. આ સરકાર મુખ્યત્વે ડાબેરી પક્ષોના ટેકાથી ચાલતી સરકાર હોવાથી મુશ્કેલીઓ છતાં કૉંગ્રેસ-પક્ષ સરકાર ટકાવી રાખવા સક્ષમ રહ્યો.
આ પક્ષની કામગીરીનું વિહંગાવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે સ્વાતંત્ર્ય બાદ લાંબા સમય સુધી સમગ્ર દેશ પર એકચક્રી શાસન કરનાર કૉંગ્રેસ-પક્ષ લગભગ 90 પછી હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. સરકારની રચના માટે તેને નછૂટકે અન્ય પક્ષો સાથે પક્ષીય જોડાણો કરવા પડ્યાં. શરદ પવાર જેવા પીઢ નેતા પક્ષમાંથી છૂટા પડ્યા અને રાષ્ટ્રીય કૉંગ્રેસ-પક્ષ(N.C.P.)ની રચના કરવામાં આવી.
1980માં ઇન્દિરા ગાંધીની સરકાર ફરી રચાઈ ત્યારે હરિયાણાના ભજનલાલે (જનતા સરકાર હતી.) તેનાં હસ્તકના વિધાનસભા સદસ્યો સાથે કૉંગ્રેસપ્રવેશ મેળવી સત્તા પરસ્તીનો વધુ એક મજબૂત પુરાવો આપ્યો અને નૈતિકતાનાં ધોરણોનો છેદ ઉડાડી મૂક્યો. 1990ના દાયકામાં પી. વી. નરસિંહરાવની સરકાર સમયે 1993માં બાબરી મસ્જિદનું પતન અને શિબુ સોરેન જેવા સાંસદોને ભારે લાલચ આપી પક્ષની તરફેણમાં ટકાવવામાં આવ્યા. એ દ્વારા આ પક્ષ નીતિમત્તાનાં મૂલ્યોને નેવે મૂકી ટકી રહ્યો. એ સાથે સ્વાતંત્ર્ય-આંદોલનની અને આઝાદીના ઊગમકાળની સેવાપરસ્ત કૉંગ્રેસ નખશિખ બદલાઈને સત્તાપરસ્ત બની રહી. માત્ર જૂનું નામ ચાલુ રાખવા સિવાય કાગ્રેસ-પક્ષ પાસે શેષ કશું બચ્યું નહોતું. ‘શાસક પક્ષ’ તરીકે ઓળખાનાર કૉંગ્રેસનો દ્બદ્બો લગભગ શૂન્ય અવસ્થાએ પહોંચી ચૂક્યો હતો.
આ દીર્ઘકાલીન પક્ષ રાષ્ટ્રીય નેતૃત્વની સૌથી મોટી કટોકટી અનુભવી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી પ્રભાવ અને કરિશ્માતી નેતૃત્વ ધરાવનાર એક પણ માતબર નેતા પક્ષ વિકસાવી શક્યો નથી. શ્રીમતી સોનિયા ગાંધી આ જવાબદારીમાં ઠીક ઠીક કામયાબ નીવડવા છતાં સર્વસ્વીકાર્ય અને સન્માન્ય નેતૃત્વની સમસ્યા આ પક્ષ હલ કરી શક્યો નથી. 2007ની ઘટનાઓનો વિચાર કરીએ તો એપ્રિલ, 2007થી રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં રાજકીય નેતૃત્વનો દોર હાથમાં લીધો છે. એ સાથે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને છેલ્લે રાહુલ ગાંધી – એમ નેહરુ-પરિવારની વંશપરંપરાગતતાની પકડ કૉંગ્રેસ-પક્ષ પર હાવી રહી છે. બીજું, ભારતીય રાજકારણમાં ‘આયારામ ગયારામ’ના જનક ભજનલાલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્રીજું, કેરળના પીઢ નેતા કરુણાકરન ફરી કૉંગ્રેસ-પક્ષમાં જોડાયા. આમ કૉંગ્રેસના આંતરિક કલેવરમાં ભારે પરિવર્તનો આવ્યાં છે.
રાજ્યકક્ષાની કે દેશની સામાન્ય ચૂંટણીઓમાં પક્ષની સત્તાભિમુખતા અને સોદાબાજીનું રાજકારણ છાનાં રહી શકતાં નથી. સત્તા પાછળ ભમતા અન્ય પક્ષો અને કૉંગ્રેસ જેવો વરિષ્ઠ પક્ષ એક જ પંથના પ્રવાસીઓ હોય તેમ લાગે છે. નૈતિકતા, સામાજિકતા અને લોકશાહી મૂલ્યોનું ભારે ધોવાણ સહજ બન્યું છે. અન્ય પક્ષો સાથે જ્યાં અને જ્યારે જરૂર ઊભી થાય ત્યાં અને ત્યારે તકવાદી જોડાણો કરી સાથી પક્ષોને ઓછામાં ઓછી ભાગબટાઈ કરી વધુમાં વધુ લાભ ખાટી લેવાના પેંતરામાં આ વરિષ્ઠ પક્ષ પણ સામેલ થાય છે. લોકશાહી મૂલ્યોનો છેદ ઉડાડી રાજકીય જીવનમાં પ્રસરતી જતી ઊધઈ આમઆદમીને હતાશાની ઊંડી ગર્તામાં ધકેલી દે છે. પક્ષ, પક્ષની નિષ્ઠા અને રાજકીય સમજની અપરિપક્વતા આ પક્ષને નવી જ સમસ્યાઓ ભણી ખેંચી જાય છે.
કૉંગ્રેસ (ગુજરાત)
ગુજરાત પ્રદેશમાંની રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા. 1885માં શરૂ થયેલી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ એક રાષ્ટ્રીય ચળવળ, દેશવ્યાપી પક્ષ તથા ભારતના સ્વાતંત્ર્યયુદ્ધના મુખ્ય વાહન તરીકે સ્થાન પામી તે સાથે તે રાષ્ટ્રના ખૂણે ખૂણે પ્રસરી. ગુજરાતમાં પૂર્વે તેની સ્થાપનાની પશ્ચાદ્-ભૂમિકા રૂપે અનેક નાનામોટા ઉન્મેષો પ્રગટ થઈ ચૂક્યા હતા.
ઓગણીસમી સદીની અધવચ જે કેટલીક ઘટનાઓ બની તેમાં તે સમયના લોકોમાં શરૂ થયેલી રાજકીય જાગૃતિનાં દર્શન થાય છે. 1844માં સૂરતમાં આવેલા મીઠાના કર વિરુદ્ધ સભા, સરઘસ અને પછી આશરે 30,000 લોકોની ત્રણ દિવસની લાગલાગટ હડતાળનાં કારણોથી મીઠાવેરો પડતો મુકાયો. 1848માં દાખલ કરાયેલા બંગાળી તોલમાપ વિરુદ્ધની હડતાળ, 1860ના આવકવેરાનો વિરોધ, 1878ના લાઇસન્સ વેરાનો વિરોધ વગેરે ઘટનાઓ સૂચક હતી.
1844માં સૂરતમાં માનવધર્મસભા, 1848માં અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, 1871માં પ્રાર્થનાસભા અને 1875માં આર્યસમાજ તથા 1878માં થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપનાથી ગુજરાતભરમાં નવી ચેતના અને રાષ્ટ્રીય ભાવનાનો ઉદય થયો. તેના ફળસ્વરૂપે 1871માં સૂરત અને ભરૂચમાં અને 1872માં અમદાવાદમાં લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા મુખ્યત્વે વકીલો અને વેપારીઓએ પ્રજાસમાજની સ્થાપના કરી હતી. આ પ્રવૃત્તિ થોડો વખત ચાલ્યા પછી બંધ પડી હતી, પણ 1882માં સૂરતમાં પ્રજાહિતરક્ષક સભા આ હેતુસર સ્થપાઈ હતી. હરિલાલ હર્ષદ ધ્રુવ તેના આગેવાન હતા. 1875માં હરગોવિંદદાસ કાંટાવાળા અને અંબાલાલ સાકરલાલ દેસાઈએ સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળની સ્થાપના કરી હતી અને તેની શાખાઓ સૂરત, ભરૂચ અને રાજકોટમાં શરૂ કરવામાં આવી હતી. 1884માં રણછોડલાલ છોટાલાલ અને બહેચરદાસ લશ્કરીની આગેવાની નીચે ગુજરાત સભાનો જન્મ થયો હતો. આમ ગુજરાતમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક ઉત્થાનની પૂર્વતૈયારી થઈ હતી.
1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના બાદ તેના પ્રથમ અધિવેશન માટે ગુજરાતના પ્રતિનિધિઓની પસંદગી અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત સભાએ કરી હતી. 1885ના 28 ડિસેમ્બરના રોજ ઍલન ઑક્ટેવિયન હ્યૂમના પ્રયત્નોથી કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં ભરાયું હતું. તેમાં હાજર રહેલા 72 પ્રતિનિધિઓ પૈકી ગુજરાતમાંથી સૂરત, અમદાવાદ અને વીરમગામના 11 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તે પૈકી હરિલાલ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્રિભુવનદાસ ગજ્જર, મંચેરશા કેકોબાદ વગેરે હતા. મુંબઈમાંથી દાદાભાઈ નવરોજી, દીનશા વાચ્છા અને ફિરોજશા મહેતા હતા. અન્ય પ્રાંતોની સરખામણીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વિશેષ હતું.
1902માં અમદાવાદમાં અને 1907માં સૂરતમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં અધિવેશનો ભરાયાં હતાં અને કૉંગ્રેસમાં જહાલ અને મવાળ એવા બે વિભાગ પડ્યા હતા. 1913માં સંસારસુધારણા પરિષદ મળી હતી, જે પ્રજામાં ચેતના પ્રગટાવવામાં સહાયભૂત થઈ હતી, ગવર્નર-જનરલ કર્ઝનની બંગાળના ભાગલા પાડવાની યોજના અને આપખુદ નીતિને કારણે સ્વદેશીની ચળવળનો પ્રાદુર્ભાવ થયો હતો અને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો. સૂરત અધિવેશન પછી કૉંગ્રેસમાં બુદ્ધિવાદી બુર્ઝવાઓનું તથા બંધારણવાદીઓનું પ્રાબલ્ય ઘટ્યું અને તેનું નાવ મધ્યમમાર્ગી શિક્ષિતોના હાથમાં આવ્યું હતું તથા વિપ્લવવાદીઓનું વર્ચસ્ વધ્યું હતું. ગુજરાતમાં અરવિંદ ઘોષ અને બારીન્દ્રની અસર નીચે ‘બૉમ્બયુગ’નો ઉદય થયો. રાષ્ટ્રીય શિક્ષણની ભાવનાનો પ્રસાર કરવા માટે વડોદરામાં ગંગનાથ વિદ્યાલય અને ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાઓની સ્થાપના થઈ હતી.
1914માં લોકમાન્ય ટિળકે જેલમાંથી બહાર આવીને જહાલ અને મવાળ પક્ષોને એક કરવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી. એની બેસંટ પણ 1914માં કૉંગ્રેસમાં જોડાયાં અને હિંદને સ્વરાજ અપાવવા તેમણે 1915માં ‘હોમરૂલ લીગ’ની સ્થાપના કરી. તેની શાખાઓ અમદાવાદ, સૂરત, નડિયાદ, ગોધરા, ભરૂચ વગેરે શહેરોમાં હતી. બાળ ગંગાધર ટિળકે 1915માં મુંબઈ ખાતે રાષ્ટ્રવાદીઓની પરિષદ ભરીને 1916માં ‘હોમરૂલ લીગ’ની સ્થાપના કરી. આ આંદોલન અંગે સૂરત, અબ્રામા, કછોલી, ભરૂચ, જંબુસર, આમોદ, નડિયાદ, આણંદ, ઉમરેઠ, ચીખોદરા, ચકલાશી, ગોધરા, દાહોદ વગેરે સ્થળોએ અનેક સભાઓ થઈ હતી. અમદાવાદમાં આશરે 10,000 માણસોની મેદની એની બેસંટની ધરપકડના વિરોધમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે એકત્ર થઈ હતી. એની બેસંટની મુક્તિ બાદ અને ગાંધીજીની અસર વધતાં આ હિલચાલ મંદ પડી. આ આંદોલન 1916થી 1919 સુધી ચાલ્યું હતું.
ગુજરાતમાં કૉંગ્રેસ સાથે સંબંધ ધરાવતી કોઈ સત્તાવાર અધિકૃત સમિતિ ન હોવાથી કૉંગ્રેસના આદેશો અને ઠરાવોનો અમલ વર્ષભર કરવાનું અને તેનો પ્રચાર કરવાનું કાર્ય ગુજરાત સભા દ્વારા થતું હતું.
1915માં ગાંધીજીનું ગુજરાતમાં અમદાવાદ ખાતે આગમન થયું પછી ગુજરાત સભાનું સુકાન વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર, ઇન્દુલાલ યાજ્ઞિક અને કૃષ્ણલાલ દેસાઈના હાથમાં આવતાં ચેતનાનો સંચાર થયો. ગુજરાત સભા સીધી રાજકીય કાર્યમાં જોડાઈ.
ભાષાકીય ધોરણે પ્રાંતરચનાની કલ્પના ઊભી થતાં ગુજરાતમાં ગુજરાત પ્રાન્તિક પરિષદની સ્થાપના કરવામાં આવી. હવે ગુજરાત સભા ગુજરાત પરિષદમાં વિલીન થઈ ગઈ. પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજી અને મંત્રી તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈની વરણી થઈ. 1917ના નવેમ્બર માસમાં ગુજરાત પરિષદનું પ્રથમ અધિવેશન ગોધરા મુકામે ભરાયું. આ શકવર્તી પરિષદની કાર્યવહી ગાંધીજીના સૂચનથી પ્રથમ વાર જ ગુજરાતીમાં ચાલી અને બ્રિટિશ તાજ તરફ વફાદારી દાખવવાની પ્રથા બંધ થઈ. આ પરિષદે વેઠની પ્રથા નાબૂદ કરવા ઠરાવ કર્યો હતો. આ પરિષદમાં મહંમદઅલી ઝીણા, લોકમાન્ય ટિળક, દાદાસાહેબ ખાપર્ડે, વિઠ્ઠલભાઈ પટેલ વગેરેએ ભાગ લીધો હતો.
1920ના ડિસેમ્બર માસમાં નાગપુર ખાતે ભરાયેલ કૉંગ્રેસ અધિવેશનમાં કાગ્રેસનું સૌપ્રથમ વાર નવું બંધારણ ઘડાયું. તે મુજબ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનું પણ નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યની જવાબદારી વિઠ્ઠલભાઈ પટેલે સંભાળી હતી. તેમના સહકાર્યકરો વલ્લભભાઈ તથા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આ સાથે પક્ષની ચાર આનાની સભ્ય ફીની પાવતીબુકો પણ છપાવવામાં આવી. એક જ મહિનામાં સભ્યોની પૂરતી નોંધણી થઈ હતી. કૉંગ્રેસ પ્રાંતિક સમિતિની ચૂંટણીની વ્યવસ્થા ઇન્દુલાલ યાજ્ઞિકે સંભાળી હતી.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની પહેલી સભા 13 માર્ચ, 1921ના રોજ ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદ ખાતે સંસારસુધારા સમાજના સભાખંડમાં મળી હતી. ત્યાર બાદ પહેલી બેઠક બે અઠવાડિયાં પછી મળી. તેમાં વલ્લભભાઈ પ્રમુખ અને ઇન્દુલાલ યાજ્ઞિક તથા ગણેશ વાસુદેવ માવળંકર મંત્રીઓ તરીકે નિમાયા. 10 સભ્યોની એક કારોબારી કે કાર્યવાહક સમિતિ રચાઈ. તે જ રીતે સમગ્ર ગુજરાત જિલ્લા અને તાલુકાકક્ષાની સમિતિઓ રચાઈ.
અસહકારની લડતનો સૌપ્રથમ ઠરાવ પણ 1920માં ગુજરાતે કર્યો. આ લડતનું કેન્દ્ર સાબરમતી આશ્રમ બન્યું. 1921માં કૉંગ્રેસનું છત્રીસમું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું. અધિવેશનના ખર્ચ માટે લોકફાળો એકઠો કરાયો હતો.
1924માં કૉંગ્રેસનો દરેક સભ્ય 3000 વાર સૂતર કાંતે અને તેમ ન કરી શકે તો તેણે રાજીનામું આપવું એવો ઠરાવ ગુજરાત કૉંગ્રેસે કર્યો. કાગ્રેસની સભ્યસંખ્યામાં બધાં રાજ્યો કરતાં ગુજરાત આગળ હતું. અમદાવાદમાં 2227, ખેડામાં 1777 પંચમહાલમાં 939, ભરૂચમાં 769 અને સૂરતમાં 1686 સભ્યો થયા હતા. 1931માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની કાર્યવાહક-સમિતિની પસંદગી માટે બેઠક મળી તેમાં વલ્લભભાઈ પટેલ પ્રમુખ તરીકે અને જીવણલાલ દીવાન તથા મણિલાલ કોઠારી મંત્રીઓ તરીકે ચૂંટાયા. આ ઉપરાંત વધારાના પૂરા સમયના મંત્રીઓ તરીકે ભોગીલાલ લાલા અને મોરારજી દેસાઈની વરણી થઈ હતી.
અમદાવાદ ખાતે યોજાયેલ કૉંગ્રેસ અધિવેશન પછી લોકફાળામાંથી વધેલી રકમનો ઉપયોગ ભદ્ર વિસ્તાર આગળ કૉંગ્રેસભવન બાંધવામાં કરવામાં આવ્યો હતો. મોરારજીભાઈ પ્રદેશ કાર્યાલયના મંત્રી બનતાં તેમણે સૌપ્રથમ વાર ગુજરાત કૉંગ્રેસ યુવક-મંડળની રચના કરી. ત્યાં સુધી અખિલ ભારતીય ધોરણે યુવક-કૉંગ્રેસ હતી પણ ગુજરાતમાં તેની શાખા ન હતી.
1934માં દિલ્હીની મધ્યસ્થ ધારાસભાની ચૂંટણીમાં ગુજરાતને એક બેઠક ફાળવવામાં આવી હતી. ભૂલાભાઈ દેસાઈ આ ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. 1935માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે પચાસ વરસ પૂરાં કર્યાં હોવાથી મહાસભાનો સુવર્ણજયંતી મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં કૉંગ્રેસ-સમિતિ તરફથી રોશનીનો તથા સુવર્ણ- મહોત્સવ સપ્તાહ ઊજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
ગુજરાતમાં કૉંગ્રેસનાં પગરણ થતાં તેનાં વિકાસ, ઇતિહાસ અને વિવિધ સિદ્ધિઓમાં પણ ગુજરાતનો ફાળો નોંધપાત્ર, ઐતિહાસિક અને યશસ્વી રહેવા પામ્યો છે.
ગુજરાતમાં કૉંગ્રેસ-અધિવેશનો : ગુજરાતમાં 1902, 1907, 1921, 1938 અને 1961માં કૉંગ્રેસનાં અધિવેશનો ભરાયાં હતાં.
ગુજરાતમાં સુરેન્દ્રનાથ બૅનરજીના પ્રમુખપણા નીચે 1902માં પ્રથમ વાર કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. તેના સ્વાગત-પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા તથા ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ અને કનૈયાલાલ યાજ્ઞિકે પ્રતિનિધિ તરીકે અને ક. મા. મુનશીએ સ્વયંસેવક તરીકે તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનમાં હિંદની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ ઉપર જકાત, પરદેશમાં ભારતીયો તરફ વરતાતો ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ વગેરે 22 ઠરાવો થયા હતા.
1907માં સૂરતમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. તેમાં મવાળો અને જહાલો પણ હાજર રહ્યા હતા. પ્રમુખની વરણીના પ્રશ્ને મતભેદ થતાં આ અધિવેશનમાં ભંગાણ પડ્યું હતું.
1921માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું તે સાથે સ્વદેશી કારીગરીનું પ્રદર્શન ભરાયું હતું. સરદાર પટેલે અધિવેશનમાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી વગેરે અંગે ગુજરાતના પ્રદાનની વાત કરી હતી. અમદાવાદના કાપડ મિલના ટૅકનિકલ સ્ટાફે બંગાળના લોકોને મિલ-ઉદ્યોગ અંગે તાલીમ આપવાની તૈયારી બતાવી હતી.
1938માં સૂરત જિલ્લાના હરિપુરા ગામે સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં કૉંગ્રેસે દેશી રાજ્યોની પ્રજાકીય સંસ્થાઓને કારોબારીની સૂચના અને અંકુશ નીચે કામ કરવાની છૂટ આપી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકે કિસાનોની રૅલીની આગેવાની લઈ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અધિવેશને કિસાન-સંગઠન રચવાનો ખેડૂતોનો હક સ્વીકાર્યો હતો. હિંદના લોકોની સ્પષ્ટ સંમતિ વિના બીજા વિશ્વયુદ્ધમાં હિંદને સામેલ કરી શકાશે નહિ, તેમ જાહેરાત કરાઈ હતી. કુલ વીસ ઠરાવો થયા હતા. બ્રિટિશ હિંદમાંની સરકારની નીતિ, પરદેશમાં વસતા ભારતીયો તરફનો ભેદભાવ, બ્રિટિશ સંસ્થાનોમાં આચરાતી શોષણનીતિ, દેશી રાજ્યોમાં જવાબદાર રાજ્યની માગણી, વાઇસરૉયનો વચનભંગ વગેરે બાબતો અંગે કૉંગ્રેસપ્રમુખ સુભાષચંદ્ર બોઝે સખત ટીકા કરી હતી. સુભાષચન્દ્ર બોઝ સમાજવાદી કાર્યકરો તથા બંગાળના જહાલપક્ષી કાર્યકરોના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અધિવેશનના સ્થળે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ગુજરાત રાજ્યની રચના (1960) બાદ 6-1-1961ના રોજ ભાવનગર મુકામે કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરાયું હતું, જેમાં ગુજરાત કૉંગ્રેસના નેતા બળવંતરાય મહેતાએ અગ્રગણ્ય ભાગ લીધો હતો. સર્વગ્રાહી એવા ‘ગુજરાત – એક પરિચય’ ગ્રંથનું અધિવેશન દરમિયાન વિમોચન કરાયું હતું તથા એક વિશાળ પ્રદર્શન ભરાયું હતું. નીલમ સંજીવ રેડ્ડી આ અધિવેશનના પ્રમુખ હતા.
ગુજરાતમાં સત્યાગ્રહો : ગુજરાતમાં ગાંધીજીના આગમન બાદ પ્રથમ વાર ખેડા જિલ્લામાં સત્યાગ્રહ હાથ ધરાયો હતો. 1917માં ખેડૂતો પાસેથી વધુ મહેસૂલ વસૂલ કરવાનો સરકારી તકાદો થતાં આ સત્યાગ્રહ શરૂ કરાયેલો. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ આવી, ગુજરાતમાં સત્યાગ્રહની જડ નંખાઈ અને વલ્લભભાઈ પટેલ આ લડત દ્વારા લોકનેતા તરીકે બહાર આવ્યા. 1919માં રૉલેટ ઍક્ટ વિરુદ્ધના દેશવ્યાપી આંદોલનના ભાગ રૂપે ગુજરાતમાં પણ અમદાવાદની કલેક્ટર કચેરીને આગ લગાડાઈ અને નડિયાદ નજીકના રેલવેના પાટા ઉખાડી નખાયા હતા.
1920ના નાગપુર ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીએ લોકોને દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ જેવાં રચનાત્મક કામોમાં જોડાવા અનુરોધ કર્યો હતો. 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની સરદાર પટેલે લીધી, જેમાં ગુજરાતના ઘણા કાર્યકરો જોડાયા હતા. બોરસદ તાલુકામાં બાબર દેવા નામના બહારવટિયાના ત્રાસ વિરુદ્ધ પ્રજા પર હૈડિયા વેરો સરકારે નાંખ્યો હતો. પ્રખર પ્રજાકીય વિરોધને કારણે આ વેરો નિષ્ફળ બનાવાયો હતો. 1926માં બારડોલી તાલુકામાં 300 ગણો મનસ્વી મહેસૂલ-વધારો કરાયો. પ્રખર વિરોધ સાથે આ પ્રશ્ન વલ્લભભાઈને સોંપાયો; પરિણામે તીવ્ર વિરોધ વચ્ચે સરકાર સમગ્ર પ્રશ્ન ફરી તપાસવા તૈયાર થઈ. કોળી, રાનીપરજ પ્રજામાં જાગૃતિ આવી, દારૂબંધીને વેગ મળ્યો અને વેઠપ્રથાની નાબૂદીની ઝુંબેશને વેગ મળ્યો. ડિસેમ્બર, 1928માં લાહોર ખાતેની કૉંગ્રેસની બેઠકમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવાનો ઠરાવ કરવામાં આવ્યો. સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાનો નિર્ણય કર્યો. તે દરમિયાન સરકારે મીઠા પર કર વધાર્યો હોવાથી મીઠાના કાયદાનો ભંગ દાંડીના દરિયાકાંઠે જઈને કરવાનો નિર્ણય લેવાયો. 12 માર્ચ, 1930ના રોજ પગપાળા અમદાવાદથી દાંડી સુધી કૂચ કરીને પ્રતીક રૂપે થોડું મીઠું લઈ સવિનય કાનૂનભંગ કરાયો. આ દાંડીકૂચ દ્વારા માર્ગમાં આવતાં ગામો અને સમગ્ર ગુજરાતમાં લોકજાગૃતિનો પ્રચંડ જુવાળ આવ્યો. એપ્રિલ, 1930થી જાન્યુઆરી, 1931 સુધીના 10 માસ ધોલેરા-વીરમગામ સત્યાગ્રહ ચાલ્યો.
રચનાત્મક પ્રવૃત્તિઓ : ગાંધીજીએ લોકલડતમાં અહિંસક સત્યાગ્રહ જેટલું જ રચનાત્મક પ્રવૃત્તિને સ્થાન આપ્યું હતું. આદિવાસીઓના ઉત્કર્ષ માટે 1923માં ભીલ સેવામંડળની સ્થાપના કરાઈ હતી. તેવી જ રીતે હરિજનોના ઉત્કર્ષ માટે હરિજન સેવાસંઘની સ્થાપના કરી હતી. 1924-25 દરમિયાન ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રવાસ ખેડ્યો હતો. પરદેશી કાપડનો બહિષ્કાર કરીને ખાદીને અપનાવી વણકરો તથા અન્ય લોકોને રોજી મળે તે માટે અમદાવાદના શંકરલાલ બૅંકરે ખાદીપ્રચારનું કામ ઉપાડી લીધું હતું. ગુજરાતમાં મોટાં શહેરોમાં ખાદીભંડારો અને કાર્યાલયો અસ્તિત્વમાં આવ્યાં હતાં. ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના થઈ. હાથછડના ચોખા, હાથે દળેલો લોટ, મધમાખ-ઉછેર, તાડગોળ બનાવવો, દેશી ઘાણીનું તેલ, ચર્મોદ્યોગ વગેરેની તેમજ હાથકાગળ બનાવવાની અને અખાદ્ય તેલનો ઉપયોગ કરી સાબુ બનાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. શિક્ષણમાં અભિનવ પ્રયોગ તરીકે પ્રથમ કોચરબ આશ્રમ (1915) પછી સાબરમતી આશ્રમ(1916)માં અને ત્યાર બાદ સૂરત જિલ્લામાં બુનિયાદી શિક્ષણનો 21 શાળાઓમાં પ્રયોગ કરાયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના (1920) થઈ હતી. મિલમજૂરોની 1918-19ની લડત બાદ અનસૂયાબહેન સારાભાઈ તથા શંકરલાલ બૅંકરના પ્રયાસથી ‘મજૂર મહાજન સંઘ’ સ્થપાયો હતો. તેણે મજૂરોનાં હિતો રક્ષવાની પહેલ કરી હતી. અભ્યાસવર્તુળની પ્રવૃત્તિ અને ચર્ચાસભા તથા વ્યાખ્યાનો યોજવાની કામગીરી સાથે મધ્યસ્થ યુવક સંઘની સ્થાપના કરી રાષ્ટ્રીય ચળવળને વેગ આપ્યો હતો. આ સિવાય અમદાવાદ, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ વિદ્યાર્થીમંડળો ચાલતાં હતાં. 1937 પછી પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિ વિકસી હતી. 1942ની ચળવળ દરમિયાન સભા, સરઘસ, પત્રિકાવહેંચણી વગેરે પ્રવૃત્તિઓ આ મંડળોએ કરી હતી.
ગુજરાત કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં મહિલાઓનો ફાળો : ગાંધીજીએ કાગ્રેસનું સુકાન સંભાળ્યા બાદ તેમણે નાનાંમોટાં અનેક કામોમાં સ્ત્રીઓનો સહકાર લીધો. સત્યાગ્રહ અને અસહકાર, રેંટિયો અને ખાદી, રાષ્ટ્રીય કેળવણી વગેરેમાં બહેનોએ સક્રિય ફાળો આપ્યો હતો. સ્વાતંત્ર્યસંગ્રામનું રણશિંગું ફૂંકાયું લગભગ ત્યારથી બહેનો એમાં મોખરે રહી હતી. બારડોલીની લડત વખતે આ બહેનોએ પોલીસોને જપ્તીના તથા અન્ય પ્રસંગોએ દાદ દીધી ન હતી. 1930ના મીઠાના સત્યાગ્રહ વખતે ‘નમક કા કાયદા તોડ દિયા’ના પોકાર કરતાં સરઘસોમાં સ્ત્રીઓ અગ્રસ્થાને હતી. મીઠાના ગેરકાયદે વેચાણની તથા પરદેશી કાપડની દુકાનો અને દારૂતાડીનાં પીઠાં ઉપર પિકેટિંગ કરી, ધરપકડ વહોરી મોટી સંખ્યામાં બહેનો જેલમાં ગઈ હતી. ‘માર્જાર સેના’ની બાલિકાઓ સરઘસમાં પ્રચારસૂત્રો પોકારતી હતી. અપમાન, ગાળો, મજાક, મશ્કરી સહન કરી પ્રભાતફેરી, ધ્વજવંદન, પિકેટિંગમાં તેઓ અગ્રેસર રહી હતી. ખાદીપ્રચાર ને ખાદીવેચાણનું કામ પણ તે સંભાળતી હતી. સેવાદળની શિબિરોમાં ભાગ લઈ સ્વયંસેવિકા તરીકે પણ મહિલાઓ સેવા આપતી હતી. દેશી રાજ્યોની રાજકોટ અને લીંબડી જેવી લડતોમાં અને સત્યાગ્રહોમાં તેમજ બીજા અનેક કાર્યક્રમોમાં અને ગુજરાત કૉંગ્રેસને ઉપક્રમે કસ્તૂરબા, સરલાબહેન ત્રિવેદી, ભક્તિબહેન દેસાઈ, લીલાવતી મુનશી, મણિબહેન પટેલ, ચંચળબહેન, દેવીબહેન પટ્ટણી, મીઠુબહેન પિટીટ, જ્યોત્સ્નાબહેન શુક્લ, કુમુદબહેન દેસાઈ, ગંગાબહેન ઝવેરી, મૃદુલા સારાભાઈ, અનસૂયાબહેન, મંગલાબહેન દાણી વગેરેએ ભાગ લઈને મહત્વનો ફાળો આપ્યો હતો. 1942ની ચળવળ વખતે ઉષાબહેન મહેતાએ આઝાદ રેડિયોનું સંચાલન સંભાળેલ. અમદાવાદની બહેનોએ ક્રાંતિકારીઓને છુપાવવામાં અને તેમને રક્ષણ પૂરું પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. યરવડા અને બેલગામની જેલો મહિલા-કાર્યકરોથી ભરાઈ જતાં સરકારને તંબૂઓ બાંધવા પડ્યા હતા, તે સૂચવે છે કે આઝાદીની લડતમાં પુરુષો કરતાં સ્ત્રીઓ જરા પણ પાછળ રહી ન હતી અને ઘણી બહેનોએ બે-અઢી વરસની જેલ પણ ભોગવી હતી. ગામડાની અને શહેરની બહેનોનો આઝાદીની લડતમાં અનન્ય ફાળો હતો.
દેશી રાજ્યો અને ગુજરાત કૉંગ્રેસ : બ્રિટિશ જિલ્લાઓનો 25888.8 ચોકિમી.નો વિસ્તાર બાદ કરતાં ગુજરાતનો બાકીનો મોટા ભાગનો પ્રદેશ દેશી રજવાડાં નીચે હતો. ભાવનગર, વડોદરા અને ગોંડલને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ઇજારાશાહી અને આપખુદ શાસન પ્રવર્તતાં હતાં. લોકોનો અવાજ રૂંધાઈ ગયો હતો. રાષ્ટ્રધ્વજનું અપમાન, ભારે કરવેરા, પરદેશી કાપડ અને દારૂનું વેચાણ, રચનાત્મક કાર્યો પર પ્રતિબંધ, ઇજારાશાહી તથા વ્યક્તિ-સ્વાતંત્ર્યના અભાવને કારણે ધ્રોળ, માળિયા, ધ્રાંગધ્રા, જામનગર, વણોદ, વડોદરા, લીંબડી, રાજકોટ વગેરે રાજ્યોમાં સત્યાગ્રહોની લડતો ચાલી હતી. દેશી રાજ્યોમાં સ્વતંત્રતાની હવા ન ફેલાય તે માટે બ્રિટિશ હિંદના આગેવાનોનાં દેશી રાજ્યોમાં પ્રવેશ અને રાજકીય ચળવળમાં ભાગ લેવા પર કડક અંકુશો મુકાવ્યા હતા.
ગાંધીજીનું એવું મંતવ્ય હતું કે બ્રિટિશ સત્તા દૂર થાય તોપણ દેશી રાજ્યોના પ્રશ્ન રહેશે નહિ. આ નીતિને કારણે દેશી રાજ્યોના પ્રશ્નોમાં કૉંગ્રેસ માથું મારતી ન હતી અને રાજવીઓ સાથેના ઘર્ષણથી દૂર રહી હતી, પણ હરિપુરા કૉંગ્રેસ બાદ આ નીતિમાં પલટો આવ્યો અને દેશી રાજ્યોમાંની ચળવળને કૉંગ્રેસે ટેકો આપ્યો અને ગુજરાતનાં જુદાં જુદાં રાજ્યોમાં પ્રજામંડળો, કાઠિયાવાડ હિતવર્ધક સભા (1919) અને કાઠિયાવાડ રાજકીય પરિષદ (1921) જેવી સંસ્થાઓનો ઉદય થયો. અખિલ ભારત ધોરણે દેશી રાજ્યોના પ્રજાજનોનું મંડળ રચાયું. બળવંતરાય મહેતા અ. ભા. પ્રજામંડળ(All India State People’s Conference)ના સેક્રેટરી હતા. રાજકોટ સત્યાગ્રહ વખતે ગાંધીજીએ ખુદ ભાગ લઈને દેશી રાજ્યોમાંની લડતને વેગ આપ્યો હતો અને આ કારણે ભાવનગર, પાલિતાણા, રાજકોટ અને વડોદરા જેવાં રાજ્યોમાં માત્ર ચર્ચા કરતી મર્યાદિત સત્તાવાળી ધારાસભાઓ અસ્તિત્વમાં આવી હતી. વડોદરા રાજ્યે આઝાદી પૂર્વે પ્રજામંડળના નેતાઓનો સાથ લઈ પ્રજાના પ્રતિનિધિઓને મર્યાદિત સત્તા સોંપી હતી. આઝાદીના ઉષ:કાળે વડોદરા, ભાવનગર અને ધ્રાંગધ્રાના રાજવીઓએ તેમનાં રાજ્યોનું વિલીનીકરણ સ્વીકાર્યું હતું અને પરિણામે સૌરાષ્ટ્ર રાજ્ય એપ્રિલ, 1948થી સપ્ટેમ્બર, 1956 સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. વડોદરામાં પણ જીવરાજ મહેતાના મુખ્ય પ્રધાનપદે પ્રજાકીય પ્રધાનમંડળ રચાયું અને લોકશાહીનો પ્રયોગ થયો હતો. ત્યાર બાદ રાજપીપળા, જામનગરના જામસાહેબ તથા વડોદરાના પ્રતાપસિંહરાવના સહકારથી ગુજરાતનાં બધાં દેશી રાજ્યો ભારતીય સંઘમાં જોડાયાં હતાં. ગુજરાતમાંનાં દેશી રાજ્યોનાં પ્રજામંડળોની ચળવળોમાં આ નેતાઓએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
1937–38 દરમિયાન ગુજરાતમાં કૉંગ્રેસી શાસન : ગવર્નર તેમની ખાસ સત્તાઓ મર્યાદામાં રહીને વાપરશે એવી બાંયધરી તત્કાલીન ભારત સરકાર તરફથી 1937માં મળતાં બી. જી. ખેરના મુખ્ય પ્રધાનપદે મુંબઈ પ્રાન્તમાં પ્રજાના પ્રતિનિધિઓના પ્રધાનમંડળની રચના થઈ હતી. ક. મા. મુનશી અને દિનકરરાવ દેસાઈ જેવા નેતાઓ આ પ્રધાનમંડળના સભ્ય હતા. આ પ્રધાનમંડળે બારડોલીના ખેડૂતોની જપ્ત કરાયેલી જમીન પાછી આપવા પગલું ભર્યું. પંચાયત ધારો પસાર કરીને 1500 ગ્રામ પંચાયતોની સ્થાપના કરી. મજૂરો માટેના ઔદ્યોગિક ઝઘડાના નિકાલ માટે તંત્ર રચ્યું. દારૂબંધી દાખલ કરી. આદિવાસી પ્રજા, મજૂરવર્ગ વગેરેની આબાદીનો પાયો નખાયો. શિક્ષણક્ષેત્રે સૂરત જિલ્લામાં પસંદગીની 21 શાળાઓમાં બુનિયાદી શિક્ષણનો પ્રયોગ હાથ ધરાયો. પ્રૌઢશિક્ષણની કાર્યવહી પણ શરૂ કરવામાં આવી. ગણોતધારો અને ઋણરાહત ધારા દ્વારા ગણોતિયાના હકનું રક્ષણ કરવામાં આવ્યું અને ખેડૂતોનું શોષણ અટકાવવામાં આવ્યું. હાળીપ્રથા સામે અવાજ ઉઠાવી દૂબળાઓની સ્થિતિ સુધારવામાં આવી.
પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટને ભારતને યુદ્ધમાં સંડોવતાં 30-10-’39ના રોજ મુંબઈના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું હતું.
15મી ઑગસ્ટ, 1947ના રોજ સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ જૂનાગઢનો ભારતસંઘ સાથે જોડાણનો પ્રશ્ન ઉદભવ્યો. જૂનાગઢની 80 % વસ્તી હિંદુ હોવા છતાં આ નિર્ણય લેવાયો હતો. આથી કાઠિયાવાડ રાજકીય પરિષદે અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી વગેરેના નેતૃત્વ નીચે 25-9-1947ના રોજ આરઝી હકૂમત સ્થાપવા નિર્ણય લીધો અને શામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે સશસ્ત્ર લડત આપતાં નવાબ તેના કુટુંબ સાથે પાકિસ્તાન નાસી ગયા. 1948ના ફેબ્રુઆરીમાં લોકમત લેવાતાં ભારત સાથે જૂનાગઢ રાજ્યનું વિધિવત્ જોડાણ થયું.
આ પ્રશ્નના નિરાકરણ બાદ ગુજરાતના દસ જિલ્લા મુંબઈ રાજ્ય નીચે આવ્યા, જ્યારે સૌરાષ્ટ્રનું ‘બી’ વર્ગનું રાજ્ય 15-2-1948થી રચાયું. ઉછરંગરાય ઢેબર મુખ્ય પ્રધાન અને બળવંતરાય મહેતા નાયબ પ્રધાન હતા. કચ્છ સરહદી રાજ્ય હોવાથી તે ‘સી’ વર્ગના રાજ્ય તરીકે કમિશનરના પ્રાંત તરીકે અસ્તિત્વમાં આવ્યું.
આઝાદી પછી દેશમાં ઘડાયેલા નવા બંધારણ મુજબ 1952ની પહેલી ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ જંગી બહુમતીથી ચૂંટાઈ આવી. એ સમયે ગુજરાત મુંબઈ રાજ્ય સાથે જોડાયેલું હતું અને સૌરાષ્ટ્ર તથા કચ્છનો અલગ એકમ હતો. સમગ્ર ગુજરાતની કુલ 22 બેઠકોમાંથી 20 બેઠકો કૉંગ્રેસે મેળવી હતી. આ સમયે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાનજીભાઈ દેસાઈ હતા. 1956માં મહારાષ્ટ્ર-ગુજરાતનું એક વિશાળ દ્વિભાષી રાજ્ય બન્યું. 1957ની બીજી ચૂંટણીમાં પણ વિધાનસભા અને લોકસભામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે ઝળહળતી ફતેહ મેળવી. પરંતુ અલગ ગુજરાત રાજ્યની માગણી માટે મહાગુજરાત આંદોલન (1956-60) ચાલતાં 1 મે, 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ 1 મે, 1960થી 8 માર્ચ, 1962 સુધી ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રહ્યા.
1962માં ગુજરાત કૉંગ્રેસમાં થોડી ઓટ આવી. પણ બહુમતી તો તેની જ રહી. ફરી વાર પણ ડૉ. જીવરાજ મહેતા અને ત્યાર બાદ બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રહ્યા હતા. આગવી ઐતિહાસિક પરંપરાઓ તથા કેટલાંક અન્ય કારણોસર પક્ષમાં જુદા જુદા વિચારો અને ધ્યેયો ધરાવતા લોકો હોવાથી સમય જતાં તેમાં મતભેદો શરૂ થયા અને ગુજરાતમાં પણ વિવિધ રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. આમાં સંગઠનના મતભેદો અને વ્યક્તિગત મનદુ:ખથી પણ આ પરિબળોમાં ગતિશીલતા આવી. 1969માં કૉંગ્રેસના ભાગલા પડ્યા, જેમાં શાસક કૉંગ્રેસ (ઇન્ડિકેટ) અને સંસ્થાકીય પાંખ (સિન્ડિકેટ) – એમ બે ભાગ પડ્યા. કૉંગ્રેસના ભાગલા પછી જિલ્લા તથા તાલુકાકક્ષાએ ભાગલાની અસરો પડી. બે બળદની જોડીવાળા અખંડ કૉંગ્રેસના પ્રતીકની જગ્યાએ કૉંગ્રેસ(આઇ)નું પ્રતીક હાથનો પંજો અને સંસ્થા-કૉંગ્રેસનું ચરખો કાંતતી સ્ત્રી રહ્યું.
ગુજરાતમાં કૉંગ્રેસ-પક્ષને ઐતિહાસિક અને રાષ્ટ્રીય વારસો તેની સ્થાપના, ઘડતર અને વિકાસમાં પ્રાપ્ત થયેલો હોઈ તે પક્ષ શરૂઆતથી ગુજરાતના રાજકારણમાં પ્રભાવશાળી અને અસરકારક રહ્યો છે. વ્યાપક સંસ્થાકીય સ્વરૂપે ગુજરાતના રાજકારણમાં તમામ સ્થળે લાંબા સમય સુધી અસરકારક પ્રભુત્વ દ્વારા એક પક્ષ તરીકે પ્રભાવ પાડ્યો હતો. આઝાદી દરમિયાન અને ત્યાર બાદ સત્તાસ્થાને રહીને કાયદા દ્વારા સામાજિક અનિષ્ટો દૂર કરવા અને દલિત તેમજ પીડિત વર્ગ, ખેડૂત અને શ્રમજીવીઓ વગેરેના ઉદ્ધારમાં આ પક્ષે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
રાષ્ટ્રીય કૉંગ્રેસના અંગભૂત રહેવા છતાં ગુજરાત કૉંગ્રેસે પોતાનું સ્વાયત્ત અસ્તિત્વ મોટે અંશે ટકાવી રાખ્યું હતું. ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વના કારણે આ સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહેવા પામી. 1969ના પક્ષના ભાગલા પછી અને વિશેષ તો 1971(બાંગ્લા દેશના વિગ્રહ) પછી ઇન્દિરા ગાંધીનો જયજયકાર થતાં તેની વ્યાપક અસરો ગુજરાત ઉપર પડ્યા સિવાય રહી નહિ અને તે એટલી હદે કે 1972ની વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી તરફથી ઘનશ્યામભાઈ ઓઝાની નિયુક્તિ કરવામાં આવી જે સંસદીય કાર્યપ્રણાલીમાં નવો ચીલો પાડનારી નીવડી અને પક્ષમાં કેન્દ્રીકરણની પ્રક્રિયા બળત્તર બની. ‘‘એક દેશ, એક પક્ષ, એક નેતા’’ની સાથે ‘‘ઇન્દિરા એટલે ઇન્ડિયા’’નો મંત્ર ગુંજતો થયો.
આ નવા રાષ્ટ્રીય પ્રવાહ સાથે ગુજરાત કૉંગ્રેસે તેનાં નવાં સમીકરણો રચ્યાં. 1973માં શરૂ થયેલા નવનિર્માણનાં મૂળ ગુજરાત કૉંગ્રેસમાંનાં જૂથો વચ્ચેની હરીફાઈમાં પડેલાં હતાં.
ગુજરાતનો પ્રતિભાવ જનતા-મોરચો અને જનતા-સરકારનો રહ્યો. પરંતુ પાંચ વર્ષ પછી (1980) ગુજરાત કૉંગ્રેસે ખામ(KHAM- Kshatriya, Harijan, Adivasi અને Moslem – એમ ચારે લઘુમતી)નો સિદ્ધાંત અપનાવી ફરીને સત્તા પ્રાપ્ત કરી.
ત્યાર પછીની કૉંગ્રેસ સરકાર ટકી; પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ બનેલા બનાવોના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત કૉંગ્રેસ ઉપર પણ પડતા રહ્યા. જેમ રાષ્ટ્રીય કક્ષાએ કૉંગ્રેસ નબળી પડતી ગઈ તેમ ગુજરાતમાં પણ તેની લોકપ્રિયતામાં ઓટ આવી.
1989ની ચૂંટણીમાં જનતાદળ તથા ભારતીય જનતાપક્ષના સંયુક્ત મોરચાની સામે કૉંગ્રેસને ભારે શિકસ્ત મળી અને સંયુક્ત મોરચાની સરકાર અસ્તિત્વમાં આવી, જ્યારે કેન્દ્રમાં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા.
ગુજરાતનો આ પ્રયોગ લાંબો ચાલ્યો નહિ અને જનતાદળની સરકારે ભારતીય જનતા પક્ષ (BJP) સાથે સંબંધ તોડીને કૉંગ્રેસના ટેકા સાથે શાસન ચાલુ રાખ્યું. સમય જતાં જનતાદળ(ગુજરાત)નું નવસંસ્કરણ થયું અને છેવટે જનતાદળ (ગુજરાત) અને ગુજરાત કૉંગ્રેસ એકમેક સાથે મળી ગયાં.
1990થી 2007 સુધીના ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ-પક્ષને સતત પરાજય વેઠવો પડ્યો છે. 1990, 95, 98 અને 2002 સુધીની ચૂંટણીઓમાં કૉંગ્રેસ-પક્ષની આંતરિક જૂથબંધીએ તેને પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું અને ભાજપના દીર્ઘશાસનકાળ વિરુદ્ધનો પ્રજાકીય અણગમો (ઍન્ટી ઇન્કમ્બન્સી ફૅક્ટર) કૉંગ્રેસને કોઈ લાભ કરાવી શક્યો નહિ. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ-પક્ષને આ પરિબળનો કોઈ લાભ મળ્યો નહિ. છેલ્લાં 17 વર્ષથી સત્તાથી દૂર રહેલા આ પક્ષને વધુ પાંચ વર્ષ માટે (2007થી 2012 સુધી) વિરોધપક્ષમાં બેસવું પડશે. ડિસેમ્બર, 2007ની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી કૉંગ્રેસ-પક્ષ 59 બેઠકો મેળવી દ્વિતીય સ્થાને આવ્યો છે, જ્યારે ભાજપે 117 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે.
ગુજરાત કૉંગ્રેસમાં બદલાતા સમય સાથે સમાયોજન (adjustment) કરવાની ક્ષમતા હોવા છતાં, ભૂતકાળની તેની કારકિર્દીની તુલનાએ આંતરિક નિર્બળતા અને અનેક બાહ્ય પરિબળોને કારણે તેનો વર્તમાન પ્રભાવ ઓસરતો જાય છે. આ ઉપરાંત આટલા લાંબા ગાળા છતાં રાજ્યવ્યાપી, સૌને સ્વીકાર્ય અને માતબર નેતૃત્વ આ પક્ષ વિકસાવી શક્યું નથી. એકંદરે જૂનો પ્રભાવ અને અસરકારકતા ફરીથી પ્રાપ્ત કરવા માટે કૉંગ્રેસ-પક્ષે નવેસરથી પ્રયાસો કરવાની તાતી જરૂર છે.
કિરીટકુમાર જે. પટેલ
દેવેન્દ્ર ભટ્ટ
રક્ષા મ. વ્યાસ