કૈસર વિલિયમ બીજો (શાસનકાળ 1888-1918) : જર્મનીનો સમ્રાટ. તે ઉગ્ર રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદનો પુરસ્કર્તા હતો. આથી તેણે જર્મનીની લશ્કરી તેમજ નૌકા-તાકાતનો ભારે વિકાસ કરીને, એશિયા તથા આફ્રિકામાંનાં જર્મન સંસ્થાનોનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી. પરિણામે જર્મનીને ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સાથે સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. જર્મનીના એકીકરણમાં મુખ્ય ભાગ ભજવી તેને મહાન રાષ્ટ્ર બનાવનાર જર્મનીના વડા પ્રધાન બિસ્માર્ક કૈઝર વિલિયમની આવી નીતિ સાથે અસંમત થતાં, વિલિયમે તેને રાજીનામું આપવાની ફરજ પાડી (માર્ચ 1890). તેના અનુગામી વડા પ્રધાનો વિલિયમના કહ્યાગરા હતા. એટલે વિલિયમને પોતાની વિસ્તારવાદી નીતિમાં છૂટો દોર મળ્યો.
યુરોપના અન્ય દેશોની માફક જર્મનીમાં પણ ઓગણીસમી સદીના અંત સુધીમાં ઝડપી ઉદ્યોગીકરણ થયું હતું. આથી જર્મનીને પુષ્કળ કાચા માલની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિણામે જર્મનીએ એશિયા અને આફ્રિકાના દેશોમાં સાંસ્થાનિક વિસ્તાર કરીને તેમની પાસેથી કાચો માલ મેળવી પોતાનો તૈયાર માલ સસ્તી કિંમતે એશિયા અને આફ્રિકાના દેશોમાં વેચવા માંડ્યો. આનાથી ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. વળી વિલિયમે જર્મનીનો માલ સીધો એશિયાના દેશોમાં પહોંચાડવા બર્લિન-બગદાદ રેલવેની યોજના કરી. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે તેનો તીવ્ર વિરોધ કરતાં તેને તે પડતી મૂકવી પડી હતી.
જર્મનીની આવી નીતિ સામે ઇંગ્લૅન્ડે જાપાન, ફ્રાન્સ તથા રશિયા સાથે સંધિઓ કરીને જર્મની વિરુદ્ધ વિશ્વનાં મુખ્ય રાષ્ટ્રોનું જૂથ ઊભું કર્યું, જેનાથી જર્મનીનો સાંસ્થાનિક વિસ્તાર રૂંધાયો. આનાથી તેમજ અન્ય રાજકીય, લશ્કરી તથા આર્થિક કારણોને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, જેમાં એક બાજુ જર્મની, તુર્કી તથા અન્ય બે રાષ્ટ્રો, જ્યારે બીજી બાજુ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રો હતાં. ચાર વર્ષ (1914-18) ચાલેલા આ ભીષણ યુદ્ધમાં છેવટે જર્મનીનો પરાજય થયો અને વિલિયમ બીજો નેધરલૅન્ડ નાસી ગયો. આમ, કૈસર વિલિયમ બીજાની સામ્રાજ્યવાદી નીતિએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો વિનાશ નોતર્યો. તેનું પુનરાવર્તન પછીથી હિટલરના સમયમાં થયું હતું.
રમણલાલ ક. ધારૈયા