કૉઇક્સ : વર્ગ એકદલા, કુળ ગ્રેમિનીની વનસ્પતિની એક પ્રજાતિ. આ પ્રજાતિ લગભગ 9 જાતિઓ ધરાવે છે. C. lacryma-jobi, Linn; અં. Job’s tears; હિં. संकरु એ સૌથી મહત્વની જાતિ છે અને તે નાસપતિ આકારનાં ચળકતાં ફળ માટે ઉગાડાય છે. ફળનો ખોરાક તરીકે તેમજ શોભા માટે ઉપયોગ થાય છે.

તે 3થી 6 ફૂટની ઊંચાઈ ધરાવતું એકવર્ષાયુ ઘાસ છે. તેનાં પર્ણો લાંબાં અને સાંકડાં હોય છે. તે એકગૃહી હોય છે અને તેનાં મોટાં નાસપાતી આકારનાં ચળકતાં ફળો આંસુ જેવાં દેખાય છે. તે સફેદ કે આછા બદામી રંગના ચોખા જેવા દાણા ધરાવે છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ કે કક્ષસ્થ, લટકતી કલગી સ્વરૂપે જોવા મળે છે. નર શૂકિકાઓ ઉપરના ભાગે અને માદા શૂકિકાઓ નીચેના ભાગે જોવા મળે છે. તે ભેજવાળી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.

ફળની લંબાઈ 6 મિમી. જેટલી હોય છે, જે સિલિકાયુક્ત સખત ફલાવરણ ધરાવે છે. તેનાં બીજ સફેદ, પીળાં કે જાંબલી રંગનાં હોય છે. બીજમાં 10.1 %થી 11.3 % પાણી, 10.3 % થી 12.1 % પ્રોટીન, 72.7 %થી 74.3 % કાર્બોહાઇડ્રેટ્સ, 3.1 %થી 3.8 % ઈથર-નિષ્કર્ષ, 0.29 %થી 0.32 % રેસા, 0.70 %થી 0.99 % ખનિજતત્વ, 0.005 %થી 0.006 % કૅલ્શિયમ અને 0.3 %થી 0.5 % ફૉસ્ફરસ હોય છે. તેના બીજમાંથી પ્રોલેમીન, કોઇસિન, લ્યુસિન અને ગ્લુટામિક ઍસિડ છૂટાં પાડી શકાયાં છે.

તેનાં બીજ ચોખાની અવેજી તરીકે વપરાય છે. તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનું વધારે પ્રમાણ ખૂબ મહત્વનું છે.

ફળમાંથી મદ્યાર્કમિશ્રિત ઔષધ કે ઉકાળો બનાવાય છે, જે શરદીમાં અને મૂત્રમાર્ગના સોજા માટે ઉપયોગી છે. તેની કેટલીક ઉપજાતિઓ-સ્ટીનોકાર્પા અને મોનીલીફેરા-નો નેકલેસ, પડદા અને જપમાળા બનાવવામાં ઉપયોગ થાય છે. તેનાં પાંદડાં ઢોર, ઘોડા તેમજ હાથી માટે ખોરાક તરીકે ઉપયોગી છે. તેની સળીઓ અને તેનાં પાંદડાંનો ઉપયોગ છાપરું બનાવવામાં થાય છે.

બળદેવભાઈ પટેલ