કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી)

કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી) : ઊંચું સીધું થતું વર્ગ દ્વિદલા અને કુળ લૅસિથિડેસીનું ઝાડ. એનું શાસ્ત્રીય નામ Couroupita guianensis છે. એનાં પાન ઝૂમખાંમાં આવે છે. તે પાનખર ઋતુમાં ખરી જાય છે અને પછી ફૂલ તથા નવાં પાન આવે છે. આ ઝાડ ઘણી વિચિત્રતાઓ ધરાવે છે અને તેનાં જુદાં જુદાં નામ અર્થસૂચક છે.

નીચે શિવલિંગ અને ઉપર નાગની ફણા હોય એવા આકારનાં એનાં ફૂલ ગુલાબી રંગનાં જાડાં હોય છે. ફૂલ સુગંધીદાર હોય છે અને થડની ઉપર જ લાંબી લાંબી ડાળીઓ ઉપર લાગેલાં હોય છે. ફૂલની રચના ઉપરથી તેને કૈલાસપતિ અથવા તમિળ ભાષામાં નાગલિંગમ્ કહે છે.

ફૂલ આવતાં બંધ થયા પછી તેનાં ફળ લગભગ નાળિયેર જેટલાં મોટાં, ગોળ, તોપના ગોળાના આકાર, કદ તથા રંગનાં અને થડને લાગીને જ આવે છે. તેથી જ તેને અંગ્રેજીમાં ‘કૅનન બૉલ ટ્રી’ (તોપના ગોળાનું ઝાડ) કહે છે. ફળ પાકે ત્યારે ગંધાય છે.

મ. ઝ. શાહ