કૈકેયી : રામાયણનું પાત્ર. કેકયરાજ અશ્વપતિની કન્યા. દશરથની અતિપ્રિય કનિષ્ઠ પત્ની. કૈકેયીનો પુત્ર ગાદીવારસ થાય એ શરતે અશ્વપતિએ દશરથ સાથે તેને પરણાવેલી. કામલોલુપ દશરથે આ શરત સ્વીકારેલી. એક સમયે દેવ-દાનવયુદ્ધમાં દશરથ ઇન્દ્રની સહાયતા અર્થે ગયેલા ત્યારે તે કૈકેયીને સાથે લઈ ગયેલા. યુદ્ધમાં દશરથના રથચક્રનો ખીલો નીકળી ગયો ત્યારે કૈકેયીએ પોતાનો અંગૂઠો ત્યાં ભરાવી રાખેલો. તેના આ કૃત્યથી પ્રસન્ન થયેલા દશરથે તેને બે વરદાન માગવા કહ્યું. કૈકેયીએ તે વખતે વરદાન માગ્યાં ન હતાં. અપુત્ર દશરથે ઋષ્યશૃંગ મુનિની સલાહથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો તેનો ચરુ ત્રણેય રાણી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને પ્રસાદ રૂપે આપ્યો. તેના પ્રતાપે કૌશલ્યાને રામ, સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન, તથા કૈકેયીને ભરત – એમ ચાર પુત્રો થયા. ચારેય પુત્રો પરસ્પર ખૂબ સ્નેહથી રહેતા અને જ્યેષ્ઠ ભ્રાતા રામને ઘણું માન આપતા. દશરથ રામને યુવરાજપદે સ્થાપવા ઇચ્છતા હતા. પણ ભરતને રાજ્યપદ આપવાનું એમણે અશ્વપતિને વચન આપ્યું હતું. તેથી કૈકેયી અને તેના પિતૃપક્ષથી છાના તેમણે રામના યૌવરાજ્યાભિષેકની તૈયારી કરી. દાસી મંથરાએ આ વાત કૈકેયીને કહી. પહેલાં તો આ વાતથી કૈકેયી પ્રસન્ન થઈ, પણ પછી મંથરાની ચઢવણીથી તેણે દશરથે આપેલાં બે વરદાન આ સમયે માગ્યાં. તેમાં એક વરદાન અનુસાર ભરત યુવરાજપદે આવે અને બીજા અનુસાર રામ ચૌદ વર્ષ વનમાં રહે તેમ માગ્યું. દશરથે આ વરદાન આપ્યાં, પણ નિરાશાના આઘાતથી તેમનું મૃત્યુ થયું. ભરત મોસાળમાં હતા. ત્યાંથી તે અયોધ્યા આવ્યા. પણ ભરતે રાજ્યપદનો સ્વીકાર ન કર્યો. રામને વનવાસ મોકલવા બદલ ભરતે કૈકેયીની કઠોર શબ્દોમાં ભર્ત્સના કરી. હવે કૈકેયીને પશ્ચાત્તાપ થયો અને રામને પાછા વાળવા ગયેલા ભરત સાથે ગયેલી કૌશલ્યા અને સુમિત્રા સાથે કૈકેયી પણ ચિત્રકૂટ ગયેલી. સ્ત્રીસુલભ નિર્બળતાઓ હોવા છતાં તેના કેટલાક ગુણ પણ વાલ્મીકિએ વર્ણવ્યા છે.
પદ્મપુરાણ અનુસાર કૈકેયી પૂર્વજન્મમાં પતિવચનથી વિપરીત આચરણ કરનારી કલહા નામે બ્રાહ્મણી હતી. શ્રાદ્ધના પિંડ તેણે શૌચકૂપમાં નાખ્યા તેથી તે પિશાચ થયેલી. પણ ધર્મદત્ત બ્રાહ્મણે તેનો ઉદ્ધાર કર્યો. પછીના જન્મમાં તે બંને દશરથ-કૈકેયી થયાં. પૂર્વજન્મના સ્વભાવને કારણે કૈકેયીમાં સ્વભાવદોષ આવેલો.
જયન્ત પ્રે. ઠાકર