કેસરી : ભારતના બે રાષ્ટ્રીય નેતાઓ ગોપાળ ગણેશ અગરકર અને લોકમાન્ય ટિળકે 4 જાન્યુઆરી 1881ના રોજ મરાઠી ભાષામાં શરૂ કરેલું સાપ્તાહિક. એ સાપ્તાહિકનો મુખ્ય ઉદ્દેશ હતો જનતાને
સામાજિક અને રાજકીય ક્રાન્તિ માટે તૈયાર કરવાનો. પ્રથમ અંકમાં ‘કેસરી’ નામ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેસરી સિંહને કહે છે અને ભારતની જનતા અંગ્રેજોની સામે સિંહની જેમ લડવાની છે. એ સાપ્તાહિકમાં રાજકીય, સાહિત્યિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાંપ્રત બનાવો વિશે લેખો લખાતા. સાપ્તાહિકની ભાષા ઉગ્ર, બલિષ્ઠ અને સર્વભોગ્ય હતી. એમાંના તંત્રીલેખ માટે ટિળકને ત્રણ વાર સરકારે સજા કરી હતી. એક વાર કોલ્હાપુરના યુવરાજ પર દીવાને ગુજારેલા જુલમ વિશે, બીજી વાર શિવાજી જયંતી વિશે અને ત્રીજા પ્રસંગે બંગભંગના આંદોલન વિશે લખ્યું હતું. ત્રીજા લેખ માટે એમને છ વર્ષની દેશનિકાલની સજા કરવામાં આવી હતી. 30 વર્ષ સુધી ટિળકે એનું તંત્રીપદ સંભાળી, મહારાષ્ટ્રની પ્રજાને ક્રાન્તિ માટે તૈયાર કરી. એમના મૃત્યુ પછી નરસિંહ ચિંતામણ કેળકરે એનું તંત્રીપદ સંભાળ્યું. કેળકર પણ સમર્થ લેખક હતા. મરાઠી પત્રોમાં ‘કેસરી’નું સ્થાન ગૌરવભર્યું છે. ઈ. સ. 2000માં તેના તંત્રી તરીકે અરવિંદ વ્યંકટેશ ગોખલે હતા, પરંતુ હવે (2004માં) તેના પ્રકાશક ને મુદ્રક ડૉ. દીપક જયન્ત ટિળક છે. આ પત્રની માલિકી કેસરી મરાઠા ટ્રસ્ટ હસ્તક છે અને હવે તે ત્રણ શહેરો(પુણે, સોલાપુર અને અહમદનગર)માંથી દૈનિક રૂપે પ્રગટ થાય છે.
લલિતા મિરજકર