કેશગુલ્મ (trichobezoar) : માનસિક વિકારને કારણે સતત લાંબા સમય સુધી વાળ ગળવાથી જઠરમાં થતો વાળ અને ખોરાકના કણોનો ગઠ્ઠો. તે સ્ત્રીઓમાં જોવા મળે છે અને 80 % દર્દીઓ માનસિક રોગથી પીડાતા હોય છે. સામાન્ય રીતે નાની છોકરીઓ અને યુવાન સ્ત્રીઓમાં તે જોવા મળે છે. ઘણી વખત કુટુંબની અન્ય વ્યક્તિઓને દર્દીની વાળ ગળવાની ટેવની ખબર હોય છે. ઘણી વખત આવાં દર્દી અન્ય ચીજો પણ ગળી જતાં હોય છે અને તેથી તેના કેશગુલ્મમાં સેફ્ટી પિન, સિક્કા, પેન્સિલ વગેરે પણ જોવા મળે છે. જઠરમાં બધું એકઠું થાય છે અને તેનાથી બનતો ગઠ્ઠો જઠરના જ આકારનો બને છે (જુઓ આકૃતિ). ક્યારેક તે જઠરના આંતરડા તરફના દ્વારમાં થઈને આંતરડામાં લંબાય છે. જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેમ જઠર પહોળું થતું જાય છે.
કેશગુલ્મવાળી સ્ત્રી-દર્દી લાંબા સમયનો પેટનો દુખાવો, ઊબકા, ઊલટી તથા પેટમાં ગાંઠની તકલીફ ધરાવતી હોય છે અથવા તો ક્યારેક ઉગ્ર (acute) દુખાવો અને જઠરમાં કાણું પડવું, આંતરડામાં અવરોધ થવો, લોહીની ઊલટી થવી કે પરિતન-કલાશોથ (peritonitis) જેવાં તાત્કાલિક શસ્ત્રક્રિયાની જરૂરિયાત દર્શાવતાં સંલક્ષણો(syndromes)નાં ચિહનો ધરાવતાં હોય છે. શારીરિક તપાસ, દર્દીની માનસિક સ્થિતિ, તેની વાળ ગળવાની ટેવની હકીકત, પેટનું એક્સ-રે ચિત્રણ તથા જઠરાન્ત:દર્શન (gastroscopy) વડે નિદાન શક્ય બને છે. એક્સ-રે ચિત્રણમાં જઠરના આકારની ગાંઠ તથા જઠરાન્ત:દર્શનની તપાસ નિદાનસૂચક ગણાય છે.
શસ્ત્રક્રિયા કરીને વાળના ગઠ્ઠાને દૂર કરવામાં આવે છે. જોકે તાત્કાલિક શસ્ત્રક્રિયાની જરૂરિયાતવાળાં સંલક્ષણોમાં જે તે વિકાર પ્રમાણે સારવાર અપાય છે. માનસિક વિકાર કારણરૂપ હોય તો ઘણી વખત દર્દી ફરી ફરીને તે વિકારનો ભોગ બની શકે છે. તે કારણે તેને માનસિક વિશેષજ્ઞની સારવારની જરૂર પડે છે. ફરી શસ્ત્રક્રિયા કરવી પડશે એવો ભય પણ વાળ ગળવાની ક્રિયા અટકાવવામાં ઘણી વખત ઉપયોગી રહે છે.
અન્ય ગુલ્મ (bezoar) : જ્યારે શાકભાજીના રેસા, છાલ અને બીજથી ગઠ્ઠો બને ત્યારે તેને વનસ્પતિગુલ્મ (phytobezoar) કહે છે. માટી અને પથરીઓથી જઠરમાં બનતા ગુલ્મને અશ્મરીગુલ્મ (lithobezoar) કહે છે, જ્યારે દૂધ, દહીં વગેરે જામી જવાથી દુગ્ધગુલ્મ (lactobezoar) બને છે. તેના નિદાન-સારવારના સિદ્ધાંતો સરખા જ છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી