કેળકર, યશવંત દામોદર (જ. 10 જુલાઈ 1929; અ. 10 જાન્યુઆરી 2003, વડોદરા) : જાણીતા નાટ્યવિદ. મૂળ સાંગલી, મહારાષ્ટ્રના વતની. બી.એસસી. (ઑનર્સ) તથા બી.ટી. સુધીનો અભ્યાસ સાંગલી તેમજ કોલ્હાપુર ખાતે. પાંચ વર્ષની નાની ઉંમરે રંગભૂમિ ઉપર પદાર્પણ. 1959માં શિક્ષકની નોકરી છોડી, દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં વિદ્યાર્થી તરીકે જોડાઈ, 1962માં ‘ડિપ્લોમા ઇન ડ્રામૅટિક્સ’ની પદવી, નાટ્યનિર્માણમાં વિશેષજ્ઞતા સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવી, સ્કૂલના ‘બેસ્ટ ઑલ-રાઉન્ડર સ્ટુડન્ટ’ તરીકેનો ભારત એવૉર્ડ પ્રાપ્ત કર્યો. 1963માં મ. સ. વિશ્વવિદ્યાલયના નાટ્યવિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1972માં રંગતંત્રના વિશેષ અભ્યાસ માટે ડૉઇશ ઓપર બર્લિનમાં જોડાયા અને 1973માં ફ્રાન્સ તથા ઇંગ્લૅન્ડના નાટ્યવિશ્વની યાત્રા કરી. 1965થી 1980 સુધીની અખિલ ભારત મરાઠી નાટ્ય પરિષદના સંયુક્ત કાર્યવાહક. 1969થી 1981 બરોડા ઍમેચ્યોર્સ ડ્રામૅટિક ક્લબના પ્રમુખ. 1982થી 1985 ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી તથા તેની સ્થાયી સમિતિના સભ્ય હતા.
નાટ્યકળાનાં સર્વ અંગોમાં એકસરખા પારંગત. વડોદરા સ્થાયી થયા પછી આજ સુધી 100 ઉપરાંત ગુજરાતી, મરાઠી નાટકોમાં દિગ્દર્શક, અભિનેતા, ર્દશ્ય-પ્રકાશ-આયોજક એમ ત્રિવિધ કામગીરી. ‘ડાઉનટ્રેન,’ ‘નિસદિન બરસત નૈન હમારે,’ ‘ચીસ’, ‘મદીરા’, ‘સુમનલાલ ટી. દવે’, ‘આષાઢકા એક દિન’ વગેરે નાટકોના દિગ્દર્શક તરીકે વધુ જાણીતા. ‘પરિત્રાણ’ નાટકમાં શકુનિની ચિરસ્મરણીય ભૂમિકા. દૂરદર્શન, રેડિયો ઉપર અવારનવાર કાર્યક્રમો તથા વ્યાખ્યાનો. ‘લોકસત્તા’, ‘લોકપ્રભા’, ‘નવરંગ’, ‘એનેક્ટ’, ‘સાધના’ વગેરે સામયિકોમાં લેખો. ‘નાટ્યનિર્મિતિ’ (મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા પુરસ્કૃત) તથા ‘રંગતંત્ર’ એમણે લખેલાં મહત્વનાં પુસ્તકો છે. મરાઠાવાડા વિદ્યાપીઠ, ઔરંગાબાદ ખાતે 1976થી દર વર્ષે વિઝિટિંગ પ્રોફેસર તરીકે નાટ્યવિષયક વ્યાખ્યાનો આપ્યાં. મહારાષ્ટ્ર સરકાર, ગુજરાત સરકાર, દ. ગુ. યુનિવર્સિટી અને મરાઠી નાટ્ય પરિષદ માટે અનેક નાટ્યશિબિરોનું આયોજન તેમણે કર્યું હતું. ઈ. સ. 1971નો મરાઠી અવેતન રંગભૂમિના શ્રેષ્ઠ નટ તરીકે અ. ભા. મરાઠી નાટ્ય પરિષદનો ગણપતરાવ ભાગવત રૌપ્ય ચંદ્રક તેમને એનાયત થયેલો. ઉત્તમ નાટ્યશિક્ષક તરીકે પણ તેમને નામના મળી છે. નિવૃત્તિ પછી તે ગોવાની નાટ્ય અકાદમી સાથે સંકળાયેલા રહ્યા.
મહેશ ચંપકલાલ શાહ