કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’

January, 2008

કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના

લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ કેળકર

એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર દાતે મહાબળેશ્વર ખાતે વૈદનો વ્યવસાય કરતા હતા. લક્ષ્મીબાઈએ છ વર્ષની ઉંમરે 1911માં શાળામાં પ્રવેશ કર્યો (1911-19). દહેજની માગણી કરનાર યુવાન સાથે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. 1919માં ચૌદ વર્ષની ઉંમરે વર્ધાના નિવાસી અને જમીન ધરાવતા સંપન્ન કેળકર પરિવારના નબીરા પુરુષોત્તમ ઉર્ફે ભાઉરાવ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. મહારાષ્ટ્રિયન પરિવારના રિવાજ મુજબ લગ્ન પછી કમલનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. ભાઉરાવ કેળકરનાં આ બીજી વારનાં લગ્ન હતાં. પ્રથમ પત્નીથી તેમને બે પુત્રીઓ હતી, જેમના ઉછેરની જવાબદારી લગ્નના દિવસથી જ લક્ષ્મીબાઈને સોંપવામાં આવી હતી. 1920માં નાગપુર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું. તે પૂર્વે લોકમાન્ય ટિળકનું અવસાન થયું હતું અને તેથી કૉંગ્રેસની ધુરા મહાત્મા ગાંધીના ખભા પર મૂકવામાં આવનાર હતી. આ અધિવેશનમાં હાજરી આપવા માટે આવેલા પ્રતિનિધિઓમાં વર્ધાના જમનાલાલ બજાજ તથા તેમનાં પત્ની જાનકીદેવી પણ હતાં. જમનાલાલ ભાઉરાવ કેળકરના અંગત મિત્ર હોવાથી અધિવેશનના દિવસો દરમિયાન જાનકીદેવી સાથે લક્ષ્મીબાઈનો પરિચય થયો. તે પૂર્વે રાષ્ટ્રભક્તિ અને સમાજકાર્યના પ્રાથમિક બોધપાઠ લક્ષ્મીબાઈને તેમના લગ્નપૂર્વે પિયરમાં તેમની માતા યશોદાબાઈ પાસેથી, લોકમાન્ય ટિળકના ‘કેસરી’ મારફત મળ્યા હતા. નાગપુર અધિવેશન પછી મહાત્મા ગાંધી વર્ધા જવાના હતા, જ્યાં આશ્રમ ખોલવાનો તેમનો વિચાર હતો. જમનાદાસ બજાજના લક્ષ્મીનારાયણ ચોકમાં ગાંધીજીનું વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ હાજરી આપવા લક્ષ્મીબાઈ પોતાનાં જેઠાણી અન્નપૂર્ણાબાઈ સાથે નાગપુરથી વર્ધા ગયાં અને ગાંધીજીના વ્યાખ્યાન પછી ‘ટિળક ફંડ’ માટે ફાળો આપવાની ગાંધીજીએ જ્યારે હાકલ કરી ત્યારે બંને જેઠાણી-દેરાણીએ પોતપોતાના ગળામાં સોનાની જે માળા હતી તે ‘ટિળક ફંડ’ માટે દાનમાં આપી દીધી. 1922માં જાનકીબાઈ બજાજના પ્રોત્સાહનથી લક્ષ્મીબાઈ સ્વદેશીની ચળવળમાં સક્રિય બન્યાં તથા તેના ભાગ રૂપે પરદેશી વસ્તુઓનો તેમણે તત્કાલ ત્યાગ કર્યો. 1923માં લક્ષ્મીબાઈની પહેલથી વર્ધા ખાતે પ્રથમ ભગિની મંડળની સ્થાપના કરવામાં આવી. માર્ચ, 1929ના રોજ સાયમન કમિશને નાગપુરની મુલાકાત લીધી ત્યારે તેના વિરોધમાં નાગપુર અને આસપાસના વિસ્તારોમાં જે જનઆંદોલન આયોજિત કરવામાં આવ્યું તેમાં લક્ષ્મીબાઈએ સક્રિય ભાગ લીધો. 1930માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની આગેવાની લીધી અને તેના અનુસંધાનમાં વર્ધા અને નાગપુર ખાતે અનેક પ્રકારનાં રચનાત્મક કાર્યક્રમો અને આંદોલનોનું આયોજન કરવામાં આવ્યું. આમાંથી મોટાભાગનાં આંદોલનો અને કાર્યક્રમોમાં લક્ષ્મીબાઈએ સક્રિય ભાગ લીધો હતો; દા.ત., વિદેશી માલનું વેચાણ કરનાર દુકાનોનું પિકેટિંગ, સભા-સરઘસો, સત્યાગ્રહ વગેરે. તેઓ જાતપાતના વાડામાં માનતાં ન હતાં અને તેથી તેમણે તેમનું ઘરકામ કરવા માટે લોકોનાં વિરોધ અને નિંદા છતાં એક હરિજનબાઈને રાખી હતી. 1932માં પતિનું ક્ષયરોગથી અવસાન થયું. 1936માં વર્ધા ખાતે છોકરીઓ માટે અલાયદી કન્યાશાળાની શરૂઆત કરવામાં આવી. તેમાં લક્ષ્મીબાઈનાં જેઠાણી શાંતાબાઈ જે પોતે ભણેલાં હતાં તેમણે અગ્ર ભૂમિકા ભજવી હતી અને તેમને ઉપર્યુક્ત કાર્ય કરવામાં લક્ષ્મીબાઈએ પ્રેરણા આપી હતી. શરૂઆતનાં કેટલાંક વર્ષો દરમિયાન લક્ષ્મીબાઈ તે શાળાની કારોબારી સમિતિનાં સભ્ય હતાં અને શાંતાબાઈના અવસાન પછી ઘણાં વર્ષો સુધી લક્ષ્મીબાઈએ આ કન્યાશાળાનું ઉપાધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ શાળાની શરૂઆત થઈ તે પૂર્વે 1934-35માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. વળીરામ હેડગેવારને રૂબરૂ મળવાનો અને તેમની સાથે સામાજિક કાર્ય વિશે ચર્ચા કરવાનો મોકો લક્ષ્મીબાઈને મળ્યો હતો અને તેના પરિપાક રૂપે જ 1936માં વિજયાદશમીના દિવસે 25 ઑક્ટોબરના રોજ લક્ષ્મીબાઈએ ‘રાષ્ટ્રસેવિકા સમિતિ’ની સ્થાપના કરી. સમયાંતરે ઠેર ઠેર તેની શાળાઓ શરૂ થઈ અને તેમાં અન્ય કાર્યક્રમોની સાથોસાથ સ્વયંસેવિકાઓ માટે શારીરિક શિક્ષણ તથા બૌદ્ધિક અને પ્રશિક્ષણ-વર્ગોનું આયોજન થવા લાગ્યું. ડિસેમ્બર 2004ની માહિતી મુજબ ભારતમાં આ સંગઠનની આશરે 3000 શાખાઓ તથા વિશ્વના અન્ય 22 દેશોમાં 87 જેટલી શાખાઓ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત, આ સંસ્થાના નેજા હેઠળ 29 પ્રતિષ્ઠાનો (ટ્રસ્ટો) તથા 240 જેટલી સેવાકાર્ય કરતી સંસ્થાઓ કાર્યરત છે. આ સંગઠનને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમકક્ષ મહિલા સંગઠન ગણવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જેમ રાષ્ટ્રસેવિકા સમિતિનાં પણ પૂર્ણ સમયનાં મહિલા કાર્યકરો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા પ્રણીત યુદ્ધનિધિમાં ફાળો આપવાની લક્ષ્મીબાઈએ સદંતર ના પાડી, જેના પરિણામે તેમના પરિવારની હિંગણઘાટ વિસ્તારની માલગુજારીનો અધિકાર જપ્ત કરવાનો સરકાર રાહે પ્રયત્ન થયેલો, જેની સામે લક્ષ્મીબાઈએ એકલા હાથે સફળતાપૂર્વક વિરોધ કર્યો હતો.

મહાત્મા ગાંધી જ્યારે જ્યારે વર્ધા ખાતે ઉતારો રાખતા ત્યારે ત્યારે તેમની સાયંપ્રાર્થનામાં લક્ષ્મીબાઈ અચૂક હાજર રહેતાં. એક સાયંપ્રવચનમાં મહાત્માજીએ ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓને ઉદ્દેશીને કહેલું કે વિશ્વની દરેક સ્ત્રીએ સતી સીતાનો આદર્શ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. આમ થાય તો પુરાણ-પુરુષોત્તમ રામનો પુનર્જન્મ થશે. સ્વામી વિવેકાનંદના સ્ત્રીવિષયક વિચારોથી પણ લક્ષ્મીબાઈ પ્રભાવિત થયાં હતાં. આ બધાંમાંથી પ્રેરણા લઈને લક્ષ્મીબાઈએ રામાયણનો ઊંડો અભ્યાસ કર્યો અને ઠેર ઠેર ખાસ સ્ત્રીવર્ગ માટે રામાયણની કથા અને તેમાંથી ઊપસી આવતા રામાયણના આદર્શો પર પ્રવચનો આપવાની શરૂઆત કરી જેને ખૂબ સફળતા અને લોકપ્રિયતા ઝડપથી પ્રાપ્ત થઈ.

ભારતના ભાગલા પડ્યા તેના બે જ દિવસ અગાઉ સિંધની બહેનોની હાકલ સાંભળીને લક્ષ્મીબાઈ રાષ્ટ્રસેવિકા સમિતિની બીજી એક મહિલા સાથે કરાંચી ગયાં, જ્યાં 14 ઑગસ્ટના રોજ તેમણે ત્યાંની મહિલાઓની એક સભાને સંબોધન કર્યું.

ભારતને આઝાદી મળ્યા પછી લક્ષ્મીબાઈના અવસાન (1978) સુધીના ગાળામાં તેમના હસ્તે તથા માર્ગદર્શન હેઠળ નીચેનાં કાર્યો સંપન્ન થયાં છે :

(1) 1953માં મુંબઈ ખાતે ‘ભારતીય સ્ત્રીજીવન વિકાસ પરિષદ’ની સ્થાપના. બહેનો માટે અલાયદા અભ્યાસક્રમને આધારે તેમને શિક્ષણ આપવાના હેતુથી ‘ગૃહિણી વિદ્યાલય’ની સ્થાપના.

(2) 1958માં નાસિક ખાતે રાણી લક્ષ્મીબાઈ સ્મારક.

(3) રામાયણ-વિષયક પ્રવચનોના માધ્યમથી રાષ્ટ્ર સેવિકા સમિતિની શાખાઓના વિસ્તાર ઉપરાંત પ્રાર્થનાકેન્દ્રો તથા ઉત્સવશાખાઓનો શુભારંભ. 1958માં નાગપુર ખાતે રાણી લક્ષ્મીબાઈ ભજનિક મંડળની સ્થાપના.

(4) 1961માં વર્ધા ખાતે સમિતિનો અખિલ ભારતીય મેળાવડો.

(5) 1964માં ઠેર ઠેર ષષ્ઠીપૂર્તિ સમારોહ. મુખ્ય કાર્યક્રમ નાગપુર ખાતે. તે જ અરસામાં નાગપુર ખાતે દેવી અહલ્યા મંદિરની સ્થાપના.

(6) 1967માં રાષ્ટ્ર સેવિકા સમિતિના નેજા હેઠળ સમગ્ર દેશમાં ભગિની નિવેદિતા જન્મશતાબ્દી સમારોહ.

(7) 1969માં મુંબઈ ખાતે રાજમાતા જિજાબાઈ ટ્રસ્ટની સ્થાપના.

(8) 1972માં વર્ધા ખાતે અષ્ટભુજા દેવીના મંદિરની સ્થાપના.

(9) 1974 જિજામાતાની ત્રણસોમી પુણ્યતિથિના સમારોહનું તેમના જન્મસ્થાને આયોજન.

લક્ષ્મીબાઈ કેળકર તેમના અનુયાયીઓ તથા પ્રશંસકોમાં ‘વંદનીય માવશીબાઈ’(ગુજરાતીમાં ‘મૌસીજી’)ના હુલામણા નામથી જાણીતાં છે.

શ્રીમતી સુશીલા મહાજન દ્વારા લક્ષ્મીબાઈ કેળકરનો જીવનવૃત્તાંત ‘દીપજ્યોતિર્નમોસ્તુતે’ શીર્ષક હેઠળ 1986માં પ્રકાશિત થયો છે. પંડિત સાતવળેકરજીએ ‘વક્તા દશસહસ્રેષુ’ એમ કહીને લક્ષ્મીબાઈ કેળકરનું ગૌરવ કર્યું હતું.

તેમનાં પ્રવચનોના સંગ્રહનો મરાઠી, હિંદી, ગુજરાતી, તેલુગુ, કન્નડ જેવી ભાષાઓમાં અનુવાદ પ્રકાશિત થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે