કેરળ સાહિત્યચરિત્રમ્

January, 2008

કેરળ સાહિત્યચરિત્રમ્ (1953-57) : કેરળના સાહિત્યના ઇતિહાસની બૃહદ્ ગ્રંથશ્રેણી. 7 ગ્રંથોની આ શ્રેણી કેરળના વિદ્વાન કવિ ઉલ્લુરના 40 વર્ષના અભ્યાસ તથા સંશોધનના નિચોડરૂપ છે. પ્રથમ ગ્રંથ 1953માં અને છેલ્લો સાતમો ગ્રંથ 1957માં પ્રગટ થયો હતો. તેમણે કેરળમાં મલયાળમ તથા સંસ્કૃત એ બંને ભાષામાં લખાયેલી નાનીમોટી તમામ કૃતિઓનાં વિગતવર્ણન ઉપરાંત વિવેચનલક્ષી સમીક્ષા આપવાનો ખંતીલો પરિશ્રમ કર્યો છે. વિવિધ ભાષાઓ તથા સાહિત્યપ્રવાહો સાથે તેમનો લાંબો અને ઊંડો પરિચય હોવાથી, ઉલ્લુર કર્તા, કૃતિ તથા સાહિત્યના પ્રવાહો અને શૈલીની માહિતીપૂર્ણ અને તટસ્થ મુલવણી કરી શક્યા છે અને સ્વતંત્ર તારણો આપી શક્યા છે. પોતાના સમયમાં હયાત ન હોય અને વિદ્વાનોને પણ જેની જાણકારી ન હોય એવાં કર્તા તથા કૃતિઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. પરિણામે મલયાળમ ભાષાના સાહિત્યના અભ્યાસ માટે આ શ્રેણી અત્યંત આધારભૂત બની રહી છે.

અક્કવુર નારાયણન્