કેરથર્ઝ, વૉલેસ હ્યૂમ (જ. 27 એપ્રિલ 1896, બર્લિંગ્ટન, યુ.એસ.; અ. 29 એપ્રિલ 1937, ફિલાડેલ્ફિયા) : અમેરિકન રસાયણશાસ્ત્રી. તેમણે ઇલિનૉઇસ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી 1928માં ડ્યુ પૉન્ટ કંપનીની વિલમિંગ્ટન, ડેલ.ની કાર્બનિક સંશોધન પ્રયોગશાળાના ડિરેક્ટરપદે નિમાયા. ત્યાં તેમણે મોટા અણુભાર ધરાવતા બહુલકોનાં અણુભાર અને બંધારણ નક્કી કરવાનું સંશોધનકાર્ય કર્યું. આમાં પહેલી સફળતા સંશ્ર્લેષિત રબર નિયોપ્રિનથી મળી, જે 1932થી બજારમાં આવ્યું. તેમણે સંશ્લેષિત નાયલૉનની શોધ કરી અને તેમાંથી રેસા બનાવ્યા. આ રેસા સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના રેસા કરતાં વધુ ઉચ્ચ કોટિના માલૂમ પડ્યા. તેમણે વાઇનાઇલ એસેટિલીનમાંથી નિયોપ્રિનનું સંશોધન કર્યું. સફળ કારકિર્દી છતાં તેમણે માનસિક વિષાદને લીધે લગ્ન બાદ થોડા સમયમાં આપઘાત કર્યો. 1938માં નાયલૉનનો સંશ્લેષિત બહુલક-રેસાઓ તરીકે ઉદ્યોગમાં ઉપયોગ શરૂ થયો.
પ્રવીણસાગર સત્યપંથી