કૅરપોકલ અસર : 1875માં જ્હૉન કૅર અને બીજા વિજ્ઞાની પોકલે શોધેલી વૈદ્યુત-પ્રકાશીય (electro-optic) અસર. કૅર અસરમાં કોઈ પારદર્શક પ્રવાહીમાંથી પસાર થઈ રહેલા પ્રકાશની દિશાને કાટખૂણે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડતાં, એક વક્રીભૂત કિરણને બદલે બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થઈ, પદાર્થ દ્વિ-વક્રીભવન(double refraction)ની ઘટના દર્શાવે છે.

પારદર્શક માધ્યમમાં દાખલ થતું કિરણ કેટલું વંકાશે અર્થાત્ મૂળ દિશામાંથી તેનું કેટલું વિચલન (deviation) થશે તેનું માપ માધ્યમના વક્રીભવનાંક ‘n’ અથવા μ (ગ્રીક મૂળાક્ષર મ્યુ) વડે મળે છે. પ્રકાશના વેગના સંદર્ભમાં પણ વક્રીભવનાંકને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે મુજબ,

કૅર અસરમાં, વિદ્યુતક્ષેત્રની દિશામાં દોલન કરતા પ્રકાશનો તરંગવેગ, વિદ્યુતક્ષેત્રની દિશાને કાટખૂણાની દિશામાં દોલન કરતા પ્રકાશના તરંગવેગ કરતાં સહેજ જુદો હોવાથી, બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થતાં, દ્વિ-વક્રીભવનની ઘટના જોવા મળે છે. આમ પ્રકાશીય રીતે (optically) પારદર્શક માધ્યમ જેનો ગ્-અક્ષ (optic axis) વિદ્યુતક્ષેત્રની દિશાને સમાંતરે હોય એવા એક સ્ફટિકની જેમ વર્તે છે.

પારદર્શક પ્રવાહીને બદલે કેટલાક વિશિષ્ટ સ્ફટિકોમાં ઉદભવતી આવી જ ઘટનાને પોકલ અસર કહે છે. ઉદા. એમોનિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ (ADP) તથા પોટૅશિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ કેર અસરમાં દ્વિ-વક્રીભવનાંક વિદ્યુતક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે જ્યારે પોકલ અસરમાં તે વિદ્યુતક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અત્યંત ઝડપી પ્રકાશ ‘શટર’ની રચનામાં કૅર-પોકલ અસરનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ