કેરકર, કેસરબાઈ (જ. 13 જુલાઈ 1892, કેકર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. સંગીતમય વાતાવરણવાળા અને સંગીત પર આજીવિકા મેળવનાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ ગોવાની ગાયિકાઓના સહવાસનો લાભ એમને મળ્યો હતો. તેમના સૂચનથી માત્ર આઠ વર્ષની નાની ઉંમરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત કલાકાર ઉસ્તાદ અબ્દુલકરીમ ખાંસાહેબનાં તેઓ શિષ્યા બન્યાં, પરંતુ સંજોગવશાત્ માત્ર આઠ માસ પછી તેમને પોતાના વતન ગોવા પાછા જવું પડ્યું. થોડાક સમય પછી શાસ્ત્રીય સંગીતના બીજા વિખ્યાત કલાકાર રામકૃષ્ણબુઆ વઝે પાસેથી સંગીતનું શિક્ષણ ચાર વર્ષ સુધી મળ્યું. 1909માં તે મુંબઈ આવ્યાં, ત્યાં વિખ્યાત સિતારવાદક બરકતુલ્લા ખાંસાહેબ પાસે તે શાસ્ત્રીય સંગીત શીખવા લાગ્યાં. પછી કેસરબાઈએ નૃત્ય જેવી કલાની તાલીમ લેવાની શરૂઆત કરી. 1911માં જયપુર ઘરાણાના વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં મુંબઈ આવ્યા. તેમની પાસેથી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરવાની કેસરબાઈએ શરૂઆત કરી. 1915માં 4-5 મહિના માટે તેમણે ભાસ્કરબુઆ બખલે પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. થોડાંક વર્ષો વળી વિક્ષેપ પડ્યો. 1918થી ફરી અલ્લાદિયાંખાં જેવા ગુરુના કઠોર પણ શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ તેમણે સંગીતનું શિક્ષણ પૂરું કર્યું. આમ જે ઉંમરે ગાયક કલાકારો ગાયનકલા આત્મસાત્ કરી સંગીતના ક્ષેત્રમાં સ્થિરતા પ્રાપ્ત કરતા હોય છે તે 28 વર્ષની ઉંમરે કેસરબાઈની સંગીતની તાલીમ સાચા અર્થમાં શરૂ થઈ હતી એમ કહી શકાય. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ ઉંમરે તેમને પોતાની શિષ્યા તરીકે સ્વીકારતા પહેલાં ખાંસાહેબે તેમના પર લેખિતમાં આકરી શરતો લાદી હતી. દા.ત., એક નિશ્ચિત રકમની ગુરુદક્ષિણા આપીને ગુરુ પાસેથી ‘ગંડો’ બાંધવો, વેતનના રૂપમાં માસિક રૂપિયા 2000 જેટલી રકમ ચૂકવવી, દશ વર્ષ સુધી તાલીમ ચાલુ રાખવી, ખાંસાહેબને સંજોગોવશાત્ અન્યત્ર રહેવા જવું પડે તો ત્યાં આવીને સંગીતશિક્ષા ચાલુ રાખવી, ગુરુની સંમતિ વિના જાહેર કાર્યક્રમ આપવો નહિ વગેરે. આ બધી શરતો કેસરબાઈએ સ્વીકારી. 1 જાન્યુઆરી 1921ના દિવસે ગંડાબંધન સમારંભ યોજાયો અને ત્યારથી શરતોનો અમલ સાતત્યથી કરવામાં આવ્યો. રોજ 9-10 કલાક સુધી રિયાજ કરવો પડતો. આવી રીતે તૈયાર થયા પછી ખાંસાહેબની આજ્ઞાથી 1929થી તેમણે જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં પ્રથમ પંક્તિનાં સંગીતકાર તરીકે નામના મેળવી.

કેસરબાઈ કેરકર

ક્લિષ્ટ ગણાતા અને અપ્રચલિત હોય એવા રાગો તરફ કેસરબાઈનું ખાસ વલણ હતું, જે તેમના ગુરુ અલ્લાદિયા ખાંસાહેબની તેમને દેન હતી. તેમનો સ્વર-લગાવ અત્યંત મધુર અને કંઠ ત્રણે સપ્તકોમાં ખાસ પરિશ્રમ વિના સરળતાથી ફરતો હતો. રાગની સુંદર બઢત અને નોકદાર તાનવિલાસ એ તેમની ગાયકીની વિશેષતા હતી. તેમની ગાયકીમાં બંદિશનું મુખડું પકડવામાં એકરૂપતાનાં સતત દર્શન થતાં. મોટાભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમના સ્વરાંકનની રેકૉર્ડ બહાર પાડી, જે ખૂબ લોકપ્રિય બની હતી.

કોલકાતાના ‘સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજ્જન સન્માન સમિતિ’ દ્વારા તેમને 1948માં ‘સૂરશ્રી’નો ખિતાબ અર્પણ કર્યો હતો. 1953માં તેમને સંગીત-નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. 1969માં ભારત સરકારે તેમને પદ્મભૂષણનો ખિતાબ અર્પણ કર્યો. તે જ વર્ષે તેમને મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકા બનાવવામાં આવ્યાં. 1975માં સૂરસિંગાર-સંસદ તરફથી તેમને ‘શારંગદેવ ફેલોશિપ’ આપવામાં આવી હતી. જૂની પેઢીનાં તેઓ શ્રેષ્ઠ સંગીતકાર હતાં.

મંદાકિની અરવિંદ શેવડે