કૅર, એમિલી (જ. 1871, બ્રિટિશ કોલમ્બિયા, કૅનેડા; અ. 1945, વિક્ટોરિયા, બ્રિટિશ કોલમ્બિયા, કૅનેડા) : આધુનિક કૅનેડિયન મહિલા ચિત્રકાર. સાન ફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફોર્નિયા સ્કૂલ ઑવ્ ડિઝાઇનમાં તેમણે 1891થી 1894 સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1899 સુધી તેમણે વેસ્ટમિન્સ્ટર સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1904માં બ્રિટિશ કોલમ્બિયા જઈ રેડ ઇન્ડિયનોની વસાહતોની મુલાકાત લીધી. 1910-11માં તેમણે એક વરસ સુધી પૅરિસમાં નિવાસ કર્યો અને ત્યાં પોતાનાં ચિત્રોને પ્રદર્શિત કર્યાં. ત્યાં એ પ્રભાવવાદી, ઘનવાદી (cubistia) અને ફૉવવાદી ચિત્રકારોથી પ્રભાવિત થયા, જેમને કારણે તેમની મૌલિક શૈલી પ્રૌઢ બની. 1911માં બ્રિટિશ કોલમ્બિયા પાછા ફરીને પૅસિફિક સમુદ્રકાંઠે વસતા રેડ ઇન્ડિયનોની જીવનશૈલી અને કલા અંગે સંશોધન કર્યું. કૅરનાં મૌલિક ચિત્રોમાં કૅનેડાની વનશ્રી પ્રભાવવાદી અને ઘનવાદી શૈલીઓમાં પ્રગટ થાય છે.

અમિતાભ મડિયા