કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા

January, 2008

કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા : ભારતના ઇતિહાસ વિશે કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રગટ કરવામાં આવેલી ગ્રંથશ્રેણી.

ભારતના ઇતિહાસના લેખનના પ્રયાસોને નિશ્ચિત સ્વરૂપ આપવા કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે ભારતના પ્રાચીનથી આધુનિક સમય સુધીના ઇતિહાસનું આલેખન કરાવવા છ ગ્રંથોની શ્રેણીનું આયોજન તેની અન્ય ગ્રંથમાળાની પદ્ધતિ પ્રમાણે કર્યું. પરિણામરૂપે ઈ. જે. રેપ્સન સંપાદિત પ્રથમ ગ્રંથ ‘એન્શિયન્ટ ઇન્ડિયા’(1914)માં પ્રાચીન સમયથી ઈ. સ.ની પહેલી સદીના સિથિયન અને પાર્થિયનોનાં આક્રમણો સુધીનો સમય આવરી લેવાયો. આ ગ્રંથની પુરવણી તરીકે મૉર્ટિમર વ્હીલર લિખિત ‘ઇન્ડસ વૅલી સિવિલિઝેશન’ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ (1953). પહેલી સદીથી મુસ્લિમોના આક્રમણ સુધીના ઇતિહાસને આવરી લેતો બીજો ગ્રંથ આયોજકોની મુશ્કેલીઓના કારણે પ્રગટ થયો નથી. એ પછી આયોજન પ્રમાણે વુલ્ઝલી હેગ સંપાદિત ત્રીજો ગ્રંથ ‘ટર્ક્સ ઍન્ડ અફઘાન્સ’ (1924), વુલ્ઝલી હેગ અને રિચાર્ડ બર્ન-સંપાદિત ચોથો ગ્રંથ ‘મુઘલ પિરિયડ’ (1937) અને એચ. એચ. ડોડવેલ-સંપાદિત પાંચમો ગ્રંથ ‘ધ બ્રિટિશ ઇન્ડિયા : 1497-1858’ (1929) અને તે જ વિદ્વાને સંપાદિત કરેલ છઠ્ઠો ગ્રંથ ‘ધ બ્રિટિશ ઍમ્પાયર : 1858-1919’ (1932) પ્રગટ થયા.

છઠ્ઠા ગ્રંથની બીજી બે આવૃત્તિઓ વધારાનાં લખાણો સાથે અલગ અલગ પ્રગટ થઈ તે નોંધપાત્ર છે. 1958ની આવૃત્તિમાં મૂળ ગ્રંથમાંનાં પહેલાં તેત્રીસ પ્રકરણો અને સંપાદક એચ. એચ. ડોડવેલનું નામ યથાવત્ જાળવી આર. આર. શેઠી-લિખિત વધારાનાં દશ પ્રકરણો ‘ધ લાસ્ટ ફેઝ : 1919-1947’ તરીકે ઉમેરાયાં. તેવી રીતે બીજી એક આવૃત્તિ(1969)માં મૂળ ગ્રંથમાંના પહેલાં તેત્રીસ પ્રકરણો તથા સંપાદક એચ. એચ. ડોડવેલનું નામ યથાવત્ રાખી વી. ડી. મહાજન દ્વારા લખાયેલાં 1919થી 1969 સુધીના સમયને આવરી લેતાં પાંચ પ્રકરણ ઉમેરાયાં.

કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયાની ગ્રંથમાળા ભારતીય આવૃત્તિઓ તરીકે ‘ધ કેમ્બ્રિજ શૉર્ટર હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ના નામે ‘એન્શિયન્ટ ઇન્ડિયા’ ભાગ 1, ‘મુસ્લિમ ઇન્ડિયા’ ભાગ 2 અને ‘બ્રિટિશ ઇન્ડિયા’ ભાગ 3 તરીકે અલગ અલગ અને ત્રણે ભાગો એક જ ગ્રંથમાં સમાવિષ્ટ કરીને પ્રગટ થઈ છે.

કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયાની ગ્રંથમાળામાં એસ. કૃષ્ણાસ્વામી (ગ્રંથ 3), જદુનાથ સરકાર (ગ્રંથ 4) અને આર. આર. શેઠી તથા વી. ડી. મહાજન (ગ્રંથ 6) જેવા ભારતીય ઇતિહાસવિદોનાં પ્રકરણોને અપવાદરૂપે બાદ કરતાં બીજાં તમામ પ્રકરણો વિદેશી લેખકોનાં છે. તેમના આલેખનમાં ભારતીય ઇતિહાસનું નિરૂપણ વિદેશી અને તત્કાલીન સત્તારૂઢ અંગ્રેજ શાસકો અને અંગ્રેજ પ્રજાને ધ્યાનમાં રાખીને મોટાભાગે થયું છે.

રમેશકાન્ત ગો. પરીખ