કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines ridge) તરીકે ઓળખવામાં આવે છે.

હિમનદીના નિક્ષેપકાર્યથી રેતી અને માટીની ટેકરીઓથી બનેલા વિશાળ ક્ષેત્રને ‘કેમક્ષેત્ર’ કે ‘કેમ પ્રદેશ’ કહે છે. હિમનદી પૃથ્વીની સપાટી પર બાહ્ય પરિવર્તન આણનારું ધીમું પરિબળ છે; તે ઠંડા પ્રદેશોમાં કેટલાક વિશિષ્ટ ભૂમિઆકારો સર્જે છે, જેમાંનું એક ‘કેમ’ ગણાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે