કેપ વર્દ ટાપુઓ (Cape Verde) : આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા સેનેગાલના મુખ્ય શહેર ડકારથી પશ્ચિમે 480 કિમી. દૂર મધ્ય આટલાન્ટિક મહાસાગરમાં આવેલ પંદર દ્વીપોનો સમૂહ અને પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન : 16o ઉ. અ. અને 24o પ. રે.. તેનો વિસ્તાર 4033 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ સાન્ટિયાગો 972 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. કેપવર્દ ટાપુઓનું પાટનગર પ્રાઈઆ (Praia) છે. ચાર ટાપુઓ સાવ નિર્જન છે. ફોગો ટાપુ ઉપર સક્રિય જ્વાળામુખી (ઊંચાઈ 2829 મી.) છે. અન્ય ટાપુઓમાં બ્રાવા, માઈમો, બોઆવિસ્ટર, સાલ, સાઓ નિકોલાઉ, સાઓ વિન્સેન્ટનો સમાવેશ થાય છે.

તેનો ઉચ્ચપ્રદેશ અને સમુદ્રકિનારા નજીકનો પ્રદેશ વેરાન છે, જ્યારે ખીણોમાં વનસ્પતિ જોવા મળે છે. ત્યાં ખેતી થાય છે. આબોહવા ગરમ અને સૂકી છે. વરસાદ થોડો અને અનિયમિત હોવાથી આ ટાપુઓ અવારનવાર દુકાળનો ભોગ બને છે. ચારે તરફ સમુદ્ર હોવાથી વાર્ષિક સરેરાશ તાપમાન 24o સે. રહે છે. મુખ્ય પાક મકાઈ, શેરડી, શાકભાજી, ફળો વગેરે છે. મીઠું, કેળાં અને માછલીની નિકાસ થાય છે. દ્વીપસમૂહમાં કુલ 1100 કિમી.ના રસ્તાઓ આવેલા છે તથા આંતરરાષ્ટ્રીય હવાઈમથકની સુવિધા પણ છે. મિન્ડેલો અને પ્રાઈઆ તેનાં મુખ્ય બંદરો છે.  વિશ્વવ બૅન્ક દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર આ શહેરની વસ્તી 5.56 લાખ (2020) જેટલી હતી.

1456માં પોર્ટુગીઝોએ આ ટાપુઓ શોધ્યા હતા. 5 જુલાઈ 1975થી તે સ્વતંત્ર દેશ બન્યો છે. 70% લોકો ક્રિઓલ ¾ મિશ્રપ્રજા છે; જ્યારે બાકીના યુરોપિયનો, એશિયનો તથા કાળા લોકો છે. તેઓની મુખ્ય ભાષા પોર્ટુગીઝ છે. સ્થાનિક લોકો ક્રિઓલ ભાષાનો ઉપયોગ કરે છે અને રોમન કૅથલિક પંથના છે. ખેતી અને મચ્છીમારી મુખ્ય ઉદ્યોગ છે. મર્યાદિત આવકને કારણે પોર્ટુગીઝોની મદદ ઉપર તેને આધાર રાખવો પડે છે.

શિવપ્રસાદ રાજગોર