કેપ ટાઉન (આફ્રિકા)

January, 2008

કેપ ટાઉન (આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતનું પાટનગર અને બંદર. આટલાન્ટિક મહાસાગરને કિનારે ટેબલ પર્વતની તળેટીમાં આ શહેર આવેલું છે. અહીં જમીનનો ચાંચ આકારનો ભાગ મહાસાગરમાં દૂર સુધી વિસ્તરેલો છે.

33o 54′ દ. અ. અને 18o 25′ પૂ. રે. પર આવેલું આ શહેર ‘નૅશનલ બૉટેનિકલ ગાર્ડન’ અને પ્રાચીન સંગ્રહસ્થાન માટે જાણીતું છે. યુરોપ-ઑસ્ટ્રેલિયા માર્ગ ઉપર આવેલા આ બંદરને દરિયાઈ ભરતી અને મોજાંથી રક્ષવા માટે સમુદ્રદીવાલ ઊભી કરવામાં આવી છે, તેમજ નવું બંદર વિકસાવવામાં આવ્યું છે.

અહીં કાપડ, પ્લાસ્ટિક, ચામડાનો સામાન, દ્રાક્ષમાંથી દારૂ ગાળવાનો તેમજ ફળ-આધારિત ઉદ્યોગો વિકાસ પામ્યા છે. કેપ પ્રાંતની મોટાભાગની આયાત-નિકાસ આ બંદર મારફત થાય છે. સુંદર ઇમારતોથી શોભતું સુવ્યવસ્થિત બાંધણી ધરાવતું આ શહેર સહેલાણીઓ માટે આકર્ષણરૂપ છે. આ શહેરનું તાપમાન 20.9o સે. (જાન્યુઆરી) તથા 12.2o સે. (જુલાઈ) રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 515 મિમી. જેટલો પડે છે.

કેપ ટાઉન ખાતે આવેલ 1883માં બંધાયેલ ‘ક્લૉક ટાવર’

કેપટાઉન રેલમાર્ગે ઝિમ્બાબ્વે અને અન્ય પડોશી દેશો સાથે જોડાયેલું છે. આ શહેર આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે.

હોલૅન્ડ(નેધરલૅન્ડ)થી ભારત અને જાવા-સુમાત્રા સુધી જતાં વેપારી વહાણોને અનાજ, પાણી અને કોલસો મળી રહે તે હેતુથી યાન વાન રીબેકે ઈ.સ. 1652માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉપક્રમે આ શહેર સ્થાપ્યું હતું. આ શહેરનો મુખ્ય દરવાજો હોલૅન્ડના ડૉરડ્રેક્ત શહેરના દરવાજાને આબેહૂબ મળતો આવે છે. આ શહેરમા કેટલાક સમયથી પાણીની તીવ્ર તંગી અનુભવાય છે જેને કારણે ત્યાંના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર અહીંયાની  વસ્તી 4.34 લાખ (2011).

મહેશ મ. ત્રિવેદી