કેપ ઑબ્ઝર્વેટરી : લંડન પાસેની ‘ધ રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી’ની બરોબરી કરી શકે તેવી વેધશાળા. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં પણ આવી વેધશાળા હોવી જોઈએ એવી માગણીને માન આપીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રકારની વેધશાળા બાંધવાની દરખાસ્ત 1821માં મંજૂર કરવામાં આવી અને કેપ ઑવ્ ગુડ હોપ ખાતે સન 1825થી 1828 દરમિયાન એનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું. આ વેધશાળા તે ‘રૉયલ (શાહી) ઑબ્ઝર્વેટરી, કેપ ઑવ્ ગુડ હોપ’; એનું વધુ પ્રચલિત નામ તે ‘કેપ ઑબ્ઝર્વેટરી’.
આ વેધશાળાના બીજા નિયામક થૉમસ હૅન્ડરસન (1798-1844) નામના સ્કૉટલૅન્ડના ખગોળશાસ્ત્રી હતા. 1832માં અહીંથી નરાશ્વ તારામંડળમાં આવેલા જય (Alpha Centauri) નામના તારાનાં એમનાં નિરીક્ષણોએ આ તારાનો લંબન (parallax) સૌપ્રથમ નિર્ધારિત કરવામાં સહાય કરી. એના પાંચમા નિયામક સ્કૉટલૅન્ડના સર ડેવિડ ગિલ (1843-1914) હતા. સન 1879થી 1907 સુધીની એમની 28 વર્ષ સુધીની દીર્ઘ કારકિર્દી દરમિયાન એમણે તારક લંબનો (stellar parallaxes) લેવા ઉપરાંત, તારાઓના વર્ણપટ (stellar spectra) ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. વળી, ગિલને આકાશી ફોટોગ્રાફીમાં પણ ઘણો રસ હતો. એવામાં, 1882માં દેખાયેલા ‘ગ્રેટ કૉમેટ ઑવ્ 1882’ તરીકે જાણીતા થયેલા એક ધૂમકેતુનો ફોટો પાડવામાં એમને સફળતા સાંપડી. કોઈ પણ ધૂમકેતુનો ખરેખર સારો કહેવાય તેવો આ પહેલો જ ફોટો હતો. આ ઐતિહાસિક છબીમાં ધૂમકેતુ ઉપરાંત, એની આસપાસના આકાશમાંના તારાઓ પણ સ્પષ્ટ દેખાતા હતા. આનું મહત્વ સમજીને ગિલે આકાશી ફોટોગ્રાફિક સર્વેક્ષણ કરવાનું બીડું ઝડપ્યું અને આમ, તારક ફોટોગ્રાફી(stellar photography)નાં મંડાણ થયાં. તારાઓની આવી છબીઓથી તારા-પત્રક યા તારા-સારણી (star catalogue) બનાવવાના ઉદ્દેશથી ગિલે દક્ષિણ આકાશના સંખ્યાબંધ ફોટાઓ પાડ્યા.
ગિલે પાડેલા ફોટાઓનું વિશ્લેષણ નેધરલૅન્ડમાં થયું અને ત્યાંના એક ખગોળશાસ્ત્રી કાહ્પટાઇને (1851-1922) એના પરથી એક બૃહદ્ તારા-પત્રક તૈયાર કર્યું. 1896થી 1900 દરમિયાન એ ત્રણ ખંડોમાં પ્રસિદ્ધ થયું. એમાં કુલ 4,54,875 જેટલા તારાઓનાં સ્થાન તેમજ દ્યુતિ યા પ્રકાશિતતા (brightness) વગેરે નિશ્ચિત કરતી જાણકારી આપવામાં આવી. આ તારા-પત્રક ‘Cap Photographic Durchmusterung’ નામે ઓળખાય છે. દક્ષિણ આકાશનું આજે પણ તે એક મહત્વનું તારા-પત્રક ગણાય છે. ખગોળશાસ્ત્રમાં આટલા મોટા પાયે ફોટોગ્રાફિક સર્વેક્ષણ આ પહેલાં ક્યારેય થયું ન હતું અને એમાં કેપ ઑબ્ઝર્વેટરીનો ફાળો અમૂલ્ય હતો.
એ પછી વીસમી સદીમાં, ખાસ કરીને સર હૅરલ્ડ જોન્સ(1890-1960)ના સંચાલકપદ હેઠળ, એટલે કે 1923થી 1933 દરમિયાન છબીઓની સહાયથી ઘણી મોટી સંખ્યામાં ર્દષ્ટિસ્થાનભેદ અથવા લંબનો તથા તારાઓની નિજગતિ(stellar proper motion)ના માપની કામગીરી પણ અહીં થઈ. 1950 અને 1960ના દસકા દરમિયાન તારક વર્ગ (stellar magnitude) અને તારાઓના વર્ણપટની કામગીરી પણ અહીં બહુ મોટેપાયે હાથ ધરવામાં આવી.
કેપ ઑબ્ઝર્વેટરીનું સંચાલન, એની સ્થાપનાથી તે છેક 1971ના અંત સુધી એટલે કે લાગલાગટ 140 વર્ષો સુધી બ્રિટનની નૌકાદળની વહીવટી શાખા, અર્થાત્ બ્રિટિશ ઍડ્મિરલ્ટી સંભાળતી હતી. પાછળથી એના સંચાલન માટે ‘ધ સાયન્ટિફિક સિવિલ સર્વિસ’ની સહાય પણ થોડા સમય પૂરતી લેવામાં આવી. એ પછી, 1972ના આરંભથી કેપ ઑબ્ઝર્વેટરીનું કલેવર બદલવામાં આવ્યું, અને એને અગાઉની ‘યુનિયન ઑબ્ઝર્વેટરી’ પણ પાછળથી ‘રિપબ્લિક ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી જોહાનિસબર્ગ ખાતેની વેધશાળા સાથે જોડી દેવામાં આવી, અને ત્યારથી તે ‘સાઉથ આફ્રિકન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી’ (SAAO) એવા નવા નામે ઓળખાય છે. એનું મુખ્ય મથક કેપ ખાતે જ છે.
આ SAAOનું વિધિવત્ ઉદઘાટન 1973માં થયું. આ વેધશાળા દક્ષિણ આફ્રિકાના કેપ પ્રૉવિન્સના સધરલૅન્ડથી 14 કિમી.ના અંતરે સમુદ્રની સપાટીથી 1,380 મી. જેટલી ઊંચાઈએ આવેલી છે. આ વેધશાળાનું સંચાલન ‘બ્રિટિશ સાયન્સ રિસર્ચ કાઉન્સિલ’ અને ‘સાઉથ આફ્રિકન કાઉન્સિલ ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ’ એમ બંને દેશોની સરકાર સંયુક્તપણે કરે છે.
આ વેધશાળા 102 સેમી.નું પરાવર્તક દૂરબીન ધરાવે છે. આ ટેલિસ્કોપ અગાઉ ‘ક્વિન એલિઝાબેથ ટેલિસ્કોપ’ તરીકે ઓળખાતું અને કેપ ઑબ્ઝર્વેટરી ખાતે 1964થી કાર્યરત હતું. એવી જ રીતે ‘રિપબ્લિક ઑબ્ઝર્વેટરી’ ખાતેનું 51 સેમી.નું પરાવર્તક દૂરબીન પણ અહીં લાવવામાં આવ્યું છે. આ જ વેધશાળામાં ગોઠવેલા 67 સેમી.ના પરાવર્તક ટેલિસ્કોપનું સંચાલન SAAO કરે છે. 1975માં પ્રિટોરિયા ખાતેની ‘રેડક્લિફ ઑબ્ઝર્વેટરી’માં આવેલું 188 સેમી.નું પરાવર્તક પણ અહીં ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત 76 સેમી. અને 51 સેમી.નાં અહીં મૂકેલાં પરાવર્તક દૂરબીનો મુખ્યત્વે પ્રકાશીય તથા ઇન્ફ્રા-રેડ ફોટોમેટ્રી માટે પ્રયોજાય છે. આમ, કેપ ઑબ્ઝર્વેટરીના ભવ્ય ભૂતકાળને ‘સાઉથ આફ્રિકન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી’એ નવું રૂપ આપ્યું, જેમાં ‘રિપબ્લિક ઑબ્ઝર્વેટરી’ તથા ‘રેડક્લિફ ઑબ્ઝર્વેટરી’ જેવી વેધશાળાઓનો સમાવેશ થાય છે.
સુશ્રુત પટેલ