કૅન્સેટ – જોન ફ્રેડેરિક

January, 2008

કૅન્સેટ, જોન ફ્રેડેરિક (જ. 22 માર્ચ 1816, ચેશાયર, કનેક્ટિકટ, અમેરિકા; અ. 14 ડિસેમ્બર 1872, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : નિસર્ગ ચિત્રકાર. અમેરિકાના નિસર્ગ ચિત્રકારજૂથ ‘હડ્સન રિવર સ્કૂલ’ની બીજી પેઢીના અગ્રણી.

જોન ફ્રેડેરિક કૅન્સેટ

બૅંકની ચલણી નોટના એન્ગ્રેવિન્ગ છાપકામના કસબી પોતાના પિતા થૉમસ કૅન્સેટ અને આલ્ફ્રેડ ડૅગેટ હેઠળ તેમણે એન્ગ્રેવિન્ગ છાપકામની તાલીમ લીધી હતી. 1838માં જોન કૅન્સેટે ન્યૂયૉર્કમાં એક બૅંકમાં કામ શરૂ કર્યું. બે વરસ પછી હડસન રિવર સ્કૂલના ચિત્રકારો એશર ડુરાન્ડ, જોન કૅસિલિયર અને થૉમસ રૉસિટર સાથે કૅન્સેટ યુરોપ ગયા. યુરોપમાં ચિત્રકારો, મ્યુઝિયમો અને ગૅલરીઓની મુલાકાતો લઈ કલા-મિજાજ ઘડ્યો અને ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. 1847માં તેઓ અમેરિકા પાછા ફર્યા અને રૉકી પર્વતો, આટલાન્ટિક સમુદ્રતટ જેવા અમેરિકાનાં નિસર્ગસ્થળોનું આલેખન શરૂ કર્યું; જેમાં પ્રકાશની ચોકસાઈ તથા હવામાનની હાજરી તુરત જ વરતાઈ આવે છે. કૅન્સેટના રંગો મુખ્યત્વે ઘેરા છે.

તેમનું ‘સ્ટૉર્મ ઓવર લેઇક જૉર્જ’ નામનું ચિત્ર તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે.

અમિતાભ મડિયા