કેપ ઑવ્ ગુડ હોપ : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ છેડે કેપટાઉન પાસે આવેલી ભૂશિર. 34o 21′ દ. અ. અને 18o 29′ પૂ. રે. પર આ ભૂશિર આવેલી છે. આટલાન્ટિક મહાસાગરમાંથી, સીધા ઢોળાવવાળી કરાડ (seacliff) સાથે 260 મી. ઊંચકાઈ આવેલી આ ભૂશિર તોફાની પવનો અને સમુદ્રપ્રવાહ માટે જાણીતી છે. ઈ.સ. 1486માં આ ભૂશિર પાસેથી બાર્થોલોમ્યુ અને ઈ.સ. 1497માં વાસ્કો ડી ગામા પસાર થયા હતા. વાસ્કો ડી ગામાને અહીંથી ભારત પહોંચવાની આશા જન્મી તેથી તેણે આ ભૂશિરનું નામ સારી આશા (good hope) રાખેલું. અહીં આશરે 256 મીટરની ઊંચાઈએ આવેલા પર્વત-શિખરને વાસ્કો ડી ગામા શિખર કહે છે. અગાઉના સમયમાં સૂએઝ નહેર જ્યારે તૈયાર થઈ ન હતી ત્યારે યુરોપનાં શહેરોનાં વેપારી જહાજો આ માર્ગે થઈ પૂર્વ એશિયાનાં શહેરો તરફ જતાં હતાં. તેથી તેનું મહત્વ વધુ હતું.

મહેશ મ. ત્રિવેદી