કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ : ખેતીવિષયક સંશોધન માટેની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું માળખું. ભારતમાં કૃષિસંશોધન મુખ્યત્વે બે સ્તરે થાય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ રાષ્ટ્રીય સ્તરે કૃષિસંશોધનની જવાબદારી સંભાળે છે અને પ્રાદેશિક કૃષિસંશોધનની જવાબદારી કૃષિ યુનિવર્સિટીઓને હસ્તક છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દેશની કૃષિને લગતી સર્વોચ્ચ સંસ્થા છે. રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન માટે કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ, રાષ્ટ્રીય કૃષિ સંસ્થાઓ, રાષ્ટ્રીય કૃષિ કેન્દ્રો અને રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન સંચાલન એકૅડેમી દ્વારા વિવિધ કામગીરી થાય છે.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના તાબા હેઠળ રાષ્ટ્રીય કક્ષાની કેન્દ્રીય કૃષિ અનુસંધાન સંસ્થાઓ કૃષિ, પશુવિજ્ઞાન અને મત્સ્યવિજ્ઞાન જેવાં વિવિધ ક્ષેત્રો માટે કાર્યરત છે. દરેક સંસ્થાને વિશિષ્ટ પ્રકારના સંશોધન-હેતુઓ હોય છે. મોટાભાગની સંસ્થાઓને વિવિધ કૃષિ-હવામાન પ્રદેશોમાં સંશોધન માટેનાં પ્રાદેશિક અને પેટા-કેન્દ્રો આવેલાં છે અને બહુવિધ વિજ્ઞાનના અભ્યાસ માટે પૂરતી સુવિધાઓ વિકસાવવામાં આવેલી છે.
રાષ્ટ્રીય કૃષિ સંસ્થાઓ : (1) ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (I.A.R.I.), નવી દિલ્હી, (2) ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થા (I.V.R.I.), ઇજ્જતનગર (ઉ.પ્ર.) અને (3) રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા (N.D.R.I.), ર્ક્ધાાલ (હરિયાણા) રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે પ્રસિદ્ધ છે. તે સંશોધન અને અનુસ્નાતક શિક્ષણની કામગીરી સંભાળે છે. I.A.R.I., I.V.R.I.ને વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવામાં આવેલ હોઈ સંબંધિત વિષયોમાં તે પદવીઓ એનાયત કરે છે.
રાષ્ટ્રીય અનુસંધાન કેન્દ્રો : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા કેન્દ્રીય સંસ્થાઓ ઉપરાંત એક જ કેન્દ્ર ધરાવતાં રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે. આ માટે કોઈ યોગ્ય સ્થળ પસંદ કરી ત્યાં વિવિધ વિષયોના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અગ્રિમ રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્ન પર મિશનના ધોરણે કામગીરી કરવામાં આવે છે. ગુજરાતમાં મગફળીના પાક માટે નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ગ્રાઉન્ડનટ જૂનાગઢ ખાતે 1979માં સ્થાપવામાં આવેલ છે. દેશમાં આવાં અન્ય રાષ્ટ્રીય કક્ષાનાં સંશોધન કેન્દ્રો વિવિધ પાક અને વિષયોને લગતાં શરૂ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન સંચાલન એકૅડેમી; રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન સંચાલન એકૅડેમી (NAARM) નામની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાની સ્થાપના 1976માં હૈદરાબાદ ખાતે કરવામાં આવેલ છે. આ સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો તથા વહીવટી અધિકારીઓ માટે વિશિષ્ટ તાલીમ-કાર્યક્રમો યોજે છે અને વિવિધ વિષયોનાં સેમિનાર, વર્કશૉપ, કૉન્ફરન્સ વગેરેનું આયોજન કરે છે. કૃષિ અને સંચાલનના વિષયમાં તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પ્રસિદ્ધ કરે છે.
કૃષિ સંશોધન રિવ્યૂ ટીમની (1963-65) ભલામણ મુજબ કૉમોડિટી કમિટીઝ રદ કરીને તે કૉમોડિટી કમિટીઝ હેઠળની વિવિધ કેન્દ્રીય સંશોધન સંસ્થાઓને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સંચાલન હેઠળ મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલી કેટલીક અગત્યની કેન્દ્રીય કૃષિસંસ્થાઓની સંક્ષિપ્ત માહિતી પત્રકમાં દર્શાવી છે.
કેન્દ્રીય કૃષિસંસ્થાઓની સંક્ષિપ્ત માહિતી દર્શાવતું પત્રક
અ. નં. |
સંસ્થાનું નામ અને સરનામું | સંસ્થાનું ધ્યેય | સંશોધનના વિષયો | સ્થાપના– વર્ષ |
અગત્યની સિદ્ધિઓ |
1 | 2 | 3 | 4 | 5 | 6 |
1. | ઇન્ડિયન ઍગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ દિલ્હી – 110 012 | કૃષિસંશોધન અને અનુસ્નાતક શિક્ષણ | કૃષિ સાથે સંકળાયેલ વિવિધ વિષયોના તથા જીવવિજ્ઞાનના પાયાના અને પ્રાયોગિક પ્રકારના સંશોધનની કામગીરી | 1905 | અત્યાર સુધીમાં કૃષિ-સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ મેળવેલી છે. ઘઉં, જુવાર, ડાંગર, મકાઈ, બાજરીની વધુ ઉત્પાદન આપતી જાતો અને નવી ટૅક્નૉલૉજીની ભલામણ કરી છે. |
2. | શુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતૂર (તામિલનાડુ) | શેરડીની નવી જાતો વિકસાવવાની સંવર્ધન કામગીરી | શેરડી-સંવર્ધન સાથે સંકળાયેલ જનીનવિદ્યા, કોષજનીનશાસ્ત્ર, દેહધર્મવિદ્યા, રોગશાસ્ત્ર, કીટકશાસ્ત્ર વગેરે | 1912 | અત્યાર સુધીમાં દેશના વિવિધ કૃષિ હવામાન માટે શેરડીની 2000 ઉપરાંત જાતો વિકસાવેલ છે. આંતરપ્રજાતીય સંકરણમાં પણ સફળતા મેળવેલ છે. |
3. | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્શુ ગરકેન રિસર્ચ, લખનૌ (ઉ.પ્ર.) | શેરડી-વાવેતરની ખેત-પદ્ધતિઓ, પાકસંરક્ષણ વગેરેની સંશોધન-કામગીરી | શેરડી અંગે પાકવિજ્ઞાન, પાક-સંરક્ષણ, દેહધર્મવિદ્યા વગેરે ટૅક્નિકલ બાબતો | 1952 | આંતરપાક પદ્ધતિઓ, જૈવિક નિયંત્રણ, પુષ્પનિયંત્રણ, વૃદ્ધિનિયામકો અને રોપણ પદ્ધતિઓ અંગે અગત્યની ભલામણો કરી છે. |
4. | કૉટન ટૅક્નૉલૉજિકલ રિસર્ચ લૅબોરેટરી, એડનવાલા રોડ, માટુંગા, મુંબઈ | કપાસના કાંતણ અને ગુણવત્તાનાં વિવિધ પાસાં સંબંધે પ્રાયોગિક ચકાસણી | કપાસની ગુણવત્તા સંબંધે તંતુઓનો ઉતાર, ગુણવત્તા, કાંતણક્ષમતા, ભૌતિક શક્તિ, સૂક્ષ્મ રચના, સૂક્ષ્મ જૈવિક અસરો, રસાયણશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ઇજનેરી પાસાંનો અભ્યાસ |
1924 | લાંબા તંતુવાળી, ઉચ્ચ ગુણવત્તાવાળી નવી જાતો વિકસાવવામાં કપાસ-સંવર્ધકોને મદદરૂપ નીવડી છે. કપાસ ટૅક્નૉલૉજીની નવીન પદ્ધતિઓ વિકસાવીને નિયત કરી છે. |
5. | સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉટન રિસર્ચ, નાગપુર | કપાસ-સંશોધન | કપાસસંવર્ધન, પાકવિજ્ઞાન, પાક-સંરક્ષણ, ખેતપદ્ધતિઓ વગેરે | 1976 | રોગ અને કીટક-પ્રતિકારક જાતો અને સૂકી ખેતી માટેની અનુકૂળ જાતો વિકસાવવામાં આવી છે. નર વંધ્ય જાતો પણ તૈયાર કરવામાં આવી છે. દેહધર્મવિદ્યાક્ષેત્રે પણ અગત્યનું સંશોધન કરેલું છે. |
6. | જૂટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાકપોર (પ. બંગાળ) | શણ-સંશોધન | શણની જાતો, ખેતી અને ગુણવત્તા અંગેનું સંશોધન | 1953 | શણની ખેત-પદ્ધતિઓ અને નવી જાતો વિકસાવી છે. |
7. | જૂટ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ લૅબોરેટરી, કોલકાતા (પ. બંગાળ) | શણ ટૅક્નૉલૉજી | શણ તથા અન્ય લાંબા વાનસ્પતિક તાંતણાવાળી વનસ્પતિના ઔદ્યોગિક ઉપયોગ બાબતે સંશોધન |
1938 | કોલકાતા ખાતે. શણ-તંતુઓની ગુણવત્તા અને પ્રક્રિયા અંગે અગત્યનું સંશોધન કરેલું છે. |
8. | ઇન્ડિયન લૅક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નામકુમ, રાંચી (બિહાર) | લાખ અંગે સંશોધન | લાખ સંબંધે ખેતી, પ્રક્રિયા વગેરે પાસાં વિશે સંશોધન | 1925 | રાંચી ખાતે. લાખઉદ્યોગ માટે ઉપયોગી અગત્યની ભલામણો કરેલી છે. |
9. | સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક (ઓરિસા) | ડાંગર અંગે સંશોધન | વનસ્પતિસંવર્ધન, પાક-વિજ્ઞાન, પાક-સંરક્ષણ, દેહધર્મવિદ્યા, જૈવિક રસાયણ, અર્થશાસ્ત્ર વગેરે | 1946 | જર્મપ્લૅઝમનો વિશાળ સંગ્રહ ધરાવે છે. વધુ ઉત્પાદન આપતી અને વામન પ્રકારની ઘણી જાતો વિકસાવીને બહાર પાડી છે. |
10. | સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજમુન્દ્રી (આંધ્રપ્રદેશ) | તમાકુ-સંશોધન | તમાકુ પાક વિશે સંવર્ધન, પાક-વિજ્ઞાન, પાક-સંરક્ષણ, ગુણવત્તા, ટૅક્નૉલૉજી વગેરે પાસાં પર સંશોધન | 1947 | તમાકુના વિવિધ ઉપયોગને અનુલક્ષીને સિગારેટ, ચિરૂટ, ખાવાની તમાકુ, બીડી તમાકુ વગેરેની નવી જાતો વિકસાવી છે. |
11. | સેન્ટ્રલ ટ્યૂબર ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્રિવેન્દ્રમ (કેરળ) | કંદમૂળ પાકો અંગે સંશોધન | સંવર્ધન, પાક-વિજ્ઞાન, પાક-સંરક્ષણ, દેહધર્મવિધા, જીવરસાયણ-પ્રક્રિયા, ટૅક્નૉલૉજી |
1963 | કંદમૂળના વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી જાતોની ભલામણ કરેલી છે. |
12. | સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિમલા (હિ. પ્ર.) | બટાટાના પાક વિશે સંશોધન | દેશના વિવિધ વિસ્તારોને અનુકૂળ આવે તેવી જાતોનું સંવર્ધન, પાકવિજ્ઞાન અને પાક-સંરક્ષણનાં પાસાં, બીજવર્ધન વગેરે | 1949 | પટણા ખાતે સ્થાપના. પાછળથી 1956માં સિમલા ખાતે સ્થળાંતર. ઉચ્ચ ઉત્પાદન આપતી રોગપ્રતિકારક જાતો દેશના વિવિધ પ્રદેશો માટે તૈયાર કરેલી છે. |
13. | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હૉર્ટિકલ્ચર રિસર્ચ, બૅંગલોર (કર્ણાટક) | બાગાયત પાકો અંગે સંશોધન | બાગાયતી પાકોનાં સંવર્ધન, ખેતપદ્ધતિ, પાકસંરક્ષણ, દેહધર્મવિદ્યા તથા ફળસંગ્રહ ક્રિયા વગેરે |
1967 | દ્રાક્ષની સુધારેલી અને સંકર જાતો વિશે ભલામણ કરેલી છે. કેળના પાકની ખેતપદ્ધતિઓ અંગે અગત્યની ભલામણો કરેલી છે. |
14. | સેન્ટ્રલ સૉઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કર્નાલ (હરિયાણા) | ક્ષારીય જમીન સુધારણા અંગે સંશોધન | ક્ષારીય જમીનનું સર્વેક્ષણ, તેનાં લક્ષણો, વર્ગીકરણ અને નિયંત્રણ અંગેનાં પગલાં સંબંધે સંશોધન | 1969 | દેશના વિવિધ વિસ્તારોમાં આવેલી ક્ષારીય જમીનનું વિસ્તૃત સર્વેક્ષણ અને તે અંગેનો અને તેની જાતો વિશે ભલામણો કરેલી છે. |
15. | સેન્ટ્રલ સૉઇલ ઍન્ડ વૉટર કૉન્ઝર્વેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂન (ઉ.પ્ર.) | જમીન અને જળ- સંરક્ષણ અંગે સંશોધન અને તે અંગેની તાલીમ | જમીન અને જળસંરક્ષણ | 1974 | જમીન-ધોવાણ અને જમીન-ફળદ્રૂપતા સંબંધે અનુરૂપ ટૅક્નૉલૉજી અને અનુકૂળ પાકોની ભલામણો કરેલી છે. પડતર જમીનને અનુકૂળ વનસ્પતિઓ જેવી કે ઘાસચારો, બળતણ, ઇમારતી લાકડું વગેરે બાબતે અગત્યનું સંશોધન કરેલું છે. |
16. | નૅશનલ બ્યૂરો ઑવ્ સૉઇલ સરવે ઍન્ડ લૅન્ડ યૂઝ પ્લાનિંગ, નાગપુર (મહારાષ્ટ્ર) | દેશના વિકાસ કાર્યક્રમોના આયોજનને અનુલક્ષીને જમીન તથા વપરાશ અંગેનું સર્વેક્ષણ | જમીન-સર્વેક્ષણ અને તેને અનુલક્ષીને સંશોધન | 1976 | ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હી ખાતે પ્રારંભ. 1978માં નાગપુર ખાતે સ્થળાંતર. દેશના વિવિધ પ્રદેશોના જમીન-સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી છે. |
17. | સેન્ટ્રલ ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર (રાજસ્થાન) | શુષ્ક પ્રદેશોની ખેતી વિશે સંશોધન | ખેતપદ્ધતિઓ, કુદરતી સંપત્તિની જાળવણી અને સાનુકૂળ વપરાશ, પશુ-વ્યવસ્થા અને ચરિયાણ વિસ્તારોની જાળવણી તથા વિકાસ, રણવિસ્તારના વિકાસ અંગેના કાર્યક્રમો અને અભ્યાસ, કૃષિ ઇજનેરી, અર્થશાસ્ત્ર, તાલીમ અભ્યાસક્રમો વગેરે | 1959 | શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોનું સર્વેક્ષણ કરી ખેતપ્રવૃત્તિઓ, પશુપાલન, જમીન અને જળસંરક્ષણ બાબતે અગત્યની ભલામણો કરવામાં આવી છે. કૃષિ, વન તથા શુષ્ક બાગાયત ક્ષેત્રે પણ બાગાયત ક્ષેત્રે પણ અભ્યાસ કરી અગત્યની ભલામણો કરી છે. |
18. | ઇન્ડિયન ગ્રાસલૅન્ડ ઍન્ડ ફૉડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઝાંસી (મધ્યપ્રદેશ) | ઘાસિયા જમીન અને ઘાસચારાના પાકો અંગે સંશોધન | ઊંચી ઉત્પાદકતાનાં પાસાંને અનુલક્ષીને સંશોધન, કુદરતી સંપત્તિની જાળવણી, ઉત્પાદનલક્ષી નવી ટૅક્નૉલૉજીનો વિકાસ અને તેની તાલીમ |
1962 | ખેતરમાંથી ઘાસચારાનું ઊંચું ઉત્પાદન મેળવવા માટે નવા પાકો, જાતો અને ખેતપદ્ધતિઓની ભલામણ કરેલ છે. વૃક્ષ, ક્ષુપ અને અન્ય વનસ્પતિઓનાં મુખ્ય અને ગૌણ ઉત્પાદનોની પોષણક્ષમતા અંગે અભ્યાસ કરેલો છે. |
19. | નૅશનલ બ્યૂરો ઑવ્પ્લા ન્ટ જિનેટિક રિસોર્સિઝ, આઇ.એ.આર.આઇ. કૅમ્પસ, નવી દિલ્હી | વનસ્પતિસંવર્ધન માટે દેશના અને પરદેશના જર્મપ્લૅઝમનો સંગ્રહ, ચકાસણી, વિતરણ વગેરે |
જર્મપ્લૅઝમ સંગ્રહનો વિનિમય, ચકાસણી, ક્વૉરેન્ટીન, સૂચીકરણ વગેરે | 1976 | વનસ્પતિ જર્મપ્લૅઝમનો વિશાળ સંગ્રહ એકત્રિત કરી વિવિધ હેતુસર વર્ગીકૃત કરેલો છે. આ જર્મપ્લૅઝમની ચકાસણી દેશના વિવિધ વિસ્તારના વનસ્પતિ-સંવર્ધકો દ્વારા કરાય છે |
20. | સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાસરગોડ (કેરળ) | ઉદ્યાન પાકો, ખાસ કરીને નાળિયેર, સોપારી, કાજુ, કોકો, ઑઇલપામ, મરી, એલચી, આદું, હળદર અને અન્ય તેજાના પાકો વિશે સંશોધન | પાક-સુધારણા, ખેતપદ્ધતિઓ, પાક-સંરક્ષણ, જર્મપ્લૅઝમ સંગ્રહ, તાલીમ-અભ્યાસક્રમો વગેરે | 1970 | તેજાના અને મરીમસાલાના પાકો વિશે રાષ્ટ્રીય કક્ષાની કામગીરી કરે છે. જર્મપ્લૅઝમનો વિશાળ સંગ્રહ ધરાવે છે અને ઉદ્યાન પાકો વિશે નવી ટૅક્નૉલૉજી અંગે તાલીમ-અભ્યાસક્રમો ગોઠવે છે. |
21. | વિવેકાનંદ પર્વતીય કૃષિ અનુસંધાન શાળા, અલમોરા (ઉત્તરપ્રદેશ) | ઉત્તરપ્રદેશના પર્વતીય વિસ્તારોના પાકો અંગે સંશોધન | વનસ્પતિ દેહધર્મવિદ્યા, પાક-સુધારણા, પાક-સંરક્ષણ, રસાયણશાસ્ત્ર વગેરે | 1974 | ઉત્તરના પહાડી પ્રદેશના પાકો અંગે અગત્યનું સંશોધન કરેલું છે. |
22. | આઇ.સી.એ.આર. રિસર્ચ કૉમ્પલેક્સ, નૉર્થ-ઈસ્ટર્ન હિલ રીજિયન, શિલૉંગ (મેઘાલય) |
ઈશાની પર્વતીય પ્રદેશ માટે કૃષિ અને પશુપાલન અંગે સંશોધન | ખાદ્યપાકો, ફળપાકો અને પશુપાલન તથા મરઘાંઉછેર સંબંધે સંશોધન | 1975 | ઈશાન દિશાના પર્વતાળ પ્રદેશ માટે ખેતી અંગે સંશોધનાત્મક અભ્યાસ કરેલો છે અને સ્થાનિક અને જંગલી પાકોની જાતોનો સંગ્રહ કરેલો છે. |
23. | સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ઍ ગ્રિકલ્ચરલ એન્જિનિયરિંગ, ટી. ટી. નગર, ભોપાલ (મધ્યપ્રદેશ) | કૃષિ ઇજનેરી | કૃષિ-ઓજારો, યંત્રો, યંત્રસામગ્રી અને ઊર્જા અંગે સંશોધન | 1976 | નવી ટૅક્નૉલૉજી, ઓજારો, ખેતપેદાશોની સંગ્રહ-સુવિધા, બાયોગૅસ, સૌર ઊર્જા અને ઓછી કિંમતનાં ફાર્મહાઉસ વગેરે બાબતે સંશોધનાત્મક કામગીરી કરેલી છે. |
24. | સેન્ટ્રલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર આંદામાન-નિકોબાર ગ્રૂપ ઑવ્આ ઇલૅન્ડ્ઝ, પોર્ટબ્લેર | કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યવિજ્ઞાન અંગે સંશોધન | કૃષિ, બાગાયત અને પશુપાલન | 1978 | નવા ક્ષેત્રીય પાકો ચકાસી તેની ક્ષમતા જાણી વાવેતર હેઠળ લાવવાની ભલામણો કરેલી છે અને તે અંગેની ખેત-પદ્ધતિઓના અભ્યાસ કરેલા છે. પશુ અને ભેંસોને થતા રોગોના નિયંત્રણનાં પગલાં સૂચવેલાં છે. |
25. | ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ સ્ટૅટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી | કૃષિ આંકડાશાસ્ત્ર અંગે સંશોધન અને તાલીમ-અભ્યાસક્રમો | કૃષિ આંકડાશાસ્ત્ર, કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ, ડેટા પ્રોસેસિંગ વગેરે | 1978 | કૃષિ-સંશોધન માટે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓના ઉપયોગથી સંશોધન- કામગીરીની ગુણવત્તા સુધરી છે. |
26. | ઇન્ડિયન વેટરિનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇજ્જતનગર (ઉત્તરપ્રદેશ) | પશુચિકિત્સા, પશુપાલન અને જનીનવિદ્યા, ઉત્પાદન, મરઘાં- ઉછેર વગેરેનું સંશોધન |
પશુ-આરોગ્ય અને ઉત્પાદન સંબંધેની ટૅકનિકલ બાબતો | 1889 | પશુ-આરોગ્ય અને ઉત્પાદન સંબંધે રાષ્ટ્રીય કક્ષાએ ઘણી જ ભલામણો કરેલી છે, જેમાં અગત્યની રસીઓ અને દવાઓનો સમાવેશ થાય છે. |
27. | નૅશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કર્નાલ (હરિયાણા) | ડેરી-સંશોધન | ઉત્પાદન, જનીનવિદ્યા, સંવર્ધન, પોષણ, દેહધર્મવિદ્યા, પશુધન ઉત્પાદન અને ઘાસચારા ઉત્પાદન પ્રક્રિયા : જીવાણુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ડેરી ઇજનેરી, ટૅક્નૉલૉજી, ગુણવત્તા નિયંત્રણ, માનવપોષણ, વ્યવસ્થાપન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને વિસ્તરણ | 1955 | વધુ દૂધ-ઉત્પાદન માટે સંવર્ધન કાર્યક્રમો દ્વારા વધુ ઉત્પાદન આપતાં પશુઓની ભલામણ કરેલી છે. બે વિયાણ વચ્ચેનો ગાળો ઘટાડી શકાયો છે તેમજ મૃત્યુપ્રમાણનો દર નીચો લાવી શકાયો છે. પશુ-પોષણમાં ઉપયોગી ભલામણો કરેલી છે. દૂધપ્રક્રિયા અંગે નવું સંશોધન કર્યું છે. |
28. | સેન્ટ્રલ શીપ ઍન્ડ વુલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આવિકાનગર (રાજસ્થાન) | ઘેટાંની ઓલાદો અને ઊન ટૅક્નૉલૉજી અંગે સંશોધન | જનીનવિદ્યા, પશુપાલન, ઘાસિયા જમીન અને ઘાસચારાનું પાક-વિજ્ઞાન, પોષણશાસ્ત્ર, પશુચિકિત્સા, દેહધર્મવિદ્યા અને ઊન ટૅક્નૉલૉજી | 1962 | ઘેટાંની દેશી અને પરદેશી જાતોના સંકરણથી નવી ઓલાદો તૈયાર કરી પશુપાલકોને સુલભ કરી આપી છે. અનુસ્નાતક અભ્યાસ દ્વારા પણ વૈજ્ઞાનિકો માટે નવું સંશોધન સુલભ કરી આપ્યું છે. |
29. | સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઑન ગોટ, મથુરા (ઉત્તરપ્રદેશ) | બકરાં-સંશોધન | જનીનવિજ્ઞાન, સંવર્ધન, પોષણ ચિકિત્સા વગેરે | બકરાં-ઉછેર સંબંધે અગત્યની ભલામણો કરેલી છે. | |
30. | સેન્ટ્રલ ઇન લૅન્ડ ફિશરિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાકપોર (પશ્ચિમ બંગાળ) | આંતરપ્રદેશીય મત્સ્ય-ઉછેર અંગે સંશોધન | સંવર્ધન, નકામા છોડનું નિયંત્રણ, જનીન રસાયણશાસ્ત્ર, ઇજનેરી, મત્સ્યબીજ-ઉત્પાદન | 1947 | ઉપયોગી જાતોની તારવણી કરેલી છે અને તેમના ઉછેરની પદ્ધતિઓ વિકસાવેલી છે. જરૂરી બીજ તૈયાર કરી માગણી મુજબ સંશોધનકારો અને વિસ્તરણ શાખાને પૂરું પાડવામાં આવે છે. |
31. | સેન્ટ્રલ મરીન ફિશરિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોચીન (કેરળ) | સમુદ્રવિસ્તારમાં મત્સ્યસંશોધન | સર્વેક્ષણ, પૂર્વાનુમાન, સંવર્ધન ટૅક્નૉલૉજી અને વિસ્તરણ શિક્ષણ | 1947 | મત્સ્ય-ઉછેરનું વધુ ઉત્પાદન મળી શકે તેવાં સ્થળોનું સર્વેક્ષણ કરી સૂચનો કરેલાં છે. નવી ટૅક્નૉલૉજી વિશે ભલામણો કરેલી છે. |
32. | સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિશરિઝ ટૅક્નૉલૉજી, કોચીન (કેરળ) | મત્સ્ય ટૅક્નૉલૉજી | મત્સ્ય-પ્રક્રિયાઓ અને ગુણવત્તા-નિયંત્રણ, ગૌણ ઉત્પાદન વગેરે | 1957 | મત્સ્ય-ઉદ્યોગ માટેની પ્રક્રિયા અંગે અગત્યનું સંશોધન કરી તેની પદ્ધતિઓ નિયત કરેલી છે અને ગુણવત્તાનાં ધોરણો નક્કી કરેલ છે. |
કે. જાનકીરામન