કેન્દ્રીય ખાદ્ય તાંત્રિકીય સંશોધન સંસ્થા મૈસૂર

January, 2008

કેન્દ્રીય ખાદ્ય તાંત્રિકીય સંશોધન સંસ્થા, મૈસૂર (Central Food Technological Research Institute, Mysore) : ખાદ્ય પદાર્થોની વિવિધ પ્રક્રિયા અને જાળવણીને લગતી ટૅક્નૉલૉજીના સંશોધન તથા વિકાસ માટેની કેન્દ્રસ્થ સંસ્થા; સ્થાપના 1950. ખાદ્ય પદાર્થોના ઉદ્યોગોની સ્થાપના અને પાક તૈયાર થયા બાદની ટૅક્નૉલૉજી બાબતમાં પણ આ સંસ્થા સરકાર અને ગ્રાહકને જરૂર મુજબ મદદ કરે છે. આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓમાં ખેત-ઉત્પાદનોને ઉત્તેજક સંશોધનો, ખાદ્ય પદાર્થોના ઉદ્યોગનું આધુનિકીકરણ, પરંપરાગત ખાદ્ય ટૅક્નૉલૉજીમાં સુધારો, લણણી લેવાયા બાદ બગડી જાય તેવા પાકને તેમજ ખાદ્ય પદાર્થોને વધુ સુરક્ષિત બનાવવા તેમજ તે પદાર્થોના કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને સૂક્ષ્મજીવવિજ્ઞાન અંગેના અભ્યાસને ગણી શકાય. આ સંસ્થાની વિશિષ્ટ સિદ્ધિઓમાં ભેંસના દૂધમાંથી બાલઆહાર, શક્તિવર્ધક ખાદ્ય પદાર્થમાં પૌષ્ટિક તત્વનો ઉમેરો, ડાંગર અને કઠોળ-દાળના પાકમાં વૃદ્ધિ, દેશને અનુકૂળ નાસ્તા માટેની વાનગીઓ બનાવવી, તેલીબિયાંમાંથી ખાદ્યતેલ નિષ્પત્તિની સ્વદેશી ટૅક્નૉલૉજી, નાળિયેરની વિવિધ વાનગીઓને લગતી સ્વદેશી ટૅક્નૉલૉજીનો વિકાસ, નારંગી, લીંબુ અને કોલા જેવાં પીણાંનો ઉપયોગ, ખાદ્ય પદાર્થોની જંતુમુક્ત જાળવણી અને ખેત-ઉત્પાદનોના કચરામાંથી ખાતર કે અન્ય ગૌણ નીપજોનું ઉત્પાદન કરવું વગેરે ગણી શકાય. આ સંસ્થા દ્વારા દેશના આ પ્રકારના ઉદ્યોગોને વિવિધ ટૅક્નૉલૉજી આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થોનાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અંગેનાં સર્ટિફિકેટ અને અનુસ્નાતક પદવી આપતા ટૂંકા અને લાંબા ગાળાના અભ્યાસક્રમ શીખવવાનો તથા ઇતર તાલીમી કાર્યશિબિરોનો પ્રબંધ આ સંસ્થા દ્વારા થાય છે. ખાદ્ય પદાર્થોની માહિતી આપતાં સામયિકો અને પ્રકાશનો પણ તેના તરફથી પ્રસિદ્ધ થાય છે. આ સંસ્થાનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, લખનૌ, હૈદરાબાદ, મૅંગલોર, લુધિયાણા અને નાગપુરમાં આવેલાં છે.

 સંસ્થાના સૌજન્યથી