કેન્ડાલ હેન્રી ડબ્લ્યૂ.

January, 2008

કેન્ડાલ, હેન્રી ડબ્લ્યૂ. (જ. 9 ડિસેમ્બર 1926, બોસ્ટન, મૅસેસ્ટૂસેટ્સ; અ. 15 ફેબ્રુઆરી 1999, ફ્લોરિડા) : કણ ભૌતિકીમાં ક્વાર્ક નમૂનાના વિકાસમાં આવશ્યક અને મહત્ત્વનું યોગદાન કરનાર અમેરિકી ભૌતિકવિજ્ઞાની. 1950માં તેમણે અમહર્સ્ટ કૉલેજમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1955માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1956થી 1961 સુધી તેમણે સ્ટૅન્ફૉર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ આપ્યું. ત્યારબાદ તેઓ એમ.આઇ.ટી.માં પાછા ફર્યા. તેઓ એમ.આઇ.ટી.માં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતા.

હેન્રી ડબ્લ્યૂ. કેન્ડાલ

યુનિયન ઑવ્ કન્સર્ન્ડ સાયંટિસ્ટ્સના તેઓ સ્થાપક સભ્ય હતા. તેઓએ આ યુનિયનના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કર્યું હતું. ન્યૂક્લિયર પાવર-ઉદ્યોગના ગુણદોષોનો વિચાર કરનાર આ સંગઠનને તેઓ દિલચસ્પી સાથે માર્ગદર્શન આપતા હતા. તેઓ સ્ટાર-વૉર્સના નામે ચાલતા સુરક્ષા કાર્યક્રમોના ટીકાકાર હતા.

પ્રકૃતિના મૂળને સમજવા માટે અનોખી, સુંદર અને સરળ પદ્ધતિની શોધ એ ભૌતિકવિજ્ઞાનની નેમ છે. મૂળભૂત કણોનો અભ્યાસ આ દિશામાં લઈ જાય છે. પરિણામે ભૌતિકવિજ્ઞાનીઓ કેટલાક મૂળભૂત કણો શોધવા અને અવપરમાણુ કણો પ્રતિપાદિત કરવા સમર્થ થયા. ગેલ-માને રજૂ કરેલો ક્વાર્ક-નમૂનો અવપરમાણુ કણોની મુખ્ય ધારાના સિદ્ધાંતને સફળતાપૂર્વક સમજાવે છે. ક્વાર્ક-કણોને પારખી (શોધી) કાઢવાનો સાચો યશ કેન્ડાલ(ફ્રીડમાન જેરોમ આઇસેક અને ટેલર રિચાર્ડ)ને ફાળે જાય છે.

કેન્ડાલ, ફ્રીડમાન અને ટેલર 1960ના દસકામાં સ્ટૅન્ફૉર્ડ લિનીર એસ્સીલરેટ કેન્દ્ર ઉપર કાર્ય કરતા રહ્યા. તેમણે પ્રોટૉન અને ન્યૂટૉન તરફ ઇલેક્ટ્રૉન તાકીને માર્યા. આ કણોથી પાછા પડેલા ઇલેક્ટ્રૉનના અભ્યાસ ઉપરથી માલૂમ પડ્યું કે ઉક્ત કણો એકસરખા ઘન (dense)ન હતા, પણ તે ક્વાર્ક-દ્રવ્યના સમન્વયરૂપ (એકત્રીકૃત) હતા. આ ત્રિપુટીના સંશોધન બાદ વિજ્ઞાનીઓ આશરે 18 પ્રકારના ક્વાર્ક હોવાનું માને છે.

પ્રોટૉન અને ન્યૂટ્રૉન દ્વારા ઇલેક્ટ્રૉનનું થતું અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન એ આ ક્ષેત્રે પહેલ હતી. આ સંશોધન ક્વાર્ક-સિદ્ધાંત વિકસાવવામાં અમૂલ્ય સાબિત થયું. તેને કારણે કેન્ડાલ, ફ્રીડમાન અને ટેલરને સંયુક્ત રીતે 1990ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

પ્રહ્લાદ છ. પટેલ