કૅન્ડિડા (1903) : જ્યૉર્જ બર્નાર્ડ શૉ (1856-1950) રચિત સામાજિક નાટક. વીસમી સદીની સામાજિક સમસ્યા પર આધારિત આ નાટક રૂઢિગત નાટકની પ્રતિકૃતિ (parody) છે. આ નાટકમાં લેખક સ્ત્રીના સામાજિક દરજ્જા વિશે વિચારે છે. સ્ત્રીપુરુષસંબંધને વણી લેતા આ નાટકમાં લગ્નવ્યવસ્થા કેન્દ્રસ્થાને છે. સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી શૉ અહીં સ્પષ્ટ કરે છે કે કોઈ પણ સ્ત્રી પુરુષની માલિકીની વસ્તુ નથી. સ્ત્રીનું આગવું વ્યક્તિત્વ છે. શૉના મંતવ્ય મુજબ સ્ત્રીની કોઠાસૂઝ પુરુષ કરતાં વધુ પ્રબળ હોય છે, એની ઇચ્છાશક્તિ વધુ ર્દઢ હોય છે અને વ્યવહારુપણામાં તે વધુ દક્ષ પુરવાર થઈ છે. સ્ત્રી પોતે જ પોતાની માલિક છે, એના વ્યક્તિત્વનો માલિકીહક એનો પોતાનો છે, અન્ય કોઈનો નહિ.

દામ્પત્યજીવનની સમસ્યા પર આધારિત આ પ્રણયત્રિકોણનું નાટક છે. આ નાટકની નાયિકા કૅન્ડિડા બંને પુરુષ પાત્રો કરતાં વધુ શક્તિશાળી છે. બંને પુરુષો એને ચાહે છે. એના પતિ સ્વકેન્દ્રી (self-centred) ધર્મગુરુ છે. કૅન્ડિડાનો પ્રેમી માર્ચબૅન્ક્સ રોમૅન્ટિક કવિ છે; તે કૅન્ડિડાથી પંદર વર્ષ નાનો છે. કૅન્ડિડાની શક્તિથી એ સભાન છે. પણ કૅન્ડિડાથી મોટો એનો પતિ મૉરેલ સદાય ભ્રમમાં રહે છે કે એ કૅન્ડિડાને રક્ષણ આપે છે.

કૅન્ડિડાને એનો પતિ પડકાર ફેંકે છે અને બેમાંથી એકને પસંદ કરી લેવાનું આવાહન આપે છે ત્યારે કૅન્ડિડા બેમાંથી જે વધુ નબળો છે તેને પસંદ કરે છે. સન્માન્ય ધર્મગુરુ અને સમાજવાદના પ્રખર હિમાયતી મૉરેલ પોતાના આદર્શો અને વાક્છટા પર મુસ્તાક છે, પરંતુ એમની પત્ની કૅન્ડિડાની નજરમાં તો એ નિર્દોષ અરક્ષિત બાળકથી વિશેષ કાંઈ નથી. પરંતુ કૅન્ડિડાની ર્દષ્ટિએ તો મૉરેલ કેવળ શબ્દોના સ્વામી છે, જેમનું એ સદા રક્ષણ કરતી રહી છે.

‘ઑક્શન’ નામના અગત્યના ર્દશ્યમાં કૅન્ડિડા બંને પ્રતિસ્પર્ધીઓને પૂછે છે કે એને પ્રાપ્ત કરવા તેઓ શું આપશે. ભ્રમમાં રાચતા મૉરેલ ગૌરવથી જાહેર કરે છે કે કૅન્ડિડાના રક્ષણ માટે તે પોતાની શક્તિ કામે લગાડશે. કૅન્ડિડા સમજે છે કે જે પોતે અરક્ષિત છે તે એનું રક્ષણ શી રીતે કરે ? કૅન્ડિડા એમ પણ સમજે છે કે મૉરેલની શક્તિનાં મૂળ એના સાથ અને સહકારમાં છે; એના સાથ વિના મૉરેલ ભાંગી પડવાનો છે. કૅન્ડિડા એમ પણ સમજે છે કે કવિ માર્ચબૅન્ક્સે આખી જિંદગી એકાકી વિતાવી હોવાથી ઉંમરમાં નાનો હોવા છતાં એ સ્વનિર્ભર છે અને માટે એનામાં પ્રબળ આંતરિક શક્તિ છે. કૅન્ડિડાનો નિર્ણય માથે ચડાવી માર્ચબૅન્ક્સ રાત્રિના અંધકારમાં નીકળી પડે છે  એમ જણાવીને કે એને રહસ્ય લાધ્યું છે. અને માટે તો નાટકનું ઉપશીર્ષક છે : ‘એ મિસ્ટરી’.

આરમઈતી દાવર