કેન્ડલ, એડવર્ડ (જ. 8 માર્ચ 1886, સાઉથ નોવૉક, યુ.એસ.; અ. 4 મે 1972, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : ફિઝિયોલૉજી અને મેડિસિન શાખામાં નોબેલ પારિતોષિક(1950)વિજેતા વિજ્ઞાની. તેમના સહવિજેતા હેન્ચ અને ટેડિયસ રિકસ્ટેન (સ્વિટ્ઝર્લૅન્ડ) હતા. કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક થયા પછી તે 1910માં પીએચ.ડી. થઈને મેયો ફાઉન્ડેશનમાં જોડાયા હતા, ત્યાંથી તે બાયોકેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ (1914-51) તરીકે નિવૃત્ત થયા. પછી મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે સેવા આપી હતી.

એડવર્ડ કેન્ડલ

તેમણે અધિવૃક્ક (adrenal) અંત:ગ્રંથિના બાહ્યક(cortex)માંથી સ્ટીરૉઇડ અંત:સ્રાવોને છૂટા પાડીને તેમની રાસાયણિક સંરચના નક્કી કરી હતી અને તેની જૈવિક અસરો શોધી હતી. આ સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક અપાયું હતું. બે સહ-સંશોધકોની સહાયથી આમવાતી સંધિશોથ(rheumatoid arthritis)ની ચિકિત્સામાં તેનો ઉપયોગ કર્યો હતો. કોર્ટિસોલ અને કોર્ટિકોસ્ટીરોન વિશે તેમણે સંશોધનાત્મક અભ્યાસ કર્યો. તે પહેલાં તેમણે ગલગ્રંથિ(thyroid gland)નો અંત:સ્રાવ થાયરૉક્સીન શોધ્યો હતો. ગ્લુટાથાયોનને સ્ફટિકરૂપે તારવીને તેની રાસાયણિક સંરચના નક્કી કરી હતી. જીવશાસ્ત્રની ઑક્સિડેશન-રિડક્શન પ્રક્રિયામાં ગ્લુટાથાયોન મહત્વનો ભાગ ભજવે છે તે તેમણે પ્રમાણ્યું છે.

હરિત દેરાસરી