કૅન્ટરબરી મેદાન

January, 2008

કૅન્ટરબરી મેદાન : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના જળવિસ્તારમાં ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડની મધ્યપૂર્વમાંની નીચાણવાળી ભૂમિમાં આવેલું 17,280 ચોકિમી. વિસ્તાર ધરાવતું મેદાન. તે 44° 00′ દ. અ. અને 171° 45′ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ત્રણ નદીઓ આવેલી છે. રાન્ગીટાશ, રકાઇયા તથા વાઇમાકરિરી. આ નદીઓનો વહનમાર્ગ પૂર્વથી દક્ષિણ તરફનો છે. ઉનાળો આકરો હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું હોય છે. સરેરાશ વરસાદ 750 મિમી. કરતાં ઓછો હોય છે. આ પ્રદેશમાં વસાહતની શરૂઆત 1850માં થઈ હતી. આ પ્રદેશમાં મરીનો ઘેટાં માટેનાં મહત્વનાં ઉછેરકેન્દ્રો આવેલાં છે. આ વિસ્તાર ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા જેવો સમૃદ્ધ છે તેથી તે ‘સોનાના પ્રદેશ’ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ખેતી માટે યાંત્રિક સાધનોનો વધુ ઉપયોગ થાય છે. અહીં ખાદ્ય પાક અને ઘાસની ખેતી મુખ્ય છે. ક્રાઇસ્ટચર્ચ એ મહત્વનું આધુનિક શહેર છે. ઍશબર્ટન મોટું શહેર છે. આ શહેરની આસપાસ ડેરી, પોલ્ટ્રી ફાર્મ, ફળ અને શાકભાજીની ખેતી જેવી પ્રવૃત્તિ વધુ વિકસી છે. અહીંની વસ્તી 6,66,300 (2023) છે.

નીતિન કોઠારી