કેનો, રેમોં (જ. 21 ફેબ્રુઆરી 1903, લ હાર્વે, ફ્રાંસ; અ. 25 ઑક્ટોબર 1976, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર અને કવિ. સૉરબોનમાં શિક્ષણ લીધા પછી 1936થી 1938 દરમિયાન વૃત્તાંત-નિવેદક તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ પ્રશિષ્ટ સર્જકો વિશેની ‘આંસીક્લોપીદી દ લા પ્લેઇઆદ’ નામની ગ્રંથશ્રેણીમાં રીડર તરીકે જોડાયા અને 1955માં તેના નિયામક નિમાયા.

1920ના દાયકામાં તેમણે જે અતિવાસ્તવવાદની વિચારસરણી સ્વીકારી હતી તેના શેષ સંસ્કારરૂપે તેમની શૈલીમાં શબ્દરમત, દુર્ભાવપ્રેરિત રમૂજ તથા સત્તાધીશોની તિરસ્કારભરી અવજ્ઞા જેવાં વલણો તેમનામાં જળવાઈ રહ્યાં હતાં. શ્લેષ, ઉપહાસ, જોડણીવિષયક કરામતો તેમજ ભાષાવિકૃતિની તેમની વિચિત્રતાઓમાં નિરાશાવાદ અને મૃત્યુ વિશેનું વળગણ ડોકાયાં કરે છે. શૈશવનાં સ્મરણો આલેખતાં પ્રમાણમાં અગંભીર કાવ્યો (‘શેન એ શિઆં’, 1937) તથા પદ્યબંધમાં લખાયેલી નવલકથા તેમજ પ્રમાણમાં વિશેષ તત્વલક્ષી પ્રકારનાં કાવ્યો ‘લે ઝિઓ’ (1943), ‘પિતિએ કૉસ્મોગૉનિ પાર્તાતિવ’ (1950) અને ‘સિ ત્યુ તિમાઝિન’ (1952) જેવી રચનાઓમાં આત્મવિડંબનારૂપ હાસ્ય પડઘાતું રહે છે.

તેમની નવલકથાઓની માંડણી તથા શૈલી પણ તેમની કાવ્યરચનાઓને મળતી જ આવે છે. નાની નાની કાફે ધરાવતું કોઈ ઉપનગર; મન બહેલાવવા માટેનો કોઈ ઉદ્યાન, કે પૅરિસનો કોઈ ભૂગર્ભ-માર્ગ હોય, કે આવું કોઈ પણ સુપરિચિત ઘટનાસ્થળ હોય, પણ તેમાંથી પ્રગટ થતું ભાવજગત સાવ અમૂર્ત પ્રકારનું હોય છે. ‘ધ બાર્ક ટ્રી’ (1968), તેમની કદાચ સૌથી જાણીતી અને ફિલ્મ રૂપાંતર પામેલી નવલકથા ‘ઝેંઝી’ (1960), ‘ધ બ્લ્યૂ ફલાવર્સ’ (1967) તથા ‘ધ ફલાઇટ ઑવ્ ઇકેરસ’ (1973) એ તમામ કૃતિઓમાં આવો જ ઉપક્રમ છે. કાવ્યબાની સુધીની અનેકવિધ ભાષાભંગિ આસ્વાદવા મળે છે. હાસ્યકારનું મહોરું પહેરીને કેનો જેવા ગૂઢ અને બહુશ્રુત માનવતાવાદીએ વીસમી સદીના મધ્યભાગનાં વર્ષોમાં ગદ્યપદ્યની જે ગણનાપાત્ર કૃતિઓ રચી તેમાં સર્જક ચિત્તનો ગહેરાઈભર્યો ઉન્મેષ જોવા મળે છે.

 મહેશ ચોકસી