કેનુ : એક પ્રકારની સાંકડી હોડી. અમેરિકન ઇન્ડિયન ભાષાનો આ મૂળ શબ્દ ‘કેનો’ સ્પૅનિશ વસાહતીઓએ અપનાવ્યો હતો. સામાન્ય રીતે આ હોડી 4.5થી 6 મી.થી માંડીને 30 મી. જેટલી લાંબી હોય છે. ‘કેનુ’ની રેસ માટે વપરાતી હોડી 518.18 સેમી. લાંબી, 86.36 સેમી. પહોળી અને 30.48થી 111.76 સેમી. ઊંડી હોય છે. મોઢાનો ભાગ અણીવાળો અને સાંકડો અને પાણીથી થોડોક દૂર રહેતો હોવાથી, ઓછા અવરોધે પાણી કપાય છે. નદીના આંતરિક જળમાર્ગ કે સમુદ્રકિનારા નજીકનાં છીછરાં પાણીમાં પ્રવાસ માટે તે વપરાય છે. સમુદ્રના લાંબા પ્રવાસમાં સઢની જરૂર પડે છે. વાંસ કે તવેથા જેવાં ચપટાં એક કે વધુ હલેસાં દ્વારા તેનું સંચાલન થાય છે. ચાલક હોડીના મોઢા આગળ બેસતો હોય છે.
કૅરિબિયન ઇન્ડિયનો તથા અન્ય આદિવાસીઓ મોટા વૃક્ષના જાડા થડને એક બાજુથી સપાટ કરી તેના ઉપર સળગતા અંગારા મૂકી, વૃક્ષના થડને પોલું કરતા હતા. આવી રીતે બનેલ હોડી ‘ડગ આઉટ’ તરીકે જાણીતી છે. યુરોપ-અમેરિકામાં વૃક્ષના થડમાંથી બનેલા ‘ડગ આઉટ’ કે કેનુના અવશેષો મળ્યા છે. અમેરિકા અને આફ્રિકાના અંદરના ભાગમાં નદીમાર્ગે કેનુ દ્વારા સંશોધકો શોધખોળ માટે જતા હતા. છઠ્ઠી સદીમાં આયર્લૅન્ડથી અમેરિકા જનાર લોકો કેનુ દ્વારા ગયા હતા. એશિયાના લોકો બહેરીનની સામુદ્રધુની પાર કરીને આ રીતે કેનુ દ્વારા અમેરિકામાં પ્રવેશ્યા હતા. કેનુમાં વપરાતું થડ અંગારાની ગરમીને કારણે પાકું બનવાથી તેમાં તિરાડ પડવાની કે ફાટવાની દહેશત રહેતી નથી.
હોડીના ખોખા માટે લાકડા ઉપરાંત વહેલ જેવી માછલીનાં હાડકાંનો ઉપયોગ થાય છે અને તેને મઢવા માટે ચામડું, કૅન્વાસ, બર્ચની છાલ, પતરા કે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એસ્કિમોની ‘કૅયાક’ હોડી પણ કેનુનો એક પ્રકાર છે. સામાન્ય કેનુ ખુલ્લી હોય છે, જ્યારે કૅયાક બંધ હોય છે.
શિકાર અને મચ્છીમારી માટે જ અગાઉ ઉપયોગ થતો હતો.
19મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મૅકગ્રેગરે પુસ્તક લખી ‘કેનુ હરીફાઈ’ લોકપ્રિય બનાવી છે. ઇંગ્લૅન્ડમાં ‘કેનુ ક્લબ’ છે. 40 દેશો કેનુ ક્લબના સભ્યો છે. 1936થી ઑલિમ્પિક હરીફાઈમાં ‘કેનુ રેસ’ને સ્થાન મળ્યું છે. કેરળમાં લગૂન સરોવરમાં આવી હરીફાઈ દર વરસે યોજાય છે.
શિવપ્રસાદ રાજગોર