કેક્યુલે ફ્રેડરિક ઑગસ્ટ

January, 2008

કેક્યુલે, ફ્રેડરિક ઑગસ્ટ (જ. 7 સપ્ટેમ્બર 1829, ડાર્મસ્ટાટ; અ. 13 જુલાઈ 1896, બૉન) : સંરચનાત્મક કાર્બનિક રસાયણના સ્થાપક અને બેન્ઝીનૉઇડ સંયોજનો માટે વલય સંરચના સૂચવનાર જર્મન રસાયણજ્ઞ. 1847માં તે ગીસન યુનિવર્સિટીમાં સ્થાપત્યના અભ્યાસ માટે દાખલ થયા. પરંતુ જર્મન રસાયણવિદ લીબિખના આકર્ષણને લીધે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. પૅરિસમાં વધુ અભ્યાસ કરીને 1852માં ડૉક્ટરેટની પદવી મેળવીને ઇંગ્લૅન્ડ ગયા. લંડનમાં હતા તે દરમિયાન તેમણે 1854માં પહેલવહેલા સલ્ફરયુક્ત થાયૉએસેટિક ઍસિડનું સંશોધન કર્યું. 1856માં તે હાઇડલબર્ગમાં રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા નિમાયા.

ફ્રેડરિક ઑગસ્ટ કેક્યુલે

1858થી 1865 દરમિયાન ગેન્ટમાં પ્રોફેસર તરીકે શિક્ષણ તથા સંશોધનની કામગીરી બજાવ્યા પછી 1865થી મૃત્યુ પર્યંત (1896) તે બર્લિનમાં પ્રોફેસર રહ્યા. ગેન્ટમાંના કાર્યકાળ દરમિયાન તેમણે કાર્બન ચતુ:સંયોજક છે તથા એકસંયોજક તત્વ સાથે 4 એક-બંધ રચે છે તેવું પ્રતિપાદિત કર્યું. કાર્બન બીજા કાર્બન સાથે બંધ રચી અનેક સંયોજનો બનાવી શકે છે (auto-concatenation or catenation) તેવો વિચાર તેમણે આર્ચિબાલ્ડ કૂપરથી સ્વતંત્ર રીતે રજૂ કર્યો. 1865માં બેન્ઝીનનું ચક્રીય બંધારણ રજૂ કરીને 1866માં તેમાં સુધારારૂપે જણાવ્યું કે બેન્ઝીનમાંના કાર્બનના દ્વિબંધ એકાંતરે હોય છે, જે આંદોલિત થાય છે. આ રીતે બેન્ઝીનમાં બે બંધારણનું સંસ્પંદન (resonance) દર્શાવીને સંસ્પંદન સંકલ્પનાનો પાયો નાખ્યો. તેમણે રજૂ કરેલી સંકલ્પનાઓના પરિણામે કાર્બનિક રસાયણનો રસાયણશાસ્ત્રની એક સ્વતંત્ર અને વિશિષ્ટ શાખા તરીકે સ્વીકાર થયો તથા તેમાં અત્યંત ઝડપી, અસરકારક પ્રગતિ થઈ. 1866માં તેમણે ડાય-એઝો સંયોજનોનું સાચું સૂત્ર આપ્યું. તેમનાં અન્ય મુખ્ય કાર્યોમાં મર્ક્યુરી ફલ્મિનેટ, અસંતૃપ્ત ઍસિડ તથા થાયૉઍસિડ ગણાવી શકાય. તેમણે કાર્બનિક રસાયણ વિશે લખેલું પુસ્તક ‘Lehrbuch der organischen Chemie’ ઘણાં વર્ષો સુધી પ્રમાણિત પુસ્તક તરીકે જાણીતું હતું.

પ્રવીણસાગર સત્યપંથી