કૅક્સ્ટન વિલિયમ

January, 2008

કૅક્સ્ટન, વિલિયમ (જ. આ. 1422, ટેન્ટરડન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1491 લંડન) : પ્રથમ અંગ્રેજ મુદ્રક અને અગ્રણી વેપારી. અનુવાદક તથા પ્રકાશક તરીકે અંગ્રેજી સાહિત્ય પરત્વે તેમનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે. 1463માં ‘ગવર્નર ઑવ્ ધ ઇંગ્લિશ નેશન ઑવ્ મર્ચન્ટ ઍડ્વેન્ચરર્સ’ બન્યા. 1470માં એ પદ છોડી બર્ગન્ડીનાં ડચેસ માર્ગારેટના નાણાકીય સલાહકારનો હોદ્દો સ્વીકાર્યો. માર્ચ 1469માં તેમણે ‘રિક્વેલ ઑવ્ ધ હિસ્ટરીઝ ઑવ્ ટ્રૉય’નો અનુવાદ શરૂ કર્યો. એ કાર્ય થોડો વખત બાજુએ મૂક્યા પછી છેક 19 સપ્ટેમ્બર 1471માં પૂરું કર્યું. 1470થી 1472માં તેમણે કોલોનમાં વસવાટ કર્યો અને મુદ્રણકાર્યની જાણકારી મેળવી. અનુવાદ કરેલી પ્રતની નકલ કરવામાં વેઠવા પડેલા શારીરિક-માનસિક ત્રાસના કારણે તે મુદ્રણવિદ્યા તરફ વળ્યા જણાય છે. આશરે 1474માં તેમણે બ્રૂઝમાં મુદ્રણાલય સ્થાપ્યું અને 1475માં અંગ્રેજી ભાષાનું સર્વપ્રથમ મુદ્રિત પુસ્તક પ્રગટ કર્યું, તે ‘રિક્વેલ ઑવ્ ધ હિસ્ટરીઝ ઑવ્ ટ્રૉય’. બ્રૂઝમાં ત્રણેક ફ્રેન્ચ પુસ્તકો પ્રગટ કર્યા પછી 1476માં તે ઇંગ્લૅન્ડ પાછા ફર્યા અને વેસ્ટમિન્સ્ટરમાં પોતાનું છાપખાનું ઊભું કર્યું. ત્યારપછી શેષ વર્ષો લેખન અને મુદ્રણકાર્યને જ સમર્પિત કર્યાં.

વિલિયમ કૅક્સ્ટન

18 નવેમ્બર 1477ના રોજ અહીંથી પ્રકાશિત થયેલું, ‘ડિક્ટસ ઍન્ડ સેઇંગ્ઝ ઑવ્ ધ ફિલૉસૉફર્સ’ અંગ્રેજી ભાષાનું મુદ્રણતારીખ સાથે પ્રગટ થયેલું સર્વપ્રથમ પુસ્તક. રાજવીઓ, ઉમરાવો તથા ધનાઢ્ય વેપારીઓ કૅક્સ્ટનના આશ્રયદાતા હતા તેમણે અનેકવિધ વિષયોનાં પ્રકાશનો વડે લોકરુચિને સંતોષવાનો પણ સબળ પુરુષાર્થ કર્યો. આ વિષયવૈવિધ્યમાં વીરતા, શૃંગાર, આચાર-ઉપદેશ, નીતિબોધ, ઇતિહાસ તથા તત્વજ્ઞાન ઉપરાંત ‘ધ મિરર ઑવ્ ધ વર્લ્ડ’ (1481) નામક વિશ્વકોશ જેવા સંદર્ભગ્રંથનો પણ સમાવેશ થાય છે; અંગ્રેજી ભાષાનું એ સર્વપ્રથમ સચિત્ર પ્રકાશન ગણાય છે. તેમના સમયમાં સુલભ અંગ્રેજી સાહિત્યની સર્વ કૃતિઓ પ્રગટ કરવાનો યશ તેમને ફાળે જાય છે. આમાં ચૉસર, જ્હૉન ગોવર, સર ટૉમસ મૅલરી તથા જ્હૉન લિડગેટની કૃતિઓનો સમાવેશ થાય છે. કૅક્સ્ટને ચોવીસ પુસ્તકોના અનુવાદ કર્યા છે. અવસાન સમયે તે સો જેટલાં પુસ્તકો મુદ્રિત કરી ચૂક્યા હતા.

સુરેશ શુક્લ