કૅસ્યૂરાઇના (સરુ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅસ્યુરિનેસી કુળની એક પ્રજાતિ. તે ઊંચી, સદાહરિત, મરૂદભિદીય (xerophytic) વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે મળી આવે છે અને ‘બીફ વૂડ ટ્રી’, ‘ફોરેસ્ટ ઑક’ કે ‘શી ઑક’ તરીકે જાણીતી છે. ભારતમાં તેની 9 જેટલી જાતિઓનો બળતણ અને મૃદા-સંરક્ષણ માટે પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
Casurina equisetifolia Linn. (ગુ. હિં. સરુ, અં. ઑસ્ટ્રેલિયન કે વ્હિસલિંગ પાઇન, હૉર્સટેઇલ ટ્રી) સદાહરિત, સીધા પ્રકાંડવાળું, સામાન્યત: 15 મી.થી 25 મી. ઊંચું, 0.6 મી.થી 1.2 મી. ઘેરાવાવાળું વૃક્ષ છે, જે વધુમાં વધુ 50 મી. સુધીની ઊંચાઈ અને 1.8 મી. સુધીનો ઘેરાવો ધારણ કરી શકે છે. તેની શાખાઓ લાંબી, પાતળી, લીલી, નળાકાર, સંધિમય, લટકતી સોયાકાર ઉપશાખાઓ (પર્ણકાર્ય સ્તંભ – phylloclade) ધરાવે છે. તેમની આંતરગાંઠો 3 મિમી.થી 8 મિમી. લાંબી હોય છે. પર્ણો ચક્રિલ (whorled), અત્યંત નાનાં, શલ્કી અથવા ઇક્વિસેટમ કે પાઇનસની જેમ કંટમય હોય છે. છાલ ભૂખરી, રતાશ પડતી બદામી કે ઘેરા લાલ બરડ અને આછા પીળા રંગનાં ચિહનોવાળી હોય છે અને ઊભી પટ્ટીઓ સ્વરૂપે ઊતરે છે. પુષ્પો દ્વિગૃહી (dioecious) હોય છે. નર પુષ્પો અગ્રસ્થ પાતળી શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે; જ્યારે માદા પુષ્પો અંડાકાર કે શંકુ જેવાં હોય છે. ફળ કંટકી (echinate), સખત, 1-2 સેમી. વ્યાસવાળું હોય છે. બીજ હલકાં અને ઝિલ્લીમય (membranous) હોય છે.
તેનો ભારતમાં સૌપ્રથમ પ્રવેશ કર્ણાટકમાં કારવારમાં ઇમારતી લાકડા માટે, વાત-રોધ (wind-break) અને રેતી-બંધક (soil-binder) તરીકે કરાવાયો હતો. તેને શોભન-વનસ્પતિ તરીકે, ઉદ્યાન-પ્રસાધન કાર્ય (topiary work) માટે અને બળતણ માટે પણ ઉછેરવામાં આવે છે. તે ઝડપથી વૃદ્ધિ પામતું શુષ્કતા-સહિષ્ણુ (draught-hardy) વૃક્ષ છે. તે દરિયાકિનારે ઢૂવાવાળા તેમજ ઉષ્ણકટિબંધીય ભેજવાળા અને અર્ધશુષ્ક (semi-arid) પ્રદેશોમાં થાય છે. દરિયાકિનારે આવતા ચક્રવાત (cyclone) સામે તે ટકી શકે છે. તે લાક્ષણિક રીતે દરિયાકિનારાની વનસ્પતિ છે. જલતલ (water table) નીચું હોય ત્યારે તે ક્ષુપ સ્વરૂપમાં રહે છે, પરંતુ જલતલ મૃદાની સપાટી સુધી ઊંચું આવતાં તે મૃત્યુ પામે છે. અનુકૂળ સંજોગોમાં તે 50 વર્ષથી વધારે જીવી શકે છે, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં પ્રકાંડ પોલું અને વાંકુંચૂંકું બને છે અને ભાગ્યે જ 25 વર્ષ જીવે છે.
તે ઢીલી, રેતાળ મૃદાઓ અને કંકરિત (laterite), ફળદ્રૂપ, ગોરાડુ મૃદાઓ અને ખુલ્લી પંકિલ (marshy) ભૂમિ(જ્યાં pH 4.8થી 8.4 રહેતો હોય)માં સૌથી સારી રીતે થાય છે. તેને ઉનાળા દરમિયાન જલતલ (water table) ઊંચું હોય તેવી રેતાળ મૃદા પસંદ કરે છે. તે લવણીય (saline) કે ઍલ્કેલાઇન મૃદામાં પણ થાય છે. ઓછા નિતારવાળી મૃદા ભારે અને માટીવાળી (clayey) મૃદા તેની વૃદ્ધિ માટે નુકસાનકારક છે; કારણ કે આવી મૃદામાં મૂળગંડિકાઓ(root nodules)માં રહેલા નાઇટ્રોજનસ્થાપક બૅક્ટેરિયાની સક્રિયતા અવરોધાય છે.
વૃક્ષને ખુલ્લો સૂર્યપ્રકાશ ખૂબ અનુકૂળ છે. દરિયાકિનારે તે 7o સે.થી 47o સે.વાળા આત્યંતિક તાપમાને પણ થાય છે. 6-8 શુષ્ક મહિનાઓ સાથે 870 મિમી.-3800 મિમી. સરેરાશ વાર્ષિક વરસાદ સરુ માટે આદર્શ ગણાય છે.
પુષ્પનિર્માણની ક્રિયા ફેબ્રુઆરી-એપ્રિલ અને સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન થાય છે. ફળ જૂન અને ડિસેમ્બરમાં પાકે છે. એક જ વૃક્ષ અસંખ્ય હલકાં બીજ ઉત્પન્ન કરે છે અને પવન દ્વારા વિકિરણ પામે છે; પરંતુ અંકુરણ ખૂબ અલ્પ પ્રમાણમાં થાય છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. વાનસ્પતિક પ્રજનન હવા-દાબ (air-layering) અને અંત:ભૂસ્તારી (sucker) દ્વારા વળી પાર્શ્વીય પ્રરોહોને અંત:સ્રાવી ચિકિત્સા આપી મૂળના વિકાસને પ્રેરી તેમનું આરોપણ કરવામાં આવે છે. બીજની જીવનક્ષમતા (viability) ઓછી હોવાથી 12-18 વર્ષના વૃક્ષનાં તાજાં બીજ વાવેતર માટે શ્રેષ્ઠ ગણાય છે. આવાં બીજ એકત્રિત કરી, સૂકવી તેમને માટીના પાત્રમાં સંગ્રહવામાં આવે છે. 3.6 મી. × 1.2 મી., સારી તૈયાર કરેલી, પાણી અને ખાતર આપેલી ક્યારીઓમાં નવેમ્બરમાં રોપવામાં આવે છે. એક હૅક્ટરમાં વૃક્ષારોપણ કરવા 0.5 કિગ્રા. બીજ ધરુવાડિયામાં વાવવામાં આવે છે. ધરુવાડિયામાં ઇયળોનો ઉપદ્રવ ઘટાડવા ગેમેક્સિન કે BHCનો છંટકાવ કરવામાં આવે છે. મોલ-કંસારીઓ અને કીડીઓ બીજ ખેંચી જાય છે. બીજને કૉપર સલ્ફેટના મંદ દ્રાવણ કે Derris elliptica (wall.) Benth.ના મૂળનો આસવ મદદરૂપ થાય છે.
વાવ્યા પછી રોપ 6-18 માસનો બને ત્યારે પશ્ચિમ દરિયાકિનારે દક્ષિણપશ્ચિમ મોસમી પવનો અને પૂર્વ દરિયાકિનારે ઉત્તર-પૂર્વ મોસમી પવનો શરૂ થાય ત્યારે આરોપણ કરવામાં આવે છે. દક્ષિણભારત અને ઓરિસામાં પાસપાસેના રોપ વચ્ચે બધી બાજુએ 2.7 મી. અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 3.6 મી. અંતર રાખવામાં આવે છે.
સ્વચ્છ-પાતન પદ્ધતિ (clear-felling system) હેઠળનું આવર્તન (rotation) 7 વર્ષથી 35 વર્ષના ગાળાનું હોય છે. 33 વર્ષનું આવર્તન કાષ્ઠનું કદમાં વધારે ઉત્પાદન આપતું હોવા છતાં 15 વર્ષનું ચક્રણ તરુશાસ્ત્ર(sihviculture)ની ર્દષ્ટિએ લાભદાયી છે. સામાન્ય વાવેતર હેઠળ, 5 વર્ષ પછી 50 ટનથી 100 ટન કાષ્ઠનું ઉત્પાદન થાય છે. ભારતમાં 7-10 વર્ષના આવર્તન પર 1020 ટન/હૅક્ટર/વર્ષ કાષ્ઠનું ઉત્પાદન થાય છે.
રસકાષ્ઠ (sapwood) નારંગી-પીળું અથવા આછું બદામી હોય છે અને અંત:કાષ્ઠ(heartwood)માં ભળી જાય છે. અંત:કાષ્ઠ આછાથી માંડી ઘેરું રતાશ પડતું બદામી હોય છે; જેમાં કેન્દ્ર તરફ વધારે ઘેરા રંગના અનિયમિત પટ્ટાઓ જોવા મળે છે. કાષ્ઠ મજબૂત (strong), ભારે વજનદાર (વજન, 849-997 કિગ્રા./મી.3), કઠોર (hard), સંકુલિત અને સુરેખ કણયુક્ત (chose-and straight grained) અને મધ્યમથી માંડી સૂક્ષ્મ ગઠનવાળું હોય છે. તેના પર કામ કરવા માટે અણીદાર સાધનો જરૂરી છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે. તેનું વાયુસંશોષણ (seasoning) મુશ્કેલભર્યું હોય છે અને સહેલાઈથી ચિરાઈ જાય છે. તે મધ્યમસરનું ટકાઉ હોય છે. ખુલ્લી પરિસ્થિતિમાં તતડી અને કાષ્ઠને સડો કરતી ફૂગ સામે તે અવરોધક હોય છે. દરિયાઈ વેધકો પણ કાષ્ઠ પર આક્રમણ કરે છે. ગ્રેવયાર્ડ કસોટીઓ દર્શાવે છે કે કાષ્ઠનું આયુષ્ય 24-59 માસ જેટલું હોય છે. સાગના ગુણધર્મો સાથે તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 115-117, પાટડાની મજબૂતાઈ 85-88, પાટડાની દુર્નમ્યતા (stiffness) 100-104, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 8586, આઘાત-અવરોધકક્ષમતા (stock-resisting ability) 122-135; આકારની જાળવણી 50-55, વિરૂપણ (shear) 127-150, સપાટીની સખતાઈ 116-125 અને સ્ક્રૂ-ગ્રહણનો ગુણધર્મ 117.
સરુ શિંબી વનસ્પતિ નહિ હોવા છતાં તે મૂળગંડિકાઓનું નિર્માણ કરી વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. Frankia sp. ઍક્ટિનોમાયસેટ દ્વારા ગંડિકા-નિર્માણ થાય છે. સરુ અસરકારક અને બિનઅસરકારક એમ બે પ્રકારની ગંડિકાઓ બનાવે છે. અસરકારક ગંડિકા ગુલાબી રંગની, અથવા અનિયમિત ખંડોવાળી હોય છે અને બધા ક્રમના મૂળ પર જોવા મળે છે. બિનઅસરકારક ગંડિકાઓ ખૂબ થોડી, નાની, ગોળાકાર અને દ્વિતીયક તે પછીના ક્રમના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિનો નાઇટ્રોજન-સ્થાપનનો ગુણધર્મ બિનફળદ્રૂપ મૃદામાં ઉગાડવા માટે ઉપયોગી છે, જેથી ત્યારબાદ તે વિસ્તારની જાતિઓનું વાવેતર થઈ શકે.
તેના કાષ્ઠને ‘બીફ વૂડ’ કહે છે અને બળતણ માટે તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે સૌથી શ્રેષ્ઠ બળતણો પૈકીમાંનું એક ગણાય છે. તે લીલું હોય ત્યારે પણ સળગે છે. ભસ્મમાં લાંબો સમય ઉષ્મા રહે છે. કાષ્ઠનું કૅલરી-મૂલ્ય 4950 કિલોકૅલરી/કિગ્રા. છે. સખત કાષ્ઠનું ભંજક નિસ્યંદન (destructive distillation) કરતાં કોલસો 32.5 %, ડામર (tar) 10.1 %, પાયરોલિગ્નિયસ ઍસિડ 41.3 %, પિય (pitch) અને વ્યય 0.1 % અને વાયુ 16.0 % પ્રાપ્ત થાય છે. કાષ્ઠનો ઉપયોગ થાંભલા, તરાપા, હલેસાં, હથોડીના હાથાઓ, ચાલવા માટેની લાકડીઓ, દરવાજાઓ અને પૈડાંના આરાઓ બનાવવામાં થાય છે.
કાગળના માવા માટે કાષ્ઠ અનુકૂળ ગણાય છે. તેમાંથી લખવાના, છાપવાના અને વીંટાળવાના કાગળ બનાવવામાં આવે છે. તેનો હાર્ડ બૉર્ડ અને ચિપ બૉર્ડ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કાષ્ઠનું શુષ્કતાને આધારે કરવામાં આવેલું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : લિગ્નિન 23.2 %, પેન્ટોસન 19.2 %, સૅલ્યુલોઝ 56.7 % અને ભસ્મ 0.9 %. માવાના રેસાની સરેરાશ લંબાઈ 1.08 મિમી. અને વ્યાસ 0.011 મિમી. જેટલો હોય છે.
છાલ રતાશ પડતી કિરમજી કે વાદળી-કાળી હોય છે. તે બલ્ય (tonic) અને સંકોચક (astringent) ગુણધર્મો ધરાવે છે. તેનો અતિસાર (diarrhoea) અને મરડામાં ઉપયોગ થાય છે. તેનું ચૂર્ણ ખીલ(acne)ની ચિકિત્સામાં ઉપયોગી છે. ગળાના દુખાવામાં કોગળાની દવા તરીકે, બેરી-બેરી, કફ, ચાંદાં, કબજિયાત અને પેટના દુખાવામાં તે ઉપયોગી છે. તેનો આસવ આર્તવપ્રેરક (emmenagogue) અને ગર્ભોત્સારક (ecbolic) હોય છે. પ્રકાંડ અને મૂળની છાલમાં ટેનિન ઠીક ઠીક પ્રમાણમાં (6 %થી 18 %) હોય છે. આ ટેનિન કેટેચોલ પ્રકારનું હોય છે. માડાગાસ્કરમાં તેનો ઉપયોગ ચામડું કમાવવામાં થાય છે, કારણ કે તે પ્રાણીના ચામડામાં ઝડપથી પ્રવેશે છે અને ચામડાને સહેલાઈથી વળી શકે તેવું મૃદુ બનાવે છે. કેટલાક મૅન્ગ્રોવમાં મળતા ટેનિન કરતાં વધારે સારું ટેનિન હોય છે. સરુની છાલનું ટેન અને ધવ (Anogeissus latifolia (Roxb) wall. ex Bedd.) કે ધોંકરા (A. pendula Edgew)નાં ટેન સાથે મિશ્ર કરવાથી મળતું ટેન ગરમાળા (Cassia fistula Linn.)ની છાલના ટેનને સમકક્ષ હોય છે. છાલ દ્વારા ઊન અને રેશમ પીળા રંગથી રંગી શકાય છે.
માછીમારીની જાળની મજબૂતાઈ અને તેના પરિરક્ષણ માટે તાજી છાલ ઘસવામાં આવે છે. છાલ (+)- ગેલોકેટેચિન, (+)- કેટેચિન,(-)- એપીકેટેચિન, (-) એપીગેલોકેટેચિન, ગેલિક ઍસિડ, પ્રોટોકેટેચૂઈક ઍસિડ, મિથાઇલ ગેલેટ, કેટલાક એમિનો ઍસિડ, પોલિયોલ અને એલીસાઇક્લિક ઍસિડ ધરાવે છે. છાલનો કાઢો પ્રોટોપૅક્ટિનેઝ અને પૉલિગેલેક્ચુરોનેઝને અવરોધતી સક્રિયતા દાખવે છે.
સોયાકાર શાખાઓ અને ભસ્મનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેનું ચૂર્ણ બનાવી તેલમાં ઉકાળી કાનનાં દર્દોમાં લગાડાય છે. તેનો નિષ્કર્ષ પ્રતિ-કૅન્સર સક્રિયતા દર્શાવે છે. તેનો કાઢો શૂલ(colic)માં ઉપયોગી છે. તેનો મલમ સોજા પર લગાડવામાં આવે છે. સોયાકાર શાખાઓ ક્વિર્સેટિન, આઈસોક્વિર્સેટિન, કૅમ્પ્ફેરોલ, (+)- કેટેચિન, ઍલેજિક ઍસિડ, એમિનો ઍસિડ, પોલિયોલ અને એલિસાઇક્લિક ઍસિડ ધરાવે છે. તેઓ ફાઇટૉસ્ટેરોલ ધરાવે છે અને પ્રતિ-જીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.
C. cunninghamiana Mig. (રીવર શી ઓક) 20-30 મી.ની ઊંચાઈ ધરાવતું દ્વિગૃહી (dioecious) શોભનવૃક્ષ છે C. glauca Sieb. ex Spreng. વૃક્ષ જાતિ છે અને નીલગિરિમાં ઉગાડવામાં આવે છે. C. junghuhniana Mig. syn. C. montana Jungh. ex Mig. મોટી ઝડપથી વૃદ્ધિ પામતી પિરામિડીય વૃક્ષજાતિ છે. C. littoralis salisb. syn. C. saberosa Otto & A. Dietr.; C. laptoclada Mig. (રીવર બ્લૅક ઓક, સ્વેમ્પ ઓક) વધુમાં વધુ 12 મી. ઊંચાઈ ધરાવતી વૃક્ષ જાતિ છે C. obesa Mig. (વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન સ્વેમ્પ શી ઓક) 2-14 મી. ઊંચો ક્ષુપ કે વૃક્ષ છે. C. paludosa Sieb. ex. Spreng. નીચી ક્ષુપ જાતિ છે. C. stricta Ait. (શી ઓક ઑવ્ ઑસ્ટ્રેલિયા) નાની વૃક્ષ જાતિ છે. કેટલીક વાર તે ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે.
બળદેવભાઈ પટેલ