કૅસ્તેલાનોસ – જુલિયો

January, 2008

કૅસ્તેલાનોસ, જુલિયો (જ. 1911, મૅક્સિકો; અ. 1960, મૅક્સિકો) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર. મૅક્સિકન બાળકોને તેમની રમતોમાં મશગૂલ આલેખવા માટે તેઓ જાણીતા છે. મૅક્સિકન ચિત્રકાર મૅન્યુઅલ રોડ્રિગ્વેઝ લોઝાનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. કૅસ્તેલાનોસે આલેખેલાં બાળકોનાં માથાં-ચહેરા ઈંડાકાર હોય છે, જે મૅક્સિકોના મૂળ નિવાસીઓની શરીરરચના સાથે મેળ ખાય છે. મૅક્સિકોના કોયોઆકેન નગરની મેલ્કોર ઓકૅમ્પો શાળામાં 1932માં કૅસ્તેલાનોસે રમતમાં મશગૂલ બાળકોને બે મ્યુરલભીંતચિત્રોમાં આલેખ્યાં છે. આ બે ચિત્રો તેમની સર્જનાત્મકતાની શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે.

ત્યારબાદ કૅસ્તેલાનોસે વિશાળ કદનું તૈલચિત્ર ‘ધ ડે ઑવ્ સાન જુઆન’ ચીતર્યું. મૅક્સિકોના વાર્ષિક સ્નાન-ઉત્સવનું નિરૂપણ કરતા આ ચિત્રમાં આશરે સો જેટલી નગ્ન માનવ-આકૃતિઓ એક સરોવરમાં સ્નાનમગ્ન નજરે પડે છે. આ માનવ-આકૃતિઓમાં સ્નાયુઓનું આલેખન પ્રકાશ-છાયાના નિરૂપણ વડે અત્યંત સ્પષ્ટ થયું છે. એ પછી તેમણે એક લાચાર મૅક્સિકન ખેડૂત અને તેની પત્નીને આલેખતું ગમગીન ચિત્ર ‘ડિયાલાગો’ ચીતર્યું. ત્યારબાદ તેમણે ચિત્રકલાનો ત્યાગ કર્યો.

અમિતાભ મડિયા