કૅસિયસ (જ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42) : રોમન યોદ્ધો અને સીરિયાનો સેનાપતિ. કૅસિયસ કુટુંબ પ્રાચીન રોમનું એક પ્રસિદ્ધ કુટુંબ હતું. તે કુટુંબનો ગેયસ કૅસિયસ લાજાઇનસ સૌથી વધારે નોંધપાત્ર નેતા હતો. એણે રોમના સેનાપતિ જુલિયસ સીઝરના ખૂનનું કાવતરું ઘડવામાં અને તેને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એણે ઈ. પૂ. 53માં ક્વેસ્ટર અને ઈ. પૂ. 49માં ટ્રિબ્યૂન તરીકે કામગીરી કરી. ઈ. પૂ. 48માં જુલિયસ સીઝરે તેના હરીફ પૉમ્પીને હરાવ્યો ત્યારે કૅસિયસે પૉમ્પીના પક્ષે નૌકાદળના એક વિભાગીય સેનાપતિ તરીકે ભાગ લીધો. જોકે યુદ્ધ પૂરું થયા પછી સીઝરે તેને માફી આપી હતી.

ઈ. પૂ. 44માં તેને પ્રીટૉર બનાવવામાં આવ્યો અને એ પછીના વર્ષે સીરિયાનો ગવર્નર બનાવવાની ખાતરી આપવામાં આવી. તેમ છતાં તેણે જુલિયસ સીઝરના ખૂનમાં ભાગ લીધો. સીઝરના ખૂન પછી એ સીરિયા ગયો. ત્યાં મોટું લશ્કર એકઠું કરીને તેણે સેનેટે નીમેલા રોમન ગવર્નર પબ્લિયસ કૉર્નેલિયસ ડોલાબેલાને હરાવીને સીરિયા જીતી લીધું. એ પછી સીઝરના બીજા ખૂની બ્રૂટસ સાથે એ જોડાયો. રોમના સેનાપતિઓએ સીરિયા પાછું મેળવવા લશ્કર સાથે આક્રમણ કર્યું. એમાં તેનો પરાજય થતાં તેણે હતાશ થઈને ઈ. પૂ. 42માં આત્મહત્યા કરી.

મુગટલાલ પોપટલાલ બાવીસી