કૅસિટરાઇટ : કલાઈનું ધાતુખનિજ. ટિનસ્ટોન તરીકે પણ ઓળખાય છે. રા. બં. – SnO2. સ્ફ.વ. – ટેટ્રાગોનલ. સ્વ. – ટેટ્રાગોનલ પ્રિઝમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિકો; કોણી આકારની યુગ્મતા; જથ્થામય અથવા તંતુમય કે છૂટાછવાયા સૂક્ષ્મ કણોના સ્વરૂપે કે નદીજન્ય નિક્ષેપોમાં ઘસારો પામેલા, ભૌતિક સંકેન્દ્રણથી ભેગા થયેલા કણસ્વરૂપે. રં. – સામાન્યત: કાળો કે કથ્થાઈ, ભાગ્યે જ પીળો કે રંગવિહીન. ચ. – હીરક; આછા રંગવાળા સ્ફટિક લગભગ પારદર્શક, પરંતુ ઘેરા રંગવાળા અપારદર્શક. સં. – (100) અપૂર્ણ વિકસિત, (110) અસ્પષ્ટ, જ્યારે (011) અથવા (111) સ્પષ્ટ. ભં.સ. – વલયાકાર અથવા ખરબચડી. ચૂ. – સફેદ અથવા આછો રાખોડીથી કથ્થાઈ. ક. – 6-00થી 7-00 વિ.ઘ. – 6-8થી 7-1 પ્ર. અચ. (અ) વક્રી. ω = 2-006, e = 2.0972 (બ) 2v. -; પ્ર.સં. એકાક્ષી; +ve. પ્રકારો – વુડ ટિન-સમકેન્દ્રિત પટ્ટાઓ સાથે સુગ્રથિત અને તંતુમય આંતરિક રચના ધરાવે છે. તેથી તેનો દેખાવ લાકડા જેવો હોય છે. તે મૂત્રપિંડ આકારના જથ્થામાં પણ મળે છે. ટોડ્સ આઇ ટિનમાં વુડ ટિન જેવાં લક્ષણો નાના પાયા પર જોવા મળે છે. સ્ટ્રીમ ટિન સ્થાનાંતરિત અને ઘસારો પામેલું કૅસિટરાઇટ છે જે શિરાઓ તેમજ ખડકોમાંથી છૂટું પડેલું છે. પ્રાપ્તિસ્થિતિ – ગ્રૅનાઇટ અને તેની સાથે સંબંધિત ખડકોમાં કૅસિટરાઇટ વાયવીય વિસ્થાપન ઉત્પત્તિવાળી શિરાઓમાં મળે છે. આ તેની અતિમહત્વની પ્રાથમિક પ્રાપ્તિસ્થિતિ છે. તે ભૌતિક સંકેન્દ્રણ રૂપે પણ મળે છે. આ પ્રકારના ઉત્પત્તિજન્ય કૅસિટરાઇટ સાથે ક્વાર્ટ્ઝ, ફ્લોરાઇટ, ટોપાઝ, ટુર્મેલિન, એક્સિનાઇટ અને એપેટાઇટ ખનિજો રહેલાં હોય છે.

બોલિવિયામાં મળતી ટિન-સિલ્વર શિરાઓ ઉપરદર્શિત ઉદાહરણ કરતાં જુદી ઉત્પત્તિવાળી છે. અને તે ભૂમધ્યકૃત કે જ્વાળામુખી પોર્ફિરી ખડકો સાથે સંકળાયેલી છે.

દુનિયાના કલાઈના ઉત્પાદનનો 50 % જથ્થો ભૌતિક સંકેન્દ્રણોમાંથી મેળવાય છે. મલાયા, ડચ ઈસ્ટ ઇન્ડીઝમાંથી આ પ્રકારના કૅસિટરાઇટનું ઉત્પાદન મેળવવામાં આવે છે.

કેટલીક વખતે કૅસિટરાઇટ, ગ્રૅનાઇટ કે પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોના મૂળભૂત ઘટક તરીકે તેમજ ગ્રૅનાઇટના સંપર્કમાં રહેલા ચૂના-ખડકમાં સંસર્ગ-વિકૃતિ-નિક્ષેપ તરીકે મળી આવે છે.

ઉપયોગ : કલાઈની ધાતુખનિજ તરીકે તેમાંથી કલાઈનું ઉત્પાદન મેળવવામાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે