કૅસાં, રેને-સૅમ્યુઅલ (જ. 5 ઑક્ટોબર 1887, બાયોન, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1976, પૅરિસ) : ફ્રેન્ચ ધારાશાસ્ત્રી, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકારોના ઘોષણાપત્રના પ્રમુખ ઘડવૈયા તથા 1968ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા યહૂદી વ્યાપારી. પૅરિસ ખાતે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કર્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ફ્રાન્સના લશ્કરમાં જોડાયા તથા પાયદળના સૈનિક તરીકે યુદ્ધભૂમિ પર સખત રીતે ઘવાયા. યુદ્ધ દરમિયાન બતાવેલી બહાદુરી માટે ચંદ્રક તથા અન્ય સન્માનો પ્રાપ્ત થયાં. 1920-60 દરમિયાન કાયદાશાસ્ત્રના પ્રોફેસર તરીકે પૅરિસ, હેગ, જિનીવા તથા અન્યત્ર સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અપંગ બનેલા સૈનિકોના પુન:સ્થાપન માટે તથા મૃત્યુ પામેલા સૈનિકોનાં અનાથ બાળકોના શિક્ષણ માટે પ્રબંધ કર્યો. સાથોસાથ કાયમી વિશ્વશાંતિ માટે યુદ્ધવિરોધી ઝુંબેશ ચાલુ રાખી. 1924-38 દરમિયાન લીગ ઑવ્ નેશન્સમાં ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન લંડન ખાતે ફ્રાન્સની નિર્વાસિત સરકારના અગ્રણી સભ્ય રહ્યા (1941-43). નાઝી કબજામાંથી ફ્રાન્સને મુક્ત કરવાના હેતુથી જનરલ દ ગૉલે ફ્રાન્સવાસીઓને કરેલી હાકલને પ્રતિસાદ આપનારા પ્રથમ ફ્રેન્ચ દેશભક્તોમાં કૅસાં પણ હતા (1940). ફ્રાન્સની મુક્તિસેનાનો દરજ્જો નક્કી કરતા ચર્ચિલ – દ ગૉલ કરારના ઘડવૈયા
કૅસાં હતા. લંડન ખાતેના તેમના નિવાસ દરમિયાન નિર્વાસિત ફ્રેન્ચ સરકારના સભ્ય તરીકે તેઓ બી.બી.સી. પરથી નિયમિત પ્રસારણ કરી ફ્રેન્ચવાસીઓને નાઝીવિરોધી ઝુંબેશમાં સક્રિય થવા માટે પ્રેરણા આપતા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયા પછી ફ્રાન્સની પુનર્રચના માટે નીમવામાં આવેલી મહત્વની સમિતિઓમાં તે ખૂબ સક્રિય રહ્યા. સાથોસાથ ફ્રાન્સની કાઉન્સિલ ઑવ્ સ્ટેટના ઉપપ્રમુખ તથા દેશની સર્વોચ્ચ વહીવટી અદાલતના પ્રમુખ (1944-60) તરીકે કાર્ય કર્યું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘યુનેસ્કો’ની સ્થાપના(1944)માં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. 1945-52 દરમિયાન તેઓ ‘યુનેસ્કો’ ખાતે ફ્રાન્સના પ્રતિનિધિ હતા. સાથોસાથ 1946-68 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે તેમણે પોતાના દેશના પ્રતિનિધિ તરીકે સેવા આપી. ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકાર કમિશનના પ્રમુખ (1947-48) તરીકે માનવ-અધિકારોના ઘોષણાપત્રનો મુસદ્દો ઘડવામાં તેમનો ફાળો અવિસ્મરણીય રહેશે. આ મુસદ્દો ડિસેમ્બર 1948માં રાષ્ટ્રસંઘની પૅરિસ ખાતેની પરિષદમાં મંજૂર રાખવામાં આવ્યો. 1965–68 દરમિયાન તે માનવ-અધિકારોની યુરોપિયન અદાલતના પ્રમુખ હતા. સંયુક્ત યુરોપનું ઘડતર કરવાના તે હિમાયતી હતા. યહૂદીઓના અધિકારોના રક્ષણ માટેની ઝુંબેશમાં તે સક્રિય હતા તથા તે માટે ફ્રાન્સમાં ઊભી કરવામાં આવેલી સંસ્થા ‘અલાયન્સ ઇઝરાઇલાઇટ’ના તે પ્રમુખ હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રને બહાલી મળ્યાની વીસમી વર્ષગાંઠના દિવસે 20 ડિસેમ્બર 1968ના રોજ તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને એનાયત થયેલાં દેશવિદેશનાં ઘણાં સમ્માનોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકાર પારિતોષિકનો પણ સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે