કૅસાઇટ : પશ્ચિમ એશિયામાં બૅબિલોન પર ઈ. પૂ. અઢારમી સદીના મધ્ય ભાગથી આશરે 576 વર્ષ સુધી સત્તા ભોગવનાર પ્રજા. આ પ્રજાનું નામ કદાચ તેમના દેવ કસુ પરથી પડ્યું હોય એમ બૅબિલોનનાં સાધનો પરથી જણાય છે. બૅબિલોનમાં તેમને કસુ, અસુરમાં કસી અને ગ્રીક લેખકો કોસઇઓઈ તરીકે ઓળખે છે. બૅબિલોનમાં તેમના ઉલ્લેખ ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીથી મળે છે. પરંતુ તેમણે આ પ્રદેશ પર ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં સત્તા જમાવી. તેમના પ્રથમ રાજા ગંડાશના સમયથી તેમની રાજધાની દુર-કુરીગલઝુ હતી. તેમની રાજકીય પદ્ધતિમાં લશ્કરી સામંતશાહી હોવાનું લાગે છે.

આ કસુ પ્રજા બૅબિલોનનાં દેવદેવીઓની ઉપાસના કરતી, એટલું જ નહિ પણ તેમના રાજા અગુમ બીજાએ બૅબિલોનના દેવ મારડુક અને દેવી સરપનીતની પ્રતિમાઓને હીરાઇટો પાસેથી પાછી મેળવીને તેમનું પુન:સ્થાપન કર્યું. ઉપરાંત ઉર, વાર્કા આદિ સ્થળોએ જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી તેમનાં વિશિષ્ટ દેવદેવીઓ પણ હતાં. તે પૈકી બુરિયાશને ગ્રીક દેવી બૉરિયસ સાથે અને સુરિયસને ભારતીય સૂર્ય સાથે સરખાવવાના પ્રયાસો થયા છે.

તેમણે પશ્ચિમ એશિયામાં સૂર્યપૂજા ફેલાવી અને ઘોડાનો ઉપયોગ દાખલ કર્યો તેમજ જમીન ઓળખવા માટે વિશિષ્ટ બાણનિશાનો પણ દાખલ કર્યાં. તેમની કલાકારીગરીમાં તત્કાલીન ઇજિપ્ત તથા અન્ય દેશોની કલાની છાયા દેખાય છે.

ઈ. પૂ. બારમી સદીમાં તેમનાં વળતાં પાણી થયાં. ત્યારબાદ તે ઈરાનના સુસા તરફના પહાડી પ્રદેશ તરફ ચાલ્યા ગયા. ત્યાંથી તેમણે અસુરોનો સામનો કર્યો હતો. આ પ્રદેશમાં સિકંદર રહેતો હતો. તેની પછી પણ આ પ્રજા રહેતી હતી. કદાચ આ નિવાસને લીધે તેમનું મૂળ સ્થાન સુસાના પ્રદેશમાં હોવાનો મત છે.

ર. ના. મહેતા