કૅલોમલ ધ્રુવ : અજ્ઞાત અથવા દર્શક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) માપવા માટે પ્રમાણભૂત હાઇડ્રોજન વીજધ્રુવની અવેજીમાં વપરાતો દ્વિતીયક સંદર્ભ વીજધ્રુવ. તે ધાતુ-અલ્પદ્રાવ્ય ક્ષાર પ્રકારનો પ્રતિવર્તી વીજધ્રુવ છે અને તેમાં મર્ક્યુરી (Hg) ધાતુ કૅલોમલ (મર્ક્યુરસ ક્લોરાઇડ, Hg2Cl2) વડે સંતૃપ્ત કરેલા પોટૅશિયમ ક્લોરાઇડ(KCl)ના દ્રાવણના સંપર્કમાં રહેલી હોય છે. આ માટે મર્ક્યુરી, કૅલોમલ અને KClના દ્રાવણ વડે બનાવેલી લાહી (paste) મર્ક્યુરીના પલ્વલ (pool) ઉપર મૂકી તેની ઉપર KClનું દ્રાવણ ભરવામાં આવે છે. Hg સાથે વિદ્યુતીય જોડાણ માટે પ્લૅટિનમનો તાર મૂકેલો હોય છે.
અર્ધકોષ(half-cell)ને નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે :
Hg(l) | Hg2Cl2(g) | x m Cl– I(aq)
વીજધ્રુવમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયા આ પ્રમાણે છે :
તેમાં વાપરેલા પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણની સાંદ્રતા મુજબ તે પ્રમાણભૂત હાઇડ્રોજન વીજધ્રુવની સાપેક્ષતામાં જુદા જુદા પણ ચોક્કસ ઑક્સિડેશન વિભવ ધરાવે છે; જેમકે t° સે. તાપમાને
સંતૃપ્ત KCl કૅલોમલ : E = −0.2440 + 0.00076 (t−25° સે.) વોલ્ટ
1.0M KCl કૅલોમલ : E = −0.2834 + 0.00024 (t−25° સે.) વોલ્ટ 0.1M KCl કૅલોમલ : E = −0.3371 + 0.00007 (t−25° સે.) વોલ્ટ
સામાન્ય રીતે સંતૃપ્ત કૅલોમલ વીજધ્રુવ (SCE) વધુ વપરાય છે પણ તેનો ઉષ્મા સહગુણાંક વધારે છે.
વિદ્યુતમિતીય વિશ્લેષણ, દા.ત., પ્રત્યક્ષ પોટૅન્શિયોમિતિ, પોટૅન્શિયોમિતીય અનુમાપનો, પોલેરોગ્રાફી, ઍમ્પેરોમિતીય અનુમાપનો, pH મિતિ વગેરેમાં તેનો અધ્રુવીભવનીય સંદર્ભ વીજધ્રુવ તરીકે ઉપયોગ થાય છે.
પ્રવીણસાગર સત્યપંથી
જ. પો. ત્રિવેદી